વડોદરાના માંજલપુર વિસ્તારમાં શુક્રવાર રાત્રે સાડા આઠ વાગ્યા આસપાસ 25 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડતા યુવકનું મોત થયું છે.
માંજલપુરની ગાયત્રીકૃપા સોસાયટીમાં રહેતા વિપુલસિંહ ઝાલા તેમની પત્ની અને સંબંધીઓ સાથે જમવા માટે નિકળ્યા હતા. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે તેઓ ગાડી પાર્ક કરવા ગયા હતા અને ખુલ્લી ગટરમાં પડી ગયા હતા. નિવૃત્ત Dy. SPના પુત્ર એવા વિપુલસિંહ એલેમ્બિક કંપનીમાં નોકરી કરતા હતા.
કાર પાર્ક કરીને પરત ન આવતા પરિવારે શોધખોળ કરતા ત્યાં ખુલ્લી ગટર જોવા મળી હતી અને ટોર્ચની બેટરીથી તેમાં જોતા બુટ તરતા દેખાયા હતા. જેથી તાત્કાલીક ફાયરબ્રિગેડની જાણ કરવામાં આવી હતી. જો કે રેસ્ક્યુ કામગીરી દરમિયાન માત્ર વિપુલસિંહનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આમ વડોદરા તંત્રની ગંભીર બેદરકારીને લીધે વધુ એક વ્યક્તિએ જીવ અને પરિવારે પોતાના સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે.








