સોના અને ચાંદીમાં હજુ નવી ઐતિહાસિક સપાટીઓ સર્જાવાની બાકી છે
કોમોડિટીનું મૂલ્યાંકન તમને તમારું રોકાણ સલામતીના સ્વર્ગ સમાન સોના ચાંદી તરફ જવાનો આગ્રહ કરે છે
ભારતીય રોકાણકારો સોનાચાંદીને માત્ર રોકાણ કે વેપાર જ નહિ જાગતિક જોખમના બેરોમીટર તરીકે જોતા થઇ ગયા છે
ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : રોકાણકારોની મન:સ્થિતિનું સટીક અને તાર્કિક રીતે અવલોકન કરીએ તો તે એવા સંકેત આપે છે કે સોના અને ચાંદીમાં હજુ નવી ઐતિહાસિક સપાટીઓ સર્જાવાની બાકી છે. સમયાંતરે વધતાદરે આવતી આર્થિક અચોક્ક્સતાઓ, નાણાકીય કટોકટી, અથવા પરંપરાગત અસ્ક્યામતોમાં સતત ઘટતો આત્મવિશ્વાસએ સોના ચાંદીની તેજીને ટકાઉ અને મજબૂત બનાવી દીધી છે. કરન્સી બજારમાં થતી ઉથલપાથલ, ફુગાવો વધવાનો આશાવાદ, અને ખાણ કંપનીઓ સાથે જોડાયેલી કોમોડિટીનું મૂલ્યાંકન બધુજ તમને તમારું રોકાણ સલામતીના સ્વર્ગ સમાન સોના ચાંદી તરફ જવાનો આગ્રહ કરે છે. ભારતીય રોકાણકારો તો સોનાચાંદીને માત્ર રોકાણ કે વેપાર જ નહિ, તેની વધઘટને જાગતિક જોખમના બેરોમીટર તરીકે જોતા થઇ ગયા છે.
અમેરિકન ડોલરની પછડાટ, નાણાકીય બજારના જોખમનું પૂન:મૂલ્યાંકન અને અને જાગતિક અર્થતંત્રોની અનિશ્ચિતતાઓ વચ્ચે ગુરુવારે એક નવો અધ્યાય લખાયો. એક તબક્કે સોનાના ભાવ 5594.82 ડોલર અને ચાંદીના 121.62 ડોલર પ્રતિ ઔંસ (31.10347 ગ્રામ) સર્વોચ્ચ ઐતિહાસિક સપાટીએ મુકાયા. આ ભાવથી રોકાણકારોએ નાટકીય રીતે નફો બુક કરવા આવતા ભાવ પાંચ ટકા તૂટી 5109.62 ડોલર બોલાઈ શુક્રવારે ઈન્ટરૅડેમાં 5325 ડોલર બોલાયા, અલબત્ત, જાન્યુઆરી મહિનામાં ભાવ 24 ટકાનો ઉછાળો દાખવતા હતા. ગુરુવારે ચાંદી પણ 121.62 ડોલરની ઊંચાઇએથી 2.1 ટકાના ઘટાડે 114.14 બોલાઈ. પુરવઠા અછત અને મોમેન્ટમ બાઇંગ વચ્ચે જાન્યુઆરીમાં ચાંદી 60 ટકાનો ઉછાળો દાખવે છે.
રોકાણકારો માટે અહીં ખતરાની ઘંટી વગાડવી આવશ્યક છે, વિક્રમ ભાવ એવી કોઈ ખાતરી નથી આપતા કે તે ઊંચે જ જ્યા કરશે. આ તેજી ટકી રહેવાનો આધાર, અર્થતંત્રો કેવાંક વળાંક લે છે, વ્યાજદર વધઘટનો આશાવાદ, અને વધતા ભૂ-ભૉગોલીક જોખમો પર છે. જો ઈરાન અણું-શસ્ત્ર સંધિ પર સહી નહિ કરે તો, ડોનાલ્ડ ટ્રમ્પએ હુમલો કરવાની ચેતવણી આપ્યા પછી ક્રૂડ ઓઈલના ભાવ ચાર મહિનાની ઊંચાઈએ ગયા. આને લીધે આર્થિક વિકાસ સામે ખતરો વધ્યો છે, સરકારી દેવામાં વધારો થયો છે, વૈશ્વિક શાંતિ સામે જોખમ નિર્માણ થયું છે, આ બધાએ રોકાણકારોને પોતાની લાંબાગાળાની બચત સલામતી માટે નવા માર્ગ ખોળવા ઉશ્કેર્યા છે.
બજારમાં ઉપલબ્ધ ડેટા એવા સૂચિતાર્થો આપે છે કે વર્તમાન તેજી માત્ર સટ્ટાકીય ટ્રેડિંગ પર નિર્ભર નથી. સતત વધી રહેલા ફુગાવાની ચિંતામાંથી ઉદ્ભવેલી આ ખરીદી છે. રોકાણકારોને એ પણ ખયાલ આવ્યો છે કે વૈશ્વિક આર્થિક વિકાસ ધીમો પડી રહ્યો છે, અને વર્તમાન નાણાનીતિને આધારે લેવાતા નિર્ણયો ટકાઉ નથી. ધારણાઓ એવી છે કે આમેરિકા આ વર્ષે પણ વ્યાજદરમાં ઘટાડાઓ કરવાનું ચાલુ રાખશે. જે સોનાચાંદીની માંગમાં વધારો કરશે. એ વાત સાચી કે નીચા વ્યાજદર સોના ચાંદી જેવી અસ્કાયામતો જાળવી રાખવાથી તેના યીલ્ડ (વળતર)માં કોઈ વધારો નથી કરવાના, પણ તેના ભાવ વધારામાંથી મૂલ્ય સ્થિરતા તો જળવાઈ જ રહેવાની છે.
અમેરિકન ફેડરલ રિઝર્વએ ધારણા પ્રમાણે જ આ સપ્તાહે વ્યાજદરમાં કોઈ ઘટાડો ના કર્યો, ફેડ ચેરમેન જેરોમ પોવેલે કહ્યું કે અમેરિકન અર્થતંત્રમાં સ્પષ્ટ સુધારો જોવાઈ રહ્યો છે, તેમની વાતને અન્ય ગવર્નરોએ પણ ટેકો આપ્યો હતો. પણ આ જાહેરાત અગાઉ બજારમાં કટોકટીની ઘંટડીઓ વાગવા લાગતા ભાવ આસમાને ગયા હતા. ભાવ અગાઉના તમામ રેઝિસ્ટન્ટ લેવલો વેગથી આંબી ગયા હતા. જે દાખવતા હતા કે જાગતિક અર્થતંત્રમાં કશુંક અજુગતું થઇ રહ્યું છે.
વ્યાજદર ઘટાડો નહિ આવતા ડોલર ઇન્ડેક્સ જે 6 જાગતિક કરંસીઓની બાસ્કેટમાં થતી વધઘટ દાખવે છે, તે શુક્રવારે 0.50 ટકા વધીને 96.53 થયો હતો. ગુરુવારે એક તબક્કે આ ઇન્ડેક્સ ફેબ્રુઆરી 2022 પછીની સૌથી નીચી સપાટીએ સંકળાઈને 95.86 થયો હતો. છેલ્લા એક મહિનામાં આ ઇન્ડેક્સ બે ટકા અને વાર્ષિક ધોરણે 9.4 ટકા ઘટ્યો હતો. જેમ જેમ ડોલર નબળો પડશે તેમતેમ સોનાચાંદીની માંગ વધશે જે બુલિયન બજારની તેજીમાં હવા ભરવાનું કામ કરશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








