નવજીવન ન્યૂઝ, અમદાવાદ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal AAP) તાજેતરમાં State IB Gujarat પર આરોપ લગાવતી એક ટ્વિટ કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. રાજ્ય ગુપ્તચર તંત્ર પર આરોપ લાગતા આ મામલે તપાસ કરતા આમ આદમી પાર્ટીની આંતરિક લડાઈ (Internal fighting in Aam Aadmi Party) સામે આવી છે. આણંદ જિલ્લા પોલીસે આ મામલે AAPના એક કાર્યકર સહિત બે લોકો સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધરપકડ (Anand Cyber Crime Police Station FIR) કરી છે. પકડાયેલા આરોપીઓને આજે અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.
નકલી IB અધિકારીએ પોલીસને ગેરમાર્ગે દોરી
તાજેતરમાં અરવિંદ કેજરીવાલે એક પોસ્ટ લખીને ગુજરાતના ગુપ્તચર તંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આમ આદમી પાર્ટીના કાર્યકર અન્ય રાજ્યમાં કામ કરે તો તેનું વેરિફિકેશન કેમ કરાવવાનું હોય ? આ ઘટના બાદ ગુજરાત પોલીસે તપાસ આરંભી હતી. ટ્વિટમાં લખવામાં આવેલા મોબાઈલ નંબરના આધારે આઈબીને જાણવા મળ્યું કે, આ નંબર આણંદના કોઈ વ્યક્તિનો છે. જેની આધારે આણંદના એસપી ગૌરવ જી. જસાણી (Gaurav G Jasani) એ તપાસ કરવાના આદેશ આપતા મૂળ રાજકોટની વિરપુરના નીતિન ધીરૂભાઈ ડોબરીયા (હાલ રહે. આણંદ)ને પૂછપરછ માટે પોલીસે બોલાવ્યો હતો. નીતિને પોલીસ સમક્ષ શરૂઆતમાં પોતાનો ફોન ખોવાઈ ગયો છે અને પોતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવા ગયો હોવાની વાત કરતા એક તબક્કે પોલીસને શંકા ગઈ ન હતી. જો કે, આ મામલે કડકાઈથી ઝીણવટભરી પૂછપરછ કરતા નીતિન ડોબરિયા ભાંગી પડ્યો હતો.
વડોદરા શહેર પ્રમુખે આખો ખેલ રચ્યો
નીતિન ડોબરિયા લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે અને વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ચંદ્રકાંતભાઈ ઓઝા (Ashok Chauhan AAP Vadodara) સાથે સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું. થોડાક દિવસ અગાઉ નીતિન કામ અર્થે વડોદરા ગયો ત્યારે અશોક ઓઝાએ તેને ફોન પર આઈબી અધિકારી બનીને કેશવજી ચૌહાણને ધમકાવવા કહ્યું હતું. નીતિન ડોબરિયાએ પોતાના મોબાઈલ ફોનથી કેશવજી ચૌહાણને ફોન કરી અધિકારી તરીકે ઓળખ આપી કારેલીબાગ આઈબીમાંથી બોલું છું તેમ કહી વેરિફિકેશનના નામે ધમકાવ્યા હતા.
કેમ કેશવજી ચૌહાણને ફોન પર ધમકાવ્યા ?
કેશવજી ચૌહાણને આમ આદમી પાર્ટીએ વડોદરાના નિરીક્ષક તરીકે મુક્યા છે. થોડાક સપ્તાહ અગાઉ આમ આદમી પાર્ટીના ગોપાલ રાય વડોદરા ખાતે આવ્યા ત્યારે અનેક કાર્યકરોએ શહેર પ્રમુખ અશોક ઓઝા વિરૂદ્ધ રજૂઆત કરી હતી. અશોક ઓઝાના અંગત સંબંધો અંગે પર કાર્યકરોએ આરોપ લગાવી રજૂઆત કરી હતી. અન્ય રાજ્યમાંથી આવેલા કેશવજી ચૌહાણે અશોક ઓઝાનો બચાવ નહીં કરતા તેણે નિરીક્ષકને પરેશાન કરવા આ ખેલ કર્યો હતો.








