અમદાવાદમાં ગઇકાલ શનિવાર મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી એક મર્સિડિઝ કારમાં પાટીદાર બિલ્ડર હિંમતભાઇ રુડાણી (રહે. કૈલાસધામ વિભાગ-1, ઠક્કરનગર, અમદાવાદ)ની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરેલી લાશ મળી આવી હતી.
આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા ત્રણ આરોપીઓ હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજા સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓએ નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હિંમતભાઈ રૂડાણીની હત્યા કરી હતી. આ હત્યા માટે પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ 50 હજારની સોપારી આપી હત્યા કરાવી હતી. હત્યા પાછળ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે અને મૃતક બિલ્ડરના પુત્રએ મનસુખ લાખાણી ઉર્ફે જેકીના પુત્ર ફરિયાદ કરી હતી. જેમાં વર્ષ 2024માં ધવલ રૂડાણીએ તે સમયે તેના જ ભાગદાર કિંજલ લાખાણી સામે છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ CID ક્રાઈમના EOW વિભાગમાં કરી હતી. જેમાં બિલ્ડરની ખોટી સહીઓ અને ઓથોરિટી લેટર પેડ ડુપ્લિકેટ બનાવી 1.50 કરોડ રૂપિયા બેંકમાંથી ઉપાડી લીધા હતા તેમજ બારોબાર દુકાનો બનાવી વેચી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે કિંજલ લાખાણી વિરુધ ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.
જૂની અદાવતનો ખાર રાખીને પૂર્વ પાર્ટનરે જ 50 હજાર રુપિયામાં હત્યારાઓ હાયર કર્યા હતા અને નિકોલ સરદારધામના બેઝમેન્ટમાં જ બિલ્ડર હિંમતભાઇની હત્યા કરી તેમની જ મર્સિડિઝ કાર ડેકીમાં મૃતદેહ મુકી શહેરના વિવિધ વિસ્તારમાં કાર ફેરવી પછી વિરાટનગર બ્રિજ નીચે મુકી ફરાર થઇ ગયા હતા. પોલીસ હત્યા કરનારા આરોપીઓને રાજસ્થાનથી ઝડપી લીધા છે.
ઉલ્લેખનીય છે કે 40 વર્ષથી અમદાવાદમાં રહેતા હિંમતભાઈનું મૂળ વતન ધારી છે. લેઉવા પાટીદાર સમાજમાં અગ્રણી એવા હિંમતભાઈ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. નરોડા, નિકોલ વિસ્તારમાં તેમની કન્સ્ટ્રકશન સાઈટો ચાલે છે.








