Saturday, November 28, 2026
HomeGujaratPI ને પોતાના જ સિનિયર અધિકારી DIG પર ગુસ્સો આવ્યો, પણ તેમણે......

PI ને પોતાના જ સિનિયર અધિકારી DIG પર ગુસ્સો આવ્યો, પણ તેમણે… | શતરંજ-103

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-103, નવજીવન ન્યૂઝ): બીજા દિવસે સવારે લગભગ નવ વાગ્યા હતા. સીઆઇડી ક્રાઇમની ઑફિસમાં હજી માત્ર સફાઈ-કામદાર જ આવ્યા હતા. એક સફાઈ-કામદાર બીડીનો કશ ખેંચી રહ્યો હતો, તેની સાથે એક મહિલા સફાઈ-કામદાર બેઠી હતી. જોકે તેમના વ્યવહારથી બંને પતિ-પત્ની નહોતાં લાગતાં કારણ કે બંને ખૂબ જ હસીને અને પ્રેમથી વાત કરતા હતા. આશરે ચાલીસની ઉંમરનાં બંને હશે. આમ તો ચાલીસીએ પહોંચેલી વ્યક્તિ જિંદગીથી એટલી બધી હારી-થાકી ગઈ હોય છે કે તેને લાગે છે કે તે પોતાના માટે જીવી જ નથી.

તે નાનો હતો ત્યારે માબાપની ઇચ્છા પ્રમાણે જીવ્યો. લગ્ન થયાં પછી પત્નીને રાજી રાખવામાં ખર્ચાઈ ગયો. પછી પોતે કંઈક કરશે તેવું લાગ્યું ત્યારે બાળકોની ઇચ્છાઓ અને માગણીઓમાં પોતે ખૂણામાં જતો રહ્યો. આ ઉંમરે જો કોઈ હસીને વાત કરનાર મળે તોપણ મજા પડી જતી હોય છે, આવું કદાચ આ સફાઈ-કામદારની જિંદગીમાં હશે. હજી ઑફિસ શરૂ થવાની વાર હતી, એટલે બે ઘડી જીવી લેવાની વાત હતી. જોકે આ બંને કામદારોને કોઈ ધારી ધારી જોઈ રહ્યું હતું. કદાચ તેમને ખબર ન હતી અને ખબર હતી તો પરવા ન હતી. અને આમ પણ બંને માત્ર વાતો જ કરતા હતા, ક્યાં કંઈ છુપાવવા જેવું હતું. અચાનક બીડી પી રહેલા સફાઈ-કામદારનું ધ્યાન પેલી વ્યક્તિ તરફ ગયું. તે વ્યક્તિ તેમની તરફ આવી રહી હતી, એટલે તેણે પોતાના હોઠો વચ્ચે દબાવેલી બીડી કાઢી નાખી. જોકે બીડી ફેંકી નહીં, પણ પોતાની પીઠ પાછળ નાખી. આ વ્યક્તિ કોણ છે, ક્યારની આ ઑફિસની બહાર આંટા કેમ મારી રહી છે, કદાચ કોઈ પોલીસ-અધિકારી તો નથી ને — તેવા અનેક વિચારો સાથે સફાઈ-કામદાર પોતાની તરફ આવી રહેલી વ્યક્તિને જોઈ રહ્યો.

