નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો દૂર છે ત્યારે ઘણા બધા નેતાઓ અને કાર્યકર્તાઓ એક પક્ષથી બીજે પક્ષમાં જાય તે સ્વાભાવિક છે. સામાન્ય રીતે નેતાઓ અંગત મહેચ્છાઓ અને નારાજગીના કારણે પક્ષ પલટો કરતાં હોય છે. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે, જોકે તે અંગે હજુ હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે કોંગ્રેસમાં ઘરવાપસી કરી લીધી છે.
આજે અમદાવાદનાં પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાહેરાત કરવામાં આવી છે કે પૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાઈને ઘરવાપસી કરી છે. આ પ્રેસ કોન્ફરન્સને ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોરે સંબોધિત કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે, “હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ગુજરાત કોંગ્રેસ પણ યોગ્ય પ્લાનિંગ સાથે આગળ વધશે. આજે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ઘરવાપસી કરી છે. અમે તેમનું હાર્દિક સ્વાગત કરીએ છે. ધીમે ધીમે હવે સમગ્ર ગુજરાતનાં સામાજિક આગેવાનો એક થઈ રહ્યા છે, ત્યારે મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે પહેલા કોંગ્રેસમાં જે કામ કરતાં હતા તેના કરતાં પણ વધારે સારું કામ હવે તેમણે આગામી સમયમાં કરશે.”
કોંગ્રેસમાં જોડાવા અંગે મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, “આજના સમયમાં જે નફરતની રાજનીતિ થઈ રહી છે તેને અટકાવવા માટે એક થવું જરૂરી છે. તેના માટે જ મે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પ્રસ્તાવ મોકલ્યો હતો. તેમણે અને અન્ય સાથીઓ જેમણે મને સ્વીકાર્યો તે તમામનો હું આભાર માનું છું. ભૂતકાળમાં ભાજપમાં જોડાયો તેના 4 જ માહિનામાં મે રાજીનામું આપી દીધું હતું અને ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી.”
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની મહત્વકાંક્ષાને સંતોષવા માટે અનેક વાર પક્ષ પલટા કર્યા છે. હવે તેમના પુત્રએ પણ એ જ રસ્તો અપનાવ્યો છે અને પહેલા કોંગ્રેસ બાદમાં ભાજપ અને હવે ફરીથી તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. મહેન્દ્રસિંહ બાદ શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.








