Rajkot Police solve woman’s murder case : રાજકોટ જિલ્લાના જેતપુરમાં ચારેક દિવસ અગાઉ થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ભાઈ સાથે આડા સંબંધ હોવાની આશંકા રાખીને સગી ભત્રીજીઓએ જ પોતાની ફોઈની હત્યા કરી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પકડાયેલા આરોપીઓએ પહેલા ફોઈને ઝેરી દવા પીવડાવી અને ત્યારબાદ ચૂંદડીથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. એએસપી સિમરન ભારદ્વાજ (Simran Bhardwaj)ના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટી પોલીસે (Jetpur City Police) ગણતરીના દિવસોમાં જ 90 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને હત્યા કેસનું પગેરૂં મેળવી ચારેય આરોપીઓને દબોચી લીધા છે.
ગત 11 નવેમ્બરના રોજ જેતપુર સિટી પોલીસને નવાગઢ રોડ પરથી એક 35 થી 40 વર્ષની મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનું પીએમ કરાવતા મહિલાનું મોત ગળે ટૂંપો આપવાથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. મૃતક મહિલાની ઓળખ હકુબહેન પરમાર તરીકે થઈ હતી. આ મામલે મૃતકના ભાઈ અરવિંદભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી. હત્યા કેસમાં જેતપુર પોલીસે તપાસ શરૂ કરી 90 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરતા એક શંકાસ્પદ રિક્ષામાં 4 લોકો જોવા મળ્યા હતા. પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક હકુબહેનને તેમના જ સગા ભાઈ ધમાભાઈના દીકરા રવિ સાથે આડા સંબંધો હતા. આ સંબંધો રવિની બહેનો રાધા અને મધુને પસંદ ન હતા અને અવારનવાર આ મામલે ઝઘડાઓ થતા હતા. આખરે ભત્રીજીઓએ ભેગા મળીને પોતાની જ ફોઈની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું.
હત્યાને અંજામ આપવા માટે આરોપીઓએ પહેલાં હકુબહેનને સોડામાં ઝેરી દવા ભેળવીને પીવડાવી દીધી હતી, પરંતુ ઝેરી દવાથી મોત થયું ન હતું. અમુક કલાકો બાદ આરોપીઓએ હકુબહેનને ચૂંદડી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલી ભત્રીજી રાધાબહેન સૈયદ શેખ, મધુબહેન લક્ષ્મણ બાવાજી, મધુબેનના પતિ લક્ષ્મણ ઉર્ફે લખો અને ભૂપત વાઘેલાની ધરપકડ કરી હત્યા કેસમાં વપરાયેલી રિક્ષા અને ઝેરી દવાની બોટલ પણ જપ્ત કરી છે.








