નવજીવન ન્યૂઝ, અમદાવાદ : સોશિયલ મીડિયા પર પેઈડ પ્રમોશન (Paid Promotion on Social Media) કરવા માટે અમદાવાદના રોડ પર અકસ્માત થયાનું નાટક કરીને ટ્રાફિક જામ કરી કાયદાના ધજાગરા ઉડાવનારા શખસો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રથમ વખત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer) સામે આ પ્રકારની પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને લઈને ટ્રાફિક બી ડિવિઝન પોલીસે (Traffic B Division Police) મહિલા સહિત ચાર શખસો સામે ગુનો નોંધ્યો છે. એક ખાનગી કંપનીના પ્રમોશન માટે અમદાવાદ શહેરના નવરંગપુરા (Navrangpura Ahmedabad City) વિસ્તારમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર ટીમે થારનો અકસ્માત (Thar Accident) સર્જાયો હોવાનું નાટક કર્યું હતું. નવરંગપુરાના ટ્રાફિકથી ધમધમતા રોડ પર રોકડીવાળી રીલ બનાવવાના ચક્કરમાં અનેક વાહનચાલકોને જામમાં ફસાવી દઈ ઉગ્ર બોલાચાલી કરી લોકોમાં ભય ફેલાવ્યો હતો.