- Advertisement -

પેલી વ્યક્તિ નજીક આવી એટલે ઊભા પગે બેઠેલી મહિલા સફાઈ-કામદાર ઊભી થઈ ગઈ. પેલી વ્યક્તિએ અત્યંત નમ્રતાથી પૂછ્યું, “પરમાર સા’બ, કબ આવે?” બંને સફાઈ-કામદાર આગંતુક સામે કંઈ જ ખબર નથી પડી તેવી રીતે જોવા લાગ્યા. પેલી વ્યક્તિએ ચેમ્બર તરફ ઇશારો કરતાં ફરી પૂછ્યું, “પરમાર-સા’બ કિતને બજે આવે?” પેલા બંને ભલે સરકારી સફાઈ-કામદાર હતા, પણ તેમને કઈ ચેમ્બરમાં કોણ સાહેબ બેસે છે તેની કોઈ નિસબત ન હતી અને ફેર પણ પડતો ન હતો. પેલી વ્યક્તિ ગુજરાતી બોલતી ન હતી પણ ગુજરાતી-હિંદી મિશ્રિત હતી, જે સહજ રીતે સમજાય તેવી હતી. પ્રશ્ન સાંભળ્યા બાદ બંને સફાઈ-કામદારોએ જવાબ આપ્યો. સાહેબ તો અગિયાર પછી આવે. પેલી વ્યક્તિએ તરત પોતાની કાંડા-ઘડિયાળ તરફ જોયું, હજી સવા નવ થતા હતા. આશરે પચાસની ઉંમરની આ વ્યક્તિએ કંઈક વિચારીને બીજો સવાલ કર્યો, “અટે કોઈ હોટલ… કૅન્ટીન છે?” તરત મહિલા કામદારે જવાબ આપ્યો, “હા, છેક નીચેના માળે કૅન્ટીન છે, ચા-નાસ્તા મળશે.” અતિ ઉત્સાહથી મહિલા-કામદાર જવાબ આપી રહી છે તેવું લાગતાં તેના સાથી કામદારને આ વાત ખટકી. તેણે મહિલા-કામદાર સામે જોયું, તે કંઈ પણ બોલ્યા વગર જાણે કહેવા માગતો હોય કે મૂંગી મર. જોકે તરત પેલી વ્યક્તિ પગથિયાં ઊતરી ચાલવા લાગી. જોકે પેલી વ્યક્તિ હજી પગથિયાં ઊતરી રહી હતી ત્યારે સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચની ઑફિસ જે માળે હતી તે માળે લિફ્ટ આવી ઊભી રહી. તેમાંથી ઇન્સ્પેક્ટર પરમાર નીકળ્યા. તે રોજ કરતાં વહેલા હતા. હજી તેમનો સ્ટાફ પણ આવ્યો ન હતો. પણ પરમારની સરકારી ચાલ જોઈ હજી ગપ્પાં મારી રહેલા કામદારો સમજી ગયા કે આ કોઈ અધિકારી છે, એટલે તરત ગપ્પાંને બાજુ ઉપર મૂકી કામે લાગી ગયા. પરમાર પાસે પોતાની ચેમ્બરની ચાવી રહેતી હતી. તેમણે જાતે જ ચેમ્બર ખોલી, તે અંદર દાખલ થયા.

પરમારને પંતસાહેબ સાથે કામ કરતી વખતે મજા આવતી હતી, પણ ક્યારેક લઘુતાગ્રંથિ પણ થતી હતી. પંતની નોકરી અને અનુભવ પરમાર કરતાં ઓછાં હતાં, છતાં પંત એક સુપરવાઇઝર ઑફિસર તરીકે કાગળોને એટલી ચીવટતાથી જોતાં-સમજતાં અને તેમાંથી જ કંઈક નવું શોધી કાઢતા હતા. તે કઈ રીતે કામ કરતા તેની પરમારને ટપ્પી પડતી ન હતી. જે કાગળો પરમાર અનેક વખત જોઈ ગયા હોય અને જે વાત પરમારની નજરે જ ના પડી હોય તેવી વાતો પંત શોધી કાઢતા હતા. હજી ગઈ કાલે જ પંતે રાજસ્થાન પોલીસના આસિસ્ટંટ સબ-ઇન્સ્પેક્ટર કાનજીને સમન્સ કરવાનું કહ્યું. પરમાર ગઈ કાલે આખી ફાઈલો વાંચી ગયા. પણ ક્યાંય કાનજીનો ઉલ્લેખ સુધ્ધાં ન હતો અને આજે પણ તે કાનજી કોણ છે અને સાહેબે શા માટે તેને બોલાવ્યો છે, તે સમજવા માટે તે વહેલા આવી ફરી વખત ફાઈલ વાંચવાના હતા. ગઈ રાતે દારૂ પીતી વખતે પણ કાનજી કોણ હશે તેના જ વિચાર ચાલતા રહ્યા અને રાતે આ કાનજીએ બહુ મોડા સુધી સૂવા પણ દીધો ન હતો… ઑફિસમાં પરમાર એકલા જ હતા.

