Banaskantha bee attack news: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જસલેણી ગામે ખેતરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન ભમરાના હુમલાની ઘટના સામે આવી છે. નૈવેદ્યની વિધિ કરવા એકત્રિત થયેલા લોકો ધૂપના ધુમાડા બાદ ભમરાના અચાનક હુમલાનો ભોગ બન્યા હતા. ભમરા કરડતાં 20થી વધુ લોકોની તબિયત લથડી હતી. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, જસલેણી ગામના એક ખેતરમાં ધાર્મિક વિધિ દરમિયાન નૈવેદ્ય કરવામાં આવી રહ્યું હતું. આ સમયે ધૂપ પ્રગટાવવામાં આવતાં તેના ધુમાડા બાદ નજીકમાંથી મોટી સંખ્યામાં ભમરા ઊડવા લાગ્યા હતા. ભમરાએ ત્યાં હાજર લોકોને કરડવાનું શરૂ કરતાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી. હુમલાથી બચવા માટે લોકોમાં ભાગદોડ પણ થઈ હતી.
ઘટનામાં ભમરા કરડવાથી 20થી વધુ લોકોની તબિયત બગડતાં તેમને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એકસાથે મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે પહોંચતાં હોસ્પિટલમાં પણ દોડધામ જોવા મળી હતી. બનાવની જાણ થતાં જસલેણી ગામમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. અસરગ્રસ્તોની હાલત અંગે વધુ વિગતો આપવામાં આવી નથી.








