નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ભાઇ અનિલ અંબાણીને વધુ એક ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં તેમની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ (આરસીએલ)ના સીઈઓ ધનંજય તિવારીએ રાજીનામું આપી દીધું છે. રેગ્યુલેટરી ફાઇલિંગમાં કંપનીએ જે માહિતી શેર કરી છે તે મુજબ ધનંજયને 15 માર્ચ 2022થી સેવામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.
જોકે, કંપનીએ ધનંજય તિવારીના રાજીનામાનું કારણ સ્પષ્ટ કર્યું નથી. ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણીની આ કંપની પર મોટું દેવું છે અને તે વેચાવા જઈ રહી છે. અનિલ અંબાણી પ્રમોટેડ કંપની હાલમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ બેન્ચમાં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (સીઆઇઆરપી) પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે. રિલાયન્સ કેપિટલ પાસે ડિસેમ્બર 2020 સુધીમાં કુલ 20,380 કરોડ રૂપિયા છે.
એક તરફ આરબીઆઇની કડકાઇના કારણે અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી છે તો બીજી તરફ ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓને તેમની રિલાયન્સ કેપિટલમાં રસ છે. જી હા, અદાણી ફિનસર્વ સહિત કેકેઆર, પીરામલ ફાઈનાન્સ અને પૂનાવાલા ફાઈનાન્સ જેવી કુલ 14 કંપનીઓ તેને ખરીદવાની રેસમાં લાગી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ કેપિટલ માટે બોલી ભરવાની તારીખ 11 માર્ચ હતી જેને હવે વધારીને 25 માર્ચ કરી દેવામાં આવી છે.
29 નવેમ્બરના રોજ આરબીઆઈએ રિલાયન્સ કેપિટલના બોર્ડને વિખેરી નાખ્યું હતું અને તેના વતી બેંક ઓફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નાગેશ્વર રાવને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. બીજા જ દિવસે મધ્યસ્થ બેન્કે પણ વહીવટદારને મદદ કરવા માટે ત્રણ સભ્યોની પેનલની રચના કરી હતી. અનિલ અંબાણીના નેતૃત્વવાળી આરસીએલ પર દેવાની ચુકવણી અને કંપનીના સંચાલનમાં ડિફોલ્ટ થવાના અનેક ગંભીર આરોપો છે. સપ્ટેમ્બર 2021માં, રિલાયન્સ કેપિટલે તેની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં શેરહોલ્ડરોને જાણ કરી હતી કે કંપનીનું એકીકૃત દેવું 40,000 કરોડ રૂપિયા છે.
![]() |
![]() |
![]() |











