મુખ્ય મુદ્દા:
શામળાજી અને ઈસરી પોલીસે ત્રણ લક્ઝુરિયસ કારમાંથી ₹10 લાખથી વધુનો વિદેશી શરાબ જપ્ત.
અરવલ્લી LCBએ બાતમીના આધારે બે જિલ્લાની પોલીસને હંફાવનાર મંદિર ચોરીના મુખ્ય આરોપીને દબોચી લીધો.
પોલીસની કડક કાર્યવાહીથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ.
જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જિલ્લાના નવા પોલીસ અધિક્ષક (SP) મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતાની સાથે જ પ્રોહિબિશનની કડક અમલવારીના આદેશ આપ્યા છે, જેની અસર હવે મેદાન પર દેખાઈ રહી છે. જિલ્લા પોલીસે રાજસ્થાનથી થતી દારૂની હેરાફેરી પર તવાઈ બોલાવી છે અને સાથે જ વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલીને આરોપીઓને સળિયા પાછળ ધકેલવાનું શરૂ કર્યું છે, જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે અહીં તે વાત મુખ્ય નથી પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે ગુજરાતમાં દારુની રેલમછેલ એવી તો કેવી હશે કે બુટલેગરોને 3 લાખના દારુ માટે 13થી 15 લાખની ગાડી પણ જપ્ત થઈ જાય તો પણ વાંધો નથી. અને એવા તો કેવા ગજબ કમાણી કરતા હશે કે આટલી લક્ઝૂરિયસ કારને રિસ્કમાં મુકી દે. લક્ઝરી કાર લેવાની ત્રેવડ લાવતા લાવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેટલા કટકે અને ફટકે લોન ભરાય છે તેની સારી રીતે ખબર છે અને તેથી જ આ વર્ગોને સારી રીતે ખબર પડશે કે ગુજરાતમાં દારુની કેટલી રેલમછેલ છે અને બુટલેગર કેવું કમાઈ રહ્યા હશે સાથે જ ઉપર સુધી કેટલું પહોંચાડતા હશે.
લક્ઝુરિયસ કારોમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
બુટલેગરો હવે દારૂની ખેપ મારવા માટે લક્ઝુરિયસ કારનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ અરવલ્લી પોલીસ તેમના મનસૂબા પર પાણી ફેરવી રહી છે.
શામળાજીમાં બે કાર ઝડપાઈ: શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી પસાર થતી એક XUV 700 ગાડીને અટકાવી હતી. તપાસ કરતા તેની ડેકીમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ₹૪.૭૩ લાખની કિંમતની બ્રાન્ડેડ દારૂની ૧૧૪ બોટલો મળી આવી હતી. પોલીસે અમદાવાદના જનવેદસિંહ ચૌહાણ અને રાજસ્થાનના શંકરસિંહ સિસોદિયાની ધરપકડ કરી કુલ ₹૧૪.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં, પોલીસે ગ્રાન્ડ વિટારા કારમાંથી ભરૂચના બુટલેગર વિનોદ ગોહિલને ₹૩.૨૦ લાખના દારૂ સાથે ઝડપી પાડી કુલ ₹૧૩.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઈસરીમાં બિનવારસી કારમાંથી દારૂ મળ્યો: ઈસરી પોલીસે ભડવચ ગામની સીમમાંથી બિનવારસી હાલતમાં પડેલી એસ ક્રોસ ગાડીમાંથી ₹૨.૬૦ લાખનો શરાબ જપ્ત કર્યો હતો. પોલીસે પાયલોટિંગ કરી રહેલી આઈ-૨૦ કાર પણ કબજે કરી કુલ ₹૧૧.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બૂટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, રીઢો ચોર LCBના સકંજામાં
બીજી તરફ, અરવલ્લી LCB પીઆઈ ગરાસિયા અને તેમની ટીમે પણ એક મોટી સફળતા મેળવી છે. ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કંટાળું હનુમાન મંદિર અને અન્ય એક મંદિરમાં ચોરી કરીને અરવલ્લી અને સાબરકાંઠા પોલીસને હંફાવી રહેલા મુખ્ય આરોપી, રાજસ્થાનના અજીત રમેશ અસોડા, કદવાડી બસ સ્ટેન્ડ પાસે ઉભો હોવાની LCBને ચોક્કસ બાતમી મળી હતી. LCBની ટીમે તાત્કાલિક ત્રાટકીને રીઢા ચોર અજીતને દબોચી લીધો હતો. ફિંગરપ્રિન્ટના આધારે મંદિર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હવે તેના અન્ય બે સાગરીતો, ગોવિંદ ખરાડી અને અનિલ કટારાને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796