BJP leader who went to see lions illegally flees : ગીરની જંગલ તેમજ આસપાસના ગામોમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવવાનો ધંધો (Illegal lion viewing business in Gir) બેફામપણે ચાલી રહ્યો છે. સિંહ દર્શન કરાવતી ટોળકીઓ અન્ય ગામોમાં મહેમાન તેમજ ગ્રાહકોને લઈ જઈને ફાયદો મેળવી રહ્યાં છે અને તેનો ભોગ સ્થાનિક ગ્રામજનો બને છે. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના મંડોર ગામે વન વિભાગને નંબર પ્લેટ વિનાની એક બિનવારસી કાર તેમજ બે ટુ વ્હીલર વન વિભાગને (Forest Department finds unclaimed vehicles) મળ્યા છે. વાહનો છોડીને નાસી છૂટેલાં શખસોમાં મોરબી શહેર ભાજપના મંત્રી સામેલ હોવાની વાત સામે આવી છે. કારણ કે, જે નંબર પ્લેટ વિનાની થાર મળી છે તેમાં આગળના ભાગે ડેશબોર્ડ પર મંત્રી શહેર ભાજપ પ્રમુખ (Morbi city BJP secretary) લખેલું છે. આ મામલે વન વિભાગે કાર્યવાહી આરંભી છે. બીજી તરફ કારમાંથી દારૂ ભરેલી બોટલો મળી આવી હોવાની વાત પણ સામે આવી છે.
વેરાવળ તાલુકાના મંડોર ગામના છેવાડે ગત રાત્રિના કેટલાંક શખસો થાર તેમજ બે ટુ વ્હીલર સાથે ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા પહોંચ્યા હતા. આ સમયે વન વિભાગની કર્મચારી ત્યાં આવી પહોંચતા આખે આખી ટોળકી અંધકારનો લાભ લઈને પોતાના વાહનો સ્થળ પર બિનવારસી છોડીને નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યાનુસાર કેટલાંક પ્રોફેશનલ શખસો ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવા માટે અહીં આવ્યા હતા. રજિસ્ટ્રેશન નંબર પ્લેટ વિનાની થારમાં દારૂની બોટલો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. વન વિભાગે બિનવારસી વાહનો પોતાના હસ્તક મેળવી લઈ જરૂરી કાર્યવાહી કરી છે. થારમાં દારૂની બોટલો હોવાની વાતને લઈને સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.