તેમણે કબાટમાંથી ફાઈલો કાઢી ફરી વાંચવાની શરૂઆત કરી, પણ પરમારને ખબર ન હતી કે નિઝામ કેસની ફાઈલમાં કાનજી નામનું પાત્ર જ ન હતું. હા, કાનજીનો ઉમેરો થવાનો હતો. પણ હજી તેને થોડી વાર હતી. કાનજીનું નામ પંત પાસે ફાઈલમાંથી નહીં, પણ જેલમાં જતાં પહેલાં રાજસ્થાનના સબ-ઇન્સ્પેક્ટર ઇકબાલ શેખ પાસેથી મળ્યું હતું, પણ આ વાતથી પરમાર સાવ અજાણ જ હતા. ફાઈલ વાંચતાં વાંચતાં ક્યારે સાડા અગિયાર થઈ ગયા તેની ખબર જ ના પડી. તે જ વખતે એક કૉન્સ્ટેબલ પરમારની ચેમ્બરમાં દાખલ થયો, ‘જયહિંદ સર’ કહી સલામ કરી અને પરમારને જોતાં આશ્ચર્ય સાથે પૂછ્યું : “વહેલા આવી ગયા?” પરમારે ફાઈલ બંધ કરતાં કહ્યું, “હા ભાઈ, કાનજીને શોધવાનો હતો, પણ સાલો આખી ફાઈલમાં ક્યાંય નથી.” કાનજીનું નામ સાંભળતાં કૉન્સ્ટેબલના ચહેરા ઉપર કંઈક ચમકારો થયો. “કાનજી…” તેણે કહ્યું, “સાહેબ, એક કાનજી ક્યારનોય આપની ચેમ્બર બહાર ઊભો છે, તે કહેતો હતો કે સાહેબને મળવું છે. પણ મને લાગ્યું કે તમે હજી નથી આવ્યા એટલે મેં ના પાડી.” કાનજીનું નામ સાંભળતાં પરમાર ખુરશીમાંથી ઊભા થઈ ગયા. તેમને કાનજી કોણ છે? કેવો છે? તેણે શું કર્યું? તે જાણવાની ઉત્સુકતા હતી. પણ તરત યાદ આવ્યું કે પંત સાહેબ જેને બોલાવે તેની પૂછપરછ બીજું કોઈ કરે તે પંત સાહેબને પસંદ ન હતું, એટલે તેમનો ઉત્સાહ સોડા બૉટલના ગૅસની જેમ બેસી ગયો. તેમણે કૉન્સ્ટેબલને પૂછ્યું, “પંત સાહેબ આવ્યા છે?” કૉન્સ્ટેબલે યાદ કરતાં કહ્યું, “મેં જોયા નથી, પણ પોર્ચમાં તેમની કાર પડી હતી. આવી ગયા હશે.” પરમાર તરત બહાર નીકળ્યા.

