અમિતસિંહ ચૌહાણ (અમદાવાદ): ૨ વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ ગળી ગઇ. જે શ્વાસનળી સુધી પહોંચ્યો. LED બલ્બના ઇલેક્ટ્રોડ્સના બંને છેડામાંથી એક છેડો જમણી બાજુના ફેફસામાં જ્યારે અન્ય છેડો શ્વાસનળીમાં ફસાઇ ગયો. ભારે જહેમત ઉપાડીને સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમે સર્જરી હાથ ધરીને બલ્બ સફળતાપૂર્વક દૂર કર્યો.
૧૦ મી ડિસેમ્બરે બે બાળકો બાહ્ય પદાર્થ ગળી જવાની ફરિયાદ અને દુખાવા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોચ્યા. ૨ વર્ષની જ્યોતિ જ્યારે રમકડા રમી રહી હતી ત્યારે રમત રમતમાં રમકડામાં લગાવેલો એલ.ઇ.ડી. બલ્બ ગળી ગઇ. તેની માતા રાજકુમારીબેનને આ બાબતની જાણ થતા તેઓ સત્વરે સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આવી પહોંચ્યા. હોસ્પિટલમાં એક્સ-રે અને સી.ટી. સ્કેન કરાવવામાં આવ્યા જેમાં આ એલ.ઇ.ડી. બલ્બ શ્વાસનળીમાં ફસાઇ ગયો હોવાનું નિદાન થયું.
૨ વર્ષીય જ્યોતિની સમસ્યા અત્યંત જટીલ હોવાથી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે એનેસ્થેસિયા વિભાગના ડૉ. સીમા ગાંધીના સહયોગથી સમગ્ર સર્જરી હાથ ધરીને સફળતાપૂર્વક પાર પાડી હતી. આ અગાઉ આવા જ બીજા એક કિસ્સામાં મહેસાણાના હનુભાઇ વણઝારાની બે વર્ષની દીકરી હિનાને ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સ્થાનિક હોસ્પિટલમાં સી.ટી. સ્કેન કરાવતા ખબર પડી કે સીંગનો દાણો શ્વાસનળીમાં ફસાઇ ગયો છે. જેને અત્યંત જટીલ અને નિષ્ણાંત તબીબો જ સર્જરી દ્વારા દૂર કરી શકશે. જેના સારવાર અર્થે હીનાના પિતા બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા. જ્યાં ડૉ. મહેશ વાધેલા અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. કિરન પટેલે આ જટીલ સર્જરી પાર પાડવાની જહેમત ઉપાડીને તેને સફળતાપૂર્વક પાર પાડી હતી. જોકે આ કેસ તેના કરતાં વધુ જટીલ હતો.
ડૉ. રાકેશ જોષી દરેક માતા-પિતાને પાંચ વર્ષથી નાના બાળકોને રમકડા, સંવેદનશીલ પદાર્થોથી દૂર રાખવા અનુરોધ કરે છે. આવા પદાર્થો બાળક જ્યારે ગળી જાય ત્યારે ઉપરોક્ત કિસ્સા મુજબ ઘણી વખત શ્વાસનળીમાં પ્રવેશે છે. જેનાથી બાળક ગંભીર મુશકેલીમાં મુકાઇ શકે છે. અગાઉ એસિડ અને અન્ય જવલંત પદાર્થો ભુલથી ગળી જવાના કિસ્સા પણ સામે આવતા હતા. આ તમામ પ્રકારની તકલીફોથી બચવા માટે સાવચેતી એ જ સલામતીને ધ્યાને રાખીને પોતાના બાળકની સારસંભાળ રાખવાની ડૉ. જોષી સલાહ આપે છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.