Customer data of country largest bank SBI leaked on dark web : ભારત દેશની સૌથી મોટી બેંક એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ડેટા લીકની વાતને સત્તાવાર રીતે કબૂલી છે. ડાર્ક વેબ પર State Bank of India ના અનેક ગ્રાહકોની સંવેદનશીલ માહિતી ઉપલબ્ધ કરી દેવાઈ છે. SBI ના જણાવ્યાનુસાર 3,897 એકાઉન્ટધારકોનો પર્સનલ ડેટા લીક થયો છે. બેંકને આ ડેટા લીક વિશે સૌ પ્રથમ 16 ઓક્ટોબરના રોજ અનેક એજન્સીઓ થકી એલર્ટ મળ્યું હતું. દેશની સુરક્ષા સાથે જોડાયેલી ‘ડિફેન્સ સાયબર એજન્સી’ અને ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In) બેંકને એલર્ટ આપ્યું હતું.
ડાર્ક વેબ પર ગ્રાહકોની અંગત અને સંવેદનશીલ માહિતી લીક થઈ હોવાની જાણકારી મળતાની સાથે જ State Bank of India એ તપાસ આરંભી દીધી હતી. ડાર્ક વેબ પર ઉપલબ્ધ પોણા ચાર લાખ જેટલાં ડેટાની પ્રાથમિક તપાસ કરવામાં આવતા 3,897 એકાઉન્ટધારકોની માહિતી મળી હતી. જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટધારકો છે. આ સંવેદનશીલ જાણકારીઓમાં ગ્રાહકોના નામ-સરનામા, જન્મ તારીખ, બેંક બ્રાંચની વિગત, કસ્ટમર ઇન્ફોર્મેશન ફાઇલ (CIF) આઇડેન્ટિફાયર્સ અને લોનની અરજીઓ સાથે જોડાયેલા જરૂરી મેટાડેટા તેમજ અન્ય સંબંધિત રેકોર્ડ્સ સામેલ છે.
આ સમાચાર જાહેર થતાં ચિંતિત ગ્રાહકોને રાહત આપતા SBIએ સ્પષ્ટ કર્યું છે કે આ શંકાસ્પદ ડેટા લીકની બેંકની કોર બેંકિંગ સેવાઓ પર કોઈ અસર પડી નથી. બેંકની તમામ ઓનલાઈન અને ઓફલાઈન સેવાઓ હંમેશાંની જેમ સામાન્ય રીતે કામ કરી રહી છે. બેંકે આ ઘટના માટે જવાબદાર શખ્સ કે હેકરનું નામ જાહેર કર્યું નથી.
રિપોર્ટ્સ અનુસાર, ડાર્ક વેબના એક ફોરમ BreachForums પર Siriusim નામના એક અજાણ્યા હેકર ગ્રુપે દાવો કર્યો હતો કે તેણે SBIના લગભગ 3.75 લાખ ગ્રાહકોનો ડેટા ચોરી કરી લીધો છે. જોકે, SBIએ પોતાની તપાસ પછી સ્પષ્ટ કર્યું છે કે માત્ર 3,897 ગ્રાહકોનો ડેટા જ પ્રભાવિત થયો છે.








