નવજીવન ન્યૂઝ, ડેસ્ક : નીટ પેપર લીક વિવાદ (NEET paper leak controversy) અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિને સુપ્રીમ કોર્ટે આજે આકરા સવાલો કર્યા છે. દેશમાં આટલી મોટી દેખરેખ વ્યવસ્થા હોવા છતાં આટલી મોટી સુરક્ષા ખામી કેવી રીતે સર્જાઈ તેવી ટિપ્પણી અદાલતે કરી હતી. સર્વોચ્ચ અદાલતે સરકાર પાસે સોગંદનામું કરી પેપર લીકની તપાસની પ્રક્રિયા કઈ રીતે અને કઈ પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવશે તેની વિગતવાર માહિતી આપતો જવાબ (Supreme Court seeks information on paper leak investigation) માગ્યો હતો. જેના પગલે સોલિસિટર જનરલ તુષાર મહેતા (Solicitor General Tushar Mehta) એ રજૂઆત કરતા કહ્યું કે, PM નરેન્દ્ર મોદી તપાસ પ્રક્રિયા પર દેખરેખ રાખી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટે મોનિટરિંગ સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ જે.બી. પારડીવાલા (Justice J B Pardiwala) અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હા (Justice P S Narasimha) ની બેંચે ઇસરોના પૂર્વ ચેરમેન ડૉ. કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની કમિટીની કામગીરીની સમીક્ષા કરી હતી. જસ્ટિસ નરસિમ્હાએ સવાલ કર્યો કે ડૉ. રાધાકૃષ્ણન પહેલા હાઇ-પાવર્ડ કમિટીનો ભાગ હતા અને બાદમાં તેમને મોનિટરિંગ કમિટીમાં નિયુક્ત કરાયા, તો પછી ભલામણોના અમલીકરણનું વાસ્તવિક મોનિટરિંગ કેટલું થયું? આ પ્રકરણમાં માત્ર કોઈ એક વ્યક્તિને પકડીને તેને બલિનો બકરો બનાવવા પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ, પરંતુ અંતિમ જવાબદારી કોની બને છે તે સ્પષ્ટ થવું જોઈએ.








