નવજીવન ન્યૂઝ, ડેસ્ક : સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેડૂતો પર થયેલા પોલીસ અત્યાચારને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભારે વિરોધ નોંધાવ્યો (Isudan Gadhvi protests over atrocities on farmers) છે. તેમણે જણાવ્યું છે કે, ખેડૂતના પુત્ર તરીકે આવા દ્રશ્યો જોવું પણ મુશ્કેલ બને છે. માત્ર એક ગામ નહીં પરંતુ રાજ્યના અનેક ગામોમાં કંપનીઓ માટે પોલીસ અને તંત્ર ખેડૂતોની જમીનમાં જબરદસ્તીથી થાંભલા અને પવનચક્કીઓ ઉભી કરવા માટે દબાણ કરે છે. જો ખેડૂત સમાજ એક થઈ જાય તો સરકારની એક સીટ જીતવાની તાકાત નહીં રહે, પરંતુ ખેડૂતો જાતિ, ધર્મ અને પ્રાંતોમાં વહેંચાઈ જતા હોવાથી સરકાર તેનો ફાયદો ઉઠાવે છે.
AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું છે કે, કચ્છથી લઈને જામનગર અને સુરેન્દ્રનગર સુધી અનેક ગામોમાં ખાનગી કંપનીઓ ખેડૂતોની જમીનમાં થાંભલા નાખી રહી છે અને ખેડૂતો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં જ્યાં ભાજપને જીતાડી છે, ત્યાં ભાજપના લોકો થાંભલા નાંખી રહ્યા છે, ત્યાં ખેડૂતો પર વધુ અત્યાચાર થઈ રહ્યાં છે. તેમણે સરકારને અપીલ કરી છે કે, કચ્છથી જામનગર સુધી જ્યાં જ્યાં વીજ લાઈનો જાય છે, ત્યાં ખેડૂતોનું પ્રતિનિધિમંડળ બનાવી સરકાર સાથે બેઠક યોજવામાં આવે અને યોગ્ય વળતર નક્કી કરવામાં આવે.








