Tuesday, October 14, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદીઓ થઇ જાઓ તૈયાર: આગામી સમયમાં શહેરમાં યોજાશે આટલી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ

અમદાવાદીઓ થઇ જાઓ તૈયાર: આગામી સમયમાં શહેરમાં યોજાશે આટલી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ

- Advertisement -

વ્યાપાર અને સાહસ માટે જાણીતું રાજ્ય ગુજરાત હવે રમતગમત ક્ષેત્રે વૈશ્વિક નકશા પર ઝળકવા માટે તૈયાર છે. આગામી વર્ષોમાં ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગેમ્સનું આયોજન થવાનું છે, જે રાજ્ય માટે ગર્વની વાત છે. 2025માં જ કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ, એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયન કપ ક્વૉલિફાયર એમ ત્રણ મોટી ઇવેન્ટ્સ યોજાશે અને વિશ્વભરના ટોચના ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે.

અમદાવાદ કરશે વિવિધ આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની, 2025માં 3 ઇવેન્ટ્સ
અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 24 થી 30 ઓગસ્ટ દરમિયાન પ્રતિષ્ઠિત કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2025નું આયોજન છે. આ ચૅમ્પિયનશિપમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ત્યારબાદ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 યોજાશે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશોના તરવૈયાઓ ભાગ લેશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ભારત 22 થી 30 નવેમ્બર, 2025 દરમિયાન આયોજિત AFC U17 એશિયન કપ સાઉદી અરેબિયા 2026 ક્વૉલિફાયરના સાત યજમાન દેશોમાંનો એક છે. ભારતમાં આયોજિત તમામ મૅચ અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ધ અરેના ખાતે યોજાશે. અમદાવાદમાં યોજાનાર ક્વૉલિફાયરમાં ગ્રુપ-Dની મૅચ યોજાનાર છે. જેમાં ભારત, ઈરાન, પેલેસ્ટાઇન, ચાઇનીઝ તાઈપેઈ અને લેબનોન જેવા દેશો ભાગ લેશે.

2029માં ગુજરાતમાં વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન
વર્ષ 2026માં એશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ અને આર્ચરી એશિયા પેરા કપ- વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટનું આયોજન પણ અમદાવાદમાં થશે. આ ઉપરાંત, ભારતે વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ 2029નું આયોજન કરવાનું સન્માન મેળવ્યું છે અને આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગર (કેવડિયા)માં યોજાશે. તો તાજેતરમાં જ 2030 કૉમનવેલ્થ ગેમ્સ માટે ભારતની દાવેદારી મંજૂર કરવામાં આવી છે અને આ ઇવેન્ટ માટે યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. આ તમામ ઇવેન્ટ્સ રાજ્યને મલ્ટી-સ્પોર્ટ હાઇ-પર્ફોર્મન્સ સ્થળ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે.

ગુજરાતમાં છે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને વિશ્વ સ્તરની સુવિધાઓ
આજે રાજ્યમાં વિશ્વ સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. નવી સ્પોર્ટ્સ પોલિસી 2022-27એ ગુજરાતના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે. અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સુવિધાઓને કારણે ગુજરાત આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજવા સક્ષમ બન્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular