નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરાની અદાલતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સરકારી વકીલના નામે બનાવટી ઈ-મેઈલ આઈડી (Bogus email ID in the name of government lawyer) બનાવીને બે જજને ધમકીભર્યા મેઈલ કરવામાં આવ્યા છે. આ મામલે સરકારી વકીલ ભાવિન પી. વ્યાસે કોર્ટ રજિસ્ટ્રાર અને ડિસ્ટ્રીક્ટ જજને રજૂઆત કરતા વડોદરા સાયબર ક્રાઈમે (Cyber Crime Vadodara) અરજીના આધારે બોગસ ઈ-મેઈલ ID કોણે બનાવ્યું છે તેની તપાસ શરૂ કરી છે.
ગત 20મી એપ્રિલે વડોદરા જિલ્લા અદાલત (Vadodara District Court) ના સત્તાવાર ઈ-મેઈલ પર અદાલતના એક જજ સુધરી જાય જેવા ઉશ્કેરણીજનક વિષય સાથે ઈ-મેઈલ મોકલાયો હતો. તેમાં જજને ચેતવણી આપવામાં આવી હતી કે, જો વકીલોનો અપમાન કે ન્યાયિક શિષ્ટાચારનો ભંગ થશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. સાથે જ 15મી તારીખે થયેલા શરમજનક કૃત્ય બદલ જાહેર માફી માગવાની માગ કરાઈ હતી અને રાજ્યવ્યાપી હડતાળનું એલાન કરવા પણ ઉશ્કેરણી કરવામાં આવી હતી. જ્યારે બીજા જજને નિશાન બનાવતા લખાયું હતું કે, તેઓ પોતે જ ચુકાદા લખે અને કોઈ સ્ટેનો કે અન્યના સહારે ઘોસ્ટ રાઇટિંગ ન કરાવે. આ સાથે હાઈકોર્ટમાં રિટ કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી.








