Sunday, October 4, 2026
HomeGujaratઅરવલ્લીમાં 'ફિલ્મી' દ્રશ્યો: SMCએ વોન્ટેડ બુટલેગર વિશ્રામ ભગોરાની લાઈનનો પર્દાફાશ, પીછો કરતા...

અરવલ્લીમાં ‘ફિલ્મી’ દ્રશ્યો: SMCએ વોન્ટેડ બુટલેગર વિશ્રામ ભગોરાની લાઈનનો પર્દાફાશ, પીછો કરતા અકસ્માત

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ. શામળાજી/અરવલ્લી): અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને મોટો સપાટો બોલાવ્યો છે. ડુંગરપુરના કુખ્યાત બુટલેગર વિશ્રામ ભગોરાની દારૂની લાઈનનો પર્દાફાશ કરીને SMCએ ફિલ્મી ઢબે પીછો કરી લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે. જોકે, આ રેડ કરતાં પણ વધુ ચર્ચા SMCના ‘ખબરીઓ’ની થઈ રહી છે. પોલીસ બેડામાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, SMCને બાતમી આપનારા બીજું કોઈ નહીં પણ અહીંથી જ ડિસમિસ અને સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓ અને પોલીસના જૂના બાતમીદારો છે.

આશ્રમ ચોકડીથી વેણપુર સુધી ફિલ્મી ચેઝ
બાતમી હતી કે, રાજસ્થાનના ડુંગરપુરનો વોન્ટેડ બુટલેગર વિશ્રામ રૂપસી ભગોરા ગુજરાતમાં દારૂ ઘૂસાડી રહ્યો છે. તેના મુનિમ કુલદીપ પંડિતે રાજસ્થાનથી XUV-500 કારમાં દારૂ ભરીને રવાના કરી હતી. આ કાર ભિલોડાની ઝાંઝરી બોર્ડર થઈને શામળાજી તરફ આવી રહી હતી. SMCની ટીમે આશ્રમ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જેવી શંકાસ્પદ કાર આવી, SMCએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ ચાલકે કાર રતનપુર ચેકપોસ્ટ તરફ ભગાડી મૂકી. SMCએ ફિલ્મી ઢબે પીછો કરતાં ગભરાયેલા ચાલકે કાબૂ ગુમાવ્યો અને કાર વેણપુર નજીક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

- Advertisement -

પેટી દીઠ 500ના કમિશનમાં ખેપિયાનો ખેલ ખતમ
અકસ્માત બાદ SMCએ કારમાંથી અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા રિતેશ સોમા પટેલને દબોચી લીધો હતો. કારની તલાશી લેતા તેમાંથી 3.93 લાખની કિંમતની 1784 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત કુલ 6.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં રિતેશ પટેલે વટાણા વેરી દીધા હતા કે, તે વિશ્રામ ભગોરા માટે કામ કરે છે અને તેને દારૂની એક પેટીની ડિલિવરી પેટે 500 રૂપિયા કમિશન મળે છે. અગાઉ પણ તે આણંદ, નડિયાદ અને અમદાવાદમાં દારૂની ખેપ મારી ચૂક્યો છે.

સ્થાનિક પોલીસમાં હડકંપ: ‘ઘરના જ ઘાતકી’?
આ રેડ બાદ અરવલ્લી પોલીસમાં સોપો પડી ગયો છે. ચર્ચા મુજબ, SMCના નેટવર્કમાં જે બાતમીદારો સક્રિય છે, તે અરવલ્લીમાં જ ફરજ બજાવી ચૂકેલા અને દાગી અથવા સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓ હોઈ શકે છે. આ ઉપરાંત જે બાતમીદારોને સ્થાનિક પોલીસે ‘દૂધ પાઈને મોટા કર્યા’ હતા, તે જ હવે SMC માટે કામ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

વોન્ટેડ આરોપીઓ:

- Advertisement -
  1. વિશ્રામ રૂપસી ભગોરા (રહે. ડેડાલી, ડુંગરપુર – મુખ્ય બુટલેગર)
  2. કુલદીપ પંડિત (રહે. ઉદેપુર – મુનિમ)

આ સમગ્ર મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular