નવજીવન ન્યૂઝ. નોઈડા: ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શારદા યુનિવર્સિટીની હોસ્ટેલમાં મેડિકલનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીની આત્મહત્યા બાદ પરિવારજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. શુક્રવારે રાત્રે વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી. શનિવારે યુનિવર્સિટી કેમ્પસ પહોંચેલા વિદ્યાર્થિનીના પરિવારે HOD, ડીન, પ્રોફેસર સહિત 7 લોકો પર સતામણી, દુર્વ્યવહાર અને ધમકાવવાનો આરોપ લગાવીને FIR નોંધાવી છે. આ મામલે પોલીસે બે પ્રોફેસરોની અટકાયત કરી છે. આ દરમિયાન, વિભાગના HOD સામે આવતા જ પરિવારજનોનો ગુસ્સો ભડકી ઉઠ્યો હતો અને તેઓ HOD સાથે સવાલ-જવાબ કરતા-કરતા મારામારી પર ઉતરી આવ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈને જીવ આપ્યો
આ મામલે અધિક પોલીસ નાયબ કમિશનર સુધીર કુમારે જણાવ્યું કે, નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શારદા યુનિવર્સિટીમાં BDS બીજા વર્ષની વિદ્યાર્થિની જ્યોતિ શર્માએ હોસ્ટેલના પોતાના રૂમમાં પંખા સાથે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે જણાવ્યું કે, ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
ગુરુગ્રામની રહેવાસી હતી વિદ્યાર્થિની, સવારે પહોંચ્યા પરિવારજનો
કુમારે જણાવ્યું કે, ગુરુગ્રામ નિવાસી જ્યોતિના પિતા રમેશ જાંગડાએ યુનિવર્સિટીના ડીન ડોક્ટર એમ. સિદ્ધાર્થ અને પ્રોફેસર સૈરી મેડમ, મહેન્દ્ર, અનુરાગ અવસ્થી અને સુરભિ ઉપરાંત એક અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. રમેશનો આરોપ છે કે આ લોકોની સતામણી, દુર્વ્યવહાર અને ધમકીઓને કારણે તેમની દીકરીએ આત્મહત્યા કરી.
video જોવા નીચે આપેલી લીંક પર ક્લિક કરો…
A post shared by NDTV India (@ndtvindia)
પિતા બોલ્યા- સમજાવ્યા પછી પણ દીકરીને હેરાન કરવામાં આવતી હતી
પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, રમેશના જણાવ્યા અનુસાર, જ્યોતિએ તેની સાથે થઈ રહેલા દુર્વ્યવહાર વિશે તેમને જણાવ્યું હતું અને તેમણે કોલેજમાં આવીને આ વિશે ડીન અને અન્ય લોકો સાથે વાતચીત પણ કરી હતી. રમેશે કહ્યું કે, તેમને ખાતરી આપવામાં આવી હતી કે જ્યોતિ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર નહીં થાય, પરંતુ તેમ છતાં તેને હેરાન-પરેશાન કરવામાં આવતી રહી.
શુક્રવારે રાત્રે દીકરીએ ફોન નહોતો ઉપાડ્યો
તેમણે કહ્યું કે, શુક્રવારે મોડી રાત્રે તેમણે પોતાની દીકરીને ફોન કર્યો પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં. ત્યારપછી તેની દીકરી સાથે રૂમમાં રહેતી અન્ય એક વિદ્યાર્થિનીએ રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ તેણે દરવાજો ખોલ્યો નહીં. રમેશે દાવો કર્યો કે તેમણે રાત્રે જ ગ્રેટર નોઈડા પોલીસને ઘટનાની જાણ કરી હતી, પરંતુ કોલેજ પ્રશાસને પોલીસને પણ જાણ કરી ન હતી.
વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં કોલેજ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું
તેમણે કહ્યું કે, વિદ્યાર્થિનીએ મૃત્યુ પહેલા એક સુસાઈડ નોટ લખી છે, જેમાં તેણે કોલેજ પ્રશાસનના લોકોને આરોપી ઠેરવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે અને બે પ્રોફેસર મહેન્દ્ર અને સૈરી મેડમને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
કુલપતિ બોલ્યા- મામલાની આંતરિક તપાસ ચાલુ છે
શારદા યુનિવર્સિટીના કુલપતિ પી.કે. ગુપ્તાએ કહ્યું કે, આ મામલે યુનિવર