Monday, November 2, 2026
HomeGujarat'દેખો દેખો કોન આયે? ગુજરાત કે શેર આયે' આ બે PI માટે...

‘દેખો દેખો કોન આયે? ગુજરાત કે શેર આયે’ આ બે PI માટે કેમ લાગ્યા આવા નારા | શતરંજ-77

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-77, નવજીવન ન્યૂઝ): સચિવાલયમાં હજી મંત્રી અમર ઠાકોર આવ્યા ન હતા, પણ તેમના વેઇટિંગ રૂમમાં એસપી જે. કે. વછરાજાની અને ઇન્દ્રસિંહ જાડેજા બંને બેઠા હતા. મંત્રીને આ બંને અધિકારીઓએ રાતે જ કૉલ કરી જે રીતે ધરપકડો શરૂ થઈ તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પણ પહેલી વખત તેમને મંત્રીનો વ્યવહાર બદલાયેલો લાગ્યો હતો. મંત્રીએ ‘સવારે રૂબરૂમાં વાત કરીશું’ તેમ કહી સચિવાલય આવવાની સૂચના આપી હતી. બપોરનો એક થવા આવ્યો છતાં મંત્રી આવ્યા ન હતા. ઇન્દ્રસિંહ જાડેજા ઊભા થઈ બે વખત મંત્રીના પીએને ‘સાહેબ ક્યારે આવશે’ તેવું પૂછી આવ્યા હતા. પણ પીએ પાસે પણ કોઈ જાણકારી ન હતી. વછરાજાની કરતાં જાડેજા વધુ વ્યગ્ર લાગતા હતા. તેમણે બે-ત્રણ વખત પોતાની નારાજગી વછરાજાની સામે વ્યક્ત કરવાનો પ્રયત્ન પણ કરી જોયો, પણ તેમનો પ્રતિભાવ ખૂબ જ ઠંડો હતો. આમ પણ નિઝામના કેસને લઈ વછરાજાની નારાજ હતા. કારણ કે આખું ઑપરેશન મંત્રી અને ઇન્દ્રસિંહ જાડેજાએ મળીને પાર પાડ્યું હતું અને વછરાજાનીને જાડેજાની સૂચના પ્રમાણે કામ કરવું પડતું હતું તેની નારાજગી પણ હતી. હવે ‘તમે કર્યું હતું તો ભોગવો’ તેવો વ્યવહાર વછરાજાનીનો હતો. તેના કારણે જ વેઇટિંગ રૂમમાં વછરાજાની આ મુદ્દે જાડેજા સાથે કોઈ વાત કરવા માગતા ન હતા.

વછરાજાની અને જાડેજા ઉપર અલગ અલગ અધિકારીઓના ફોન આવતા હતા. બધાને લાગતું હતું કે, સીઆઈડી ક્રાઇમવાળાએ વધારે પડતું કરી નાખ્યું. એક વખત વછરાજાની ઉપર કોઈ અધિકારીનો ફોન આવતાં એકદમ ગુસ્સે થઈ ગયા અને કહ્યું, “હા, એક કામ કરો, અમે મંત્રી સાહેબને મળવા આવ્યા છીએ; તમે પણ આવી જાવ.” બપોરના બે વાગે મંત્રી આવ્યા અને સીધા પોતાની ચેમ્બરમાં જતા રહ્યા. મંત્રી બોલાવે તેની તેઓ રાહ જોતા હતા. પંદર મિનિટ પછી તેમને અંદર બોલાવ્યા, પણ જાણે મંત્રીને આટલી ગંભીર ઘટના પછી કોઈ ફેર જ ના પડ્યો હોય તેમ ફાઈલ તપાસતા તપાસતા વાતની શરૂઆત કરી, સૉરી વછરાજાની, સવારે જ મારે તમને મળવાનું હતું, પણ સીએમ સાહેબે આયોજન પંચની મિટિંગ બોલાવી એટલે મારે ત્યાં જવું પડ્યું. સાહેબ બહુ ગુસ્સામાં હતા. બહુ નારાજ છે તમારા બધાથી. મને પણ ખખડાવી નાખ્યો. મને કહી દીધું કે તમારાથી ગૃહખાતું સંભાળી ના શકાતું હોય તો છોડી, રમત-ગમત જેવું ખાતું લઈ લો. પછી ફાઈલ બંધ કરતાં બંનેની સામે જોતાં કહ્યું, “બોલો મારે તમારે કારણે કેટલું સાંભળવું પડે છે!”

- Advertisement -

વછરાજાની અને જાડેજા બંને ફરિયાદ કરવા માટે આવ્યા હતા, પણ તેઓ પોતે જ કઠેડામાં આવીને ઊભા હોય તેવો ઘાટ થયો હતો. તેઓ જે વાત કરવા આવ્યા હતા તે તો ભૂલી જ ગયા. વછરાજાનીએ પૂછ્યું, “શું થયું સાહેબ? સીએમ સાહેબ કેમ નારાજ હતા…?” મંત્રી ઠાકોરે ઊંડો શ્વાસ લેતાં કહ્યું, “વછરાજાની-જાડેજા, શું કહું તમને? આ ઍન્કાઉન્ટરના કારણે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની ગઈ કાલે નોટિસ આવી હતી. તે જોઈ સાહેબ ભડક્યા. મને કહે, ‘આવા ધંધા કરનાર બધા જ અધિકારીને સાઇડ પોસ્ટિંગ આપી દો.’.” જાડેજા અને વછરાજાની બંને એકબીજા સામે જોવા લાગ્યા. પછી મંત્રી જાણે ઉપકાર કરતા હોય તેમ કહ્યું : “કંઈ વાંધો નહીં. સીએમ સાહેબ ગુસ્સામાં હોય ત્યારે બોલી જાય. મને પણ નહીં કહેવાના શબ્દો કહે… પણ પછી કંઈ નહીં. બહુ સારા માણસ સીએમ સાહેબ. ‘હું બધું જોઈ લઈશ.’ ‘હં બોલો, તમે કેમ આવ્યા હતા?’.”

રાત્રે વછરાજાની અને જાડેજા બંનેએ ફોન કરી તેમના ત્રણ પોલીસ-અધિકારીઓની ધરપકડ અંગે વાત કરી હતી. મંત્રીને ખબર હોવા છતાં જાણે તેમને કંઈ ખબર જ ના હોય તેવો વ્યવહાર કરતા હતા. જાડેજાથી રહેવાયું નહીં. તેમણે વાતની શરૂઆત કરતાં કહ્યું, “સર, આ તો વધારે પડતું. જે અધિકારીઓ કામ કરે અને તે જેલમાં જાય તો પછી કોણ કામ કરશે?” મંત્રીના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેમણે ધીમા પણ કડક સ્વરમાં પૂછ્યું, “જાડેજા, તમે રજૂઆત કરવા આવ્યા છો કે મને ધમકાવવા માટે? જુઓ કોઈ અધિકારીને અમે તો કહેતા નથી કે ખોટું કરો. છતાં અમે કોઈ અધિકારીનો હાથ છોડી પણ દેતા નથી. નિયમમાં રહી જેટલી મદદ થાય એટલી કરીશું.” જાડેજાને લાગ્યું કે મંત્રીને માઠું લાગ્યું એટલે વાત બદલતાં કહ્યું, “ના ના, સાહેબ, વાત એવી નથી. પેલા મહેશ રાવની દીકરીની બર્થડે પાર્ટીમાંથી ત્રણ અધિકારીઓને ઉપાડી લાવો તો શું એ સારું કહેવાય? આ ક્યાં ભાગી જવાના હતા? ફોન કર્યો હોત તો ત્રણે સામે ચાલી સીઆઇડીમાં હાજર થઈ જતા.”

મંત્રી ઠાકોરને જાણે આ વાત વાજબી લાગી હોય તેમ કહ્યું, “જાડેજા, મને ખબર છે. આ ખોટું થયું. માણસાઈ જેવું હોય કે નહીં? આજે સવારે મને જ્યારે આ અંગે ખબર પડી મેં તરત અક્ષયને ફોન કરી ખખડાવી નાખ્યા હતા.” વછરાજાની શાંત હતા. તેમને ખબર હતી કે રાજ્યમાં મંત્રીની ઇચ્છા વગર પાંદડું પણ હાલતું નથી. તો આ ધરપકડ તેમને પૂછ્યા વગર થાય તે વાતમાં માલ ન હતો. મંત્રીએ ધરપકડો કેમ થઈ તેની સ્પષ્ટતા કરતાં કહ્યું, “જુઓ, આપણો કોઈ અધિકારી જેલમાં જાય તે મને હરગિજ મંજૂર ન હતું અને નથી. પણ ડીજીપી મારી પાસે ફાઈલ લઈ આવ્યા હતા. કેસ ખૂબ આગળ નીકળી ગયો અને સુપ્રીમ કોર્ટમાં સ્ટેટ્સ રિપોર્ટ પણ મૂકવાનો છે. એટલે રિપોર્ટ રજૂ કરતાં પહેલાં થોડીક ધરપકડ થાય તે જરૂરી હતી.”

- Advertisement -

ડીજીપી કહેતા હતા કે, “જો કોર્ટ સીબીઆઇને કેસ સોંપી દેશે તો પછી આપણે કંઈ કરી શકીશું નહીં. આપણે જ ધરપકડો કરી લઈએ અને પછી જામીન પણ થઈ જશે! તમે બંને કોઈ ચિંતા કરતા નહીં. મારે ઍડ્વોકેટ જનરલ સાથે પણ વાત થઈ છે અને વકીલના ખર્ચાઓ અંગે પણ વ્યવસ્થા થઈ છે. હું બધું જોઈ લઈશ.” જાડેજા અને વછરાજાની એકદમ શાંત હતા. તેમની પાસે બોલવાનો કોઈ મુદ્દો જ ના રહ્યો હોય તેવું લાગ્યું. તરત મંત્રીએ તેમને રવાના થવાનો ઇશારો કરતાં કહ્યું, “બોલો! બીજું કંઈ હોય તો કહો! મારે હમણાં લૉ સેક્રેટરી સાથે એક મિટિંગ છે. બંને ઊભા થયા અને સલામ કરી ચેમ્બરની બહાર નીકળી ગયા.

ડીજીપી ઑફિસની બહાર પત્રકારો કોઈ અધિકારી આવીને બ્રિફિંગ આપે તેની રાહ જોતા હતા, પણ ચાર વાગી ગયા છતાં કોઈ આવ્યું જ નહીં. અધિકારીઓની ધરપકડ રાત્રે થઈ હોવાને કારણે તેમને રાત પહેલાં મૅજિસ્ટ્રેટની સામે રજૂ કરવાના હતા. આખો દિવસ ડીઆઇજી ઑફિસમાં હોવા છતાં પોતાની ચેમ્બરમાં રહ્યા. ચાર વાગે તેઓ પોતે ઇન્સ્પેક્ટર વિનોદ પરમારની ચેમ્બરમાં આવ્યા. તેમને જોતાં જ બધા અધિકારીઓ ઊભા થઈ ગયા. મહેશ–વિનય અને નાયર ત્યાં જ હતા છતાં તેમણે પહેલાં તો તેમની સામે જોયું જ નહીં. જૈને સીધી જ વાત પરમાર સાથે કરતાં કહ્યું, “પરમાર, રિમાન્ડ ઍપ્લિકેશન તૈયાર હૈ, કુછ બાકી તો નહીં. ઇન કો પાંચ બજે કોર્ટ મેં પ્રોડ્યૂસ કરના હૈ.” પરમારે માત્ર ‘સર’ કહી જવાબ આપ્યો પછી નાયર સામે જોતાં પૂછ્યું, “નાયર, કોઈ તકલીફ તો નહીં હુઈ? ખાના ખા લિયા કિ નહીં?” નાયર કંઈ જવાબ આપે તે પહેલાં તે ત્યાંથી નીકળી ગયા. મહેશ, વિનય અને નાયરને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો પણ બોલવાનો કોઈ અર્થ ન હતો. બપોરે પરમારે બધા માટે ટિફિન મંગાવ્યાં હતા, પણ ત્રણે માત્ર નામનું જ જમ્યા હતા. ત્રણે પોલીસ-અધિકારીઓએ લૅન્ડલાઇન મારફતે પોતાના ઘરે પણ વાત કરી લીધી હતી. મહેશે ફોન કર્યો ત્યારે કેતા ખૂબ રડતી હતી. કેતાએ હજી મેઘાને કંઈ કહ્યું ન હતું. મેઘા માનતી હતી કે, પપ્પા ઑફિસના કામે બહારગામ ગયા છે. મહેશે પણ કેતાને વિનંતી કરી હતી કે પોતાની ધરપકડની વાત બની શકે તો મેઘાથી ખાનગી રાખવી.

