NCB busts MD drug factory in Ahmedabad : ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાં એટલી હદે વધી ગયું છે કે તેનો અંદાજ ખુદ પોલીસ એજન્સીઓને પણ નથી. હવે તો સગીરો પણ ડ્રગ્સનો શિકાર બનવા લાગ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અમદાવાદ (NCB Ahmedabad)ની ટીમે સરખેજ પોલીસ (Sarkhej Police) ની મદદથી રવિવારે 15 નવેમ્બરની સવારે દરોડો પાડી એમડી ડ્ર્ગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. જુહાપુરા વિસ્તારમાં આવેલા એક મકાનના ભોંયરામાંથી ડ્ર્ગ્સ બનાવવાનું કરોડો રૂપિયાનું રો-મટિરિયલ મળી આવતા જપ્ત કરાયું છે. મુદ્દસર એમ. પઠાણ અને તેની પત્ની એમ બે લોકોની NDPS કેસમાં અટકાયત કરી YMCA કલબથી એસપી રિંગ રોડ જવાના રોડ પર આવેલા રતલામ કેફે ખાતે એજન્સીએ સર્ચ કર્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
Narcotics Control Bureau ને મળેલી ઠોસ માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદ મેળવીને જુહાપુરામાં લબ્બેક પાર્કના એક મકાનના ભોંયરામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ભોંયરામાંથી ડ્ર્ગ્સ બનાવવાનું રો-મટિરિયલ મળી આવતા મુદ્દસર અને તેની પત્નીને અટકાયતમાં લેવાઈ હતી. મુદ્દસર રતલામ કેફે ચલાવતો હોવાની માહિતીના આધારે ત્યાં પણ એજન્સીની ટીમે સર્ચ કરી હાજર કર્મચારીઓની પૂછપરછ કરી છે. આરોપી મુદ્દસરની પૂછપરછમાં તે ખુદ ડ્રગ્સનો આદી હોવાનું સામે આવ્યું છે. ત્રણ વર્ષથી ભાડાના મકાનમાં રહેતો મુદ્દસર MP ના રતલામ અને અંકલેશ્વર ખાતેથી ડ્ર્ગ્સ બનાવવાનું રો-મટિરિયલ લાવ્યો હતો. કેટલોક જથ્થો ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ મગાવ્યો હતો. ડ્રગ્સ બનાવવાની તાલીમ રાજસ્થાન ખાતે લીધી હતી.
અગાઉ ડ્રગ્સ પેડલર તરીકે કામ કરતા મુદ્દસર પઠાણે છેલ્લાં કેટલાંક મહિનાઓથી MD Drug બનાવવાનું શરૂ કર્યું હતું. મુદ્દસર અગાઉ મારામારી જેવા કેસોમાં સરખેજ પોલીસ સ્ટેશનના ચોપડે ચઢી ચૂકેલો છે. ડ્રગ્સના આ કેસ બાદ એજન્સી રો-મટિરિયલ સપ્લાયર સુધી પહોંચવા પ્રયાસ શરૂ કરશે.








