Disha Salian Case: લગભગ છ વર્ષ જૂના દિશા સાલિયાન મોત કેસમાં તપાસનો નવો અધ્યાય શરૂ થયો છે. મુંબઈ હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ આ મામલે FIR નોંધાવી છે. જોકે, હાલની FIRમાં કોઈ વ્યક્તિને આરોપી તરીકે નામજદ કરવામાં આવ્યો નથી. CBIની કાર્યવાહી બાદ મહારાષ્ટ્રમાં આ મુદ્દે રાજકીય ગરમાવો વધી ગયો છે.
દિશા સાલિયાનના મોતના મામલે 2 સપ્ટેમ્બરે મુંબઈ હાઈકોર્ટે CBI તપાસના આદેશ આપ્યા હતા. કોર્ટે છ વર્ષ સુધી FIR નોંધવામાં ન આવી હોવાને લઈને મુંબઈ પોલીસને પણ ફટકાર લગાવી હતી. ત્યારબાદ CBIએ 13 સપ્ટેમ્બરે ઔપચારિક રીતે FIR નોંધાવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોર્ટના નિર્દેશોનું પાલન કરતાં હાલમાં કોઈ વ્યક્તિને નામજદ આરોપી બનાવવામાં આવ્યો નથી.
મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે જણાવ્યું હતું કે સમગ્ર મામલો હવે CBIને સોંપવામાં આવ્યો છે અને તપાસ કોર્ટના નિર્દેશો અનુસાર આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન જે લોકોની ભૂમિકા શંકાસ્પદ જણાશે અથવા જેમની પૂછપરછ અને તપાસ જરૂરી હશે, તેમની સામે નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તપાસ અને આગળની તમામ કાર્યવાહી કોર્ટના નિર્દેશોનું સખતાઈથી પાલન કરીને જ કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
બીજી તરફ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ની સાંસદ સુપ્રિયા સુલેએ FIR નોંધાવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સુલેએ કહ્યું કે આ જ સરકારે અગાઉ આ મામલો બંધ કરી દીધો હતો, તો હવે ફરી તપાસ શરૂ થવાથી સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. સમગ્ર ઘટનાક્રમ સમજવા માટે તેઓ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વરિષ્ઠ નેતા સંજય રાઉત સાથે પણ વાત કરશે તેમ તેમણે જણાવ્યું હતું.
સુપ્રિયા સુલેએ એવો પણ આરોપ લગાવ્યો કે રાજકીય હરીફો સામે તપાસ એજન્સીઓના ઉપયોગની પ્રવૃત્તિ અગાઉ પણ જોવા મળી છે અને આ મામલે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ નિવેદન બાદ દિશા સાલિયાન કેસને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.
ભાજપના નેતા અને મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે મામલો કોર્ટના વિચારાધીન હોવાથી તેના પર વધુ બોલવું યોગ્ય નહીં હોય. તેમણે ઉમેર્યું કે તપાસ બાદ સત્ય સામે આવી જશે અને દૂધનું દૂધ તથા પાણીનું પાણી થઈ જશે. ભાજપનું કહેવું છે કે તપાસ એજન્સીઓને સ્વતંત્ર રીતે પોતાનું કામ કરવા દેવું જોઈએ.