પોણા પાંચ થતાં પરમાર જૈનની ચેમ્બરમાં જઈ કોર્ટમાં જવાની મંજૂરી લઈ આવ્યા. તેમણે ઇન્ટરકૉમ ઉપર કોઈને સૂચના આપતાં મુખ્ય દરવાજાથી લઈ પોલીસવાન સુધીનો આખો રસ્તો એસઆરપીએ કૉર્ડન કરી નાખ્યો જેથી પત્રકારો અને કૅમેરામેન પણ આવી ના શકે. પાંચના ટકોરે પરમાર અને તેમનો સ્ટાફ મહેશ, વિનય અને દિનેશ નાયરને લઈ ડીજીપી ઑફિસની બહાર નીકળ્યા ત્યારે અસંખ્ય સ્ટીલ કૅમેરાની ક્લિક થવા લાગી, ટીવી કૅમેરા ઑન થઈ ગયા. સવારથી પત્રકારો આ દૃશ્ય કચકડે કંડારવાની રાહ જોઈ રહ્યા હતા. પોલીસને ધક્કા મારી કેટલાક કૅમેરામેન આગળ વધવાનો પ્રયત્ન કરતા હતા. કારણ કે બધાને એક સારી ફ્રેમની જરૂર હતી. હમણાં સુધી ગુનેગારોને પકડી કૅમેરા સામે રજૂ કરતા વિનય અને મહેશ પોતે જ એક સ્ટોરી બની ગયા હતા.

- Advertisement -

પરમારે ત્રણેય પોલીસ-અધિકારીઓને પોલીસવાનનો પાછળનો દરવાજો ખોલી અંદર બેસાડ્યા અને પોતે કારમાં આવવાને બદલે તેમની સાથે જ વાનમાં બેસી ગયા. જે પોલીસવાનમાં નિઝામ કેસના આરોપીઓ હતા તે વાનની આગળ અને પાછળ એક-એક પોલીસવાન હતી. મહેશ પહેલી જાળીવાળી પોલીસવાનમાં આ રીતે બેઠો હતો. મહેશ જાળી પકડી નાના બાળકની માફક બહાર જોઈ રહ્યો હતો. પોલીસવાન ડીજીપી ઑફિસની બહાર નીકળી રહી હતી ત્યારે કેટલાક ઓળખીતા પત્રકારો હાથ હલાવી મહેશને જોઈ રહ્યા હતા. મહેશ તેમને જોઈ પરાણે સ્મિત કરતો હતો. સાડાપાંચ વાગ્યે કાફલો મિરઝાપુર કોર્ટમાં પહોંચ્યો. જોકે તે પહેલાં ત્યાં હાજર સીઆઇડી ક્રાઇમના સ્ટાફે દરવાજો કૉર્ડન કરી રાખ્યો હતો. અહીંયાં પણ પત્રકારો અને વકીલો પોલીસ-અધિકારીઓને આરોપી તરીકે જોવા ઊમટેલા હતા. પરમાર પહેલા નીચે ઊતર્યા પછી મહેશ, વિનય અને નાયર જેવા તે પોલીસવાનમાંથી બહાર આવ્યા ત્યાં ખૂણામાં ઊભા રહેલા એક ટોળાએ બૂમો પાડવાની શરૂઆત કરી : “દેખો દેખો કોન આયે? ગુજરાત કે શેર આયે. આ સૂત્રોચ્ચાર ચાલતો હતો, તે તરફ બધાનું ધ્યાન ગયું. સૂત્રોચ્ચાર કરી રહેલા યુવકો હિંદુ સંગઠનના હતા. પોલીસ પણ સજાગ બની ગઈ… ક્યાંક મામલો બગડે નહીં. પણ આ સૂત્રોચ્ચાર સાંભળી ત્રણેના ચહેરા ઉપર એક હાસ્યની લહેર આવી. તેમને લાગ્યું કે તેમના સમર્થનમાં કોઈ છે.

