નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં આકરી ગરમીની આગાહી કરી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન 40°Cને પાર કરી ચૂક્યું છે અને આગામી 48 કલાકમાં અમદાવાદમાં તાપમાન 43°C સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની અપીલ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય હાલ તીવ્ર ગરમીના માહોલ હેઠળ છે. અનેક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી દિવસોમાં ગરમીમાં વધુ વધારો થશે અને હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે, જેના કારણે ઉકળાટનો અનુભવ વધશે.
રાજ્યના તાજેતરના તાપમાનના આંકડા દર્શાવે છે કે ગરમીનો પ્રકોપ વધુ વિસ્તરી રહ્યો છે. અમદાવાદમાં 41°C, અમરેલીમાં 41.1°C, ગાંધીનગરમાં 40.5°C અને રાજકોટમાં 40.7°C તાપમાન નોંધાયું છે. વડોદરા 39.6°C, ભુજ 39°C, ડીસા 38.8°C અને સુરત 38.9°C સુધી પહોંચ્યું છે. ભાવનગરમાં 37.8°C, દાહોદમાં 37.6°C અને ડાંગમાં 37.8°C નોંધાયું છે, જ્યારે કંડલામાં 38°C, નલિયામાં 35.4°C, પોરબંદરમાં 36°C અને વેરાવળમાં 34.2°C તાપમાન નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓખા 32.9°C અને દ્વારકા 30.6°C સાથે તુલનાત્મક રીતે ઓછી ગરમી નોંધાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં રાજ્યભરમાં તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એપ્રિલના અંતિમ સપ્તાહ અને મે મહિનામાં ગરમી ચરમસીમાએ પહોંચી શકે છે. ખાસ કરીને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સુરત શહેરમાં પણ આજે ભારે ગરમી અને બફારો અનુભવાયો હતો. મહત્તમ તાપમાન 37.5°C નોંધાયું હતું જ્યારે ભેજનું પ્રમાણ 57% સુધી પહોંચ્યું હતું. પવનની ગતિ ખૂબ ઓછી હોવાથી બપોરના સમયે લૂ જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રસ્તાઓ પર બપોરે કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.
આગામી 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી શકે છે. અમદાવાદમાં તાપમાન 42થી 43°C સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ 40°Cથી વધુ ગરમી રહેશે.
હવામાન વિભાગે લોકોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી છે. બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવું, પૂરતું પાણી પીવું, હળવા અને શરીર ઢાંકતા કપડાં પહેરવા તથા ટોપી કે છત્રીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. વધતી ગરમીને કારણે લોકો માટે દૈનિક જીવનમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે અને આગામી દિવસોમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે.








