નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના ભરચક વિસ્તાર ગણાતા જમાલપુરમાં આજરોજ સવારે 6 વાગ્યા આસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બેફામ બની રહેંણાક વિસ્તારમાં દોડી રહેલી કારે એક આધેડને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિકો પણ એકઠા થઈ ગયા હતા અને કારચાલકને પકડી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ A ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અસારવાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ટ્રાફિક પોલીસે કારચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી મુજબ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી નવી મસ્જીદ પાસે સવારે 6 વાગ્યાના અરસામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. છીપાવાડ વિસ્તારમાં યમરાજ બની પૂરઝડપે દોડી રહેલી હ્યુન્ડાઈ એસેન્ટ કારે નમાઝ પઢવા જઈ રહેલા આધેડને ટક્કર મારી હતી. જેથી આધેડને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેમજ કારની ટક્કરથી અન્ય બે યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે સવારના સમયે ઘડાકાભેર આવાજ આવતા આસપાસના રહીશો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે LG હોસ્પિટલ મોકલી આપ્યા હતા. તેમજ રહીશોએ કારચાલકને પણ ઝડપી પાડ્યો હતો.
આ અંગે લોકોએ ટ્રાફિક પોલીસને જાણ કરતા A ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અસારવા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. હાલ ટ્રાફિક પોલીસે આ મામલે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ત્યારે બીજી તરફ આરોપી કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જે મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796