- Advertisement -

પરમારને જોતાં ચેમ્બર બહાર રહેલી વ્યક્તિએ ‘જયહિંદ જનાબ’ કહી સલામ કરી. પરમારે અંદાજ બાંધી લીધો કે આ જ એએસઆઇ કાનજી હશે. પરમારે પોલીસની નજરે કાનજીને પગથી માથા સુધી એક નજરે જોતાં પૂછ્યું, “કાનજી હોના?” જનાબ કહી કાનજીએ હા પાડી. “ચલો ભાઈ, પંત સાહબ સે મિલ લેતે હૈં.” પરમાર, કાનજીને લઈ પંતની ચેમ્બર સુધી ગયા. અંદર જઈ તેમણે કાનજી આવી ગયો હોવાની જાણ કરી, પંતે વિચાર કરી કહ્યું, “ઠીક હૈ, ઉસે ભેજ દો, ઔર બાદ મેં તુમ્હેં બુલાતા હૂં.” પરમાર પંતનું વાક્ય સાંભળી અનેક વાતો સમજી ગયા કે, કાનજીને અંદર મોકલવાનો, પણ તેમણે કાનજીની પૂછપરછ વખતે ચેમ્બરમાં રહેવાનું નહીં. પંત સાહેબ એકલામાં જ કાનજી સાથે વાત કરવા માગે છે. પરમારને આ વાત જરા ગમી ન હતી, તેમનો ઉત્સાહ અને ઉત્સુકતા ઉપર સાહેબ પાણી ફેરવી રહ્યા હતા. એવી કઈ વાત હતી કે પંત સાહેબ પોતાની હાજરીમાં કરી શકતા નથી. ખરેખર આ કેસનો ઇન્વેસ્ટિગેટર તો પરમાર ખુદ હતા, પણ મોટા ભાગનું ઇન્વેસ્ટિગેશન તો પંત ખુદ કરી રહ્યા હોય તેવું લાગતું હતું.

જોકે પરમાર પાસે પંતની વાત માનવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. તે ચેમ્બરની બહાર નીકળ્યા અને કાનજીને તેમણે પંતની ચેમ્બરમાં જવાની સૂચના આપી હતી. જોકે બપોર થવા છતાં પંત સાહેબ તરફથી કોઈ બોલાવવા આવ્યું નહીં. પરમારને આશ્ચર્ય થતું હતું… કાનજી એક સામાન્ય જમાદાર હતો, પણ હજી તે પંતની ચેમ્બરમાં શું કરી રહ્યો હશે? પંત તેને શું પૂછતા હશે? અને એક નાનો જમાદાર શું જાણતો હશે… વગેરે અનેક પ્રશ્નો હતા. એકાદ-બે વખત પરમારે પોલીસવાળાને મોકલી અંદર શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ ખબર પડી નહીં. લગભગ ચાર વાગે પંતના પટાવાળા કમ પરમારના જાસૂસ પાસેથી જાણકારી મળી કે પંત સાહેબે પોતાના સ્ટેનોગ્રાફરને ચેમ્બરમાં બોલાવ્યો હતો. તે કાનજીનું સ્ટેટમેન્ટ તેને લખાવી રહ્યા હતા. આ કેસમાં આવું પહેલી વખત બની રહ્યું હતું કે, પરમારની ગેરહાજરીમાં સ્ટેટમેન્ટ થઈ રહ્યું હતું. પરમારની ચિંતા અને ગુસ્સામાં વધારો થઈ રહ્યો હતો. પરમારને એવી પણ જાણકારી મળી કે આખા દિવસ દરમિયાન પંત સાહેબની ચેમ્બરમાં કાનજી માટે ચા અને નાસ્તો પણ ગયાં હતાં. સાહેબે કહ્યું હતું કે,  “હું તમને બોલાવીશ.” એટલે ઑફિસ છોડવી પણ શક્ય ન હતી.

સાંજના સાત વાગ્યા હતા. પરમારે બાકીના સ્ટાફને ઘરે જવાની સૂચના આપી દીધી હતી. આખી ઑફિસમાં બે જ ચેમ્બરો ખુલ્લી હતી. એક પંતની અને બીજી પરમારની. બાકીનો સ્ટાફ નીકળી ગયો હતો. જ્યારે માણસ કોઈ પણ વસ્તુ અને વ્યક્તિની રાહ જોતો હોય ત્યારે ટૂંકો સમય પણ લાંબો લાગવા લાગે તેવું પરમારનું થઈ રહ્યું હતું. આઠ વાગે અચાનક પરમારની ચેમ્બરનો દરવાજો ખૂલ્યો. સામે પંતનો પટાવાળો હતો. તેણે કહ્યું, “સાહેબ બોલાવે છે.”
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular