નવજીવન. ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો આવી રહ્યો છે. ગઈકાલે જે આંકડો 1259 હતો તે આજે વધીને 2265 થઈ ગયો છે. કાલે આવેલા કેસની સામે લગભગ બેવડી સંખ્યામાં આજે કેસ ગુજરાતમાં સામે આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આજે રાજ્યમાં આવેલા ઓમિક્રોન વેરિએન્ટના માત્ર 2 જ કેસ છે.
ગુજરાતમાં આજે 2265 કેસ સામે અવ્યા છે તેમાં સૌથી વધારે અમદાવાદમાં 1290 કેસ આવ્યા છે. અમદાવાદમાં ગઈ કાલે 631 કેસ હતા જે આજે વધીને 1290 થાય છે. અમદાવાદનો આંકડો પણ એક જ દિવસમાં ડબલ થયો છે જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં બીજા નંબરે સુરતમાં 415 કેસ નોંધાયા છે જ્યારે ત્રીજા નંબરે વડોદરામાં 86 કેસ આવ્યા છે. આજે ગુજરાતમાં આવેલા ઓમિક્રોન વેરિએન્ટના 2 કેસ અમદાવાદમાં આવ્યા છે. જોકે બંને દર્દી કોઈ પણ ઇન્ટરનેશનલ અથવા ડોમેસ્ટિક ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. બીજી બાજુ કોરોનાને કારણે નવસારી અને ભાવનગરમાં એક એક દર્દી એટલે કે બે વ્યક્તિના મોત નિપજ્યા છે.
ગુજરાતમાં વધતા આ કોરોનાના આંકડા અત્યંત ચિંતાનો વિષય છે તેમાં પણ અમદાવાદ જેવા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત આંકડા ડબલ થઈ રહ્યા છે તે અંગે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કંઈક યોગ્ય નિર્ણય કરવો જોઈએ. માત્ર રાત્રી કરફ્યુ દ્વારા આ સમસ્યાનું કોઈ ઉકેલ આવશે નહીં તેવું તજજ્ઞોનું તારણ પણ ધ્યાને લેવું જરૂરી બન્યું છે.
ગઈકાલથી શરૂ કરવામાં આવેલા 15થી 18 વર્ષના કિશોરોના રસિકરણમાં આજે પણ 5,78,149 કિશોરોએ વેક્સિન લીધી હતી.
![]() |
![]() |
![]() |