કોર્ટ પહેલેથી જ ચિક્કાર ભીડથી ભરાઈ ગઈ હતી. મૅજિસ્ટ્રેટે સુનાવણી શરૂ કરતાં સરકારી વકીલ મૂકેશ ગોડસેએ આ ત્રણે પોલીસ-અધિકારીઓ સામે મુકાયેલા આરોપો, તેમની વિરુદ્ધના પુરાવાઓ રજૂ કરી ૧૪ દિવસના પોલીસ-રિમાન્ડ આપવાની માગણી કરી હતી. વકીલ મૂકેશ જ્યારે ‘રિમાન્ડ મળવા જોઈએ’ તેવી દલીલ કરતા હતા ત્યારે મહેશ અને વિનય એકબીજાની સામે જોઈ રહ્યા હતા. આ જ મૂકેશ વકીલે મહેશ સાથે અનેક વખત દારૂ પીધો હતો. મૂકેશ ગોડસેના ઘરે કોઈ પ્રસંગ હોય તો આ પોલીસ-અધિકારીઓ તેમની બધી સગવડો સાચવી લેતા હતા. પણ… સમય બદલાયો હતો. આરોપીઓને સજા અપાવવા માટે સરકારનો પક્ષ રજૂ કરતા સરકારી વકીલ મૂકેશ ગોડસેના ભાગે આજે મહેશ, વિનય અને નાયરની વિરુદ્ધની દલીલો કરવાની હતી. અગાઉથી નક્કી થયા પ્રમાણે કેતન મજુમદાર પોલીસ-અધિકારીઓ વતી કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે કોર્ટમાં આવતા ત્રણે પોલીસ-અધિકારીઓની સહી વકીલાત નામ ઉપર લઈ લીધી હતી. કેતને પણ ઉગ્ર રજૂઆત કરી હતી. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓને ટાંકતાં કહ્યું : “તેમના અસીલે જે કંઈ કામ કર્યું છે તે તેમની સરકારી નોકરીનો ભાગ હતો. તેમજ કાયદાની જોગવાઈ પ્રમાણે તેમની ધરપકડ કરતા અગાઉ સીઆઈડી ક્રાઇમ-બ્રાન્ચે રાજ્ય સરકારની મંજૂરી લેવી જોઈતી હતી, જે ઇન્વેસ્ટિગેશન ઑફિસરે લીધી નથી.”

મજુમદારે દલીલ કરી હતી તેમના અસીલ છેલ્લા ચોવીસ કલાકથી પોલીસ કસ્ટડીમાં હતા, આમ છતાં તેમની કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવામાં આવી નથી. તો પછી કઈ માહિતી માટે સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચને પોલીસ કસ્ટડીની જરૂર છે તે ફલિત થતું નથી. કોર્ટે બંને પક્ષકારોને સાંભળ્યા બાદ ત્રણે પોલીસ-અધિકારીઓને સાત દિવસના પોલીસ-રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો હતો.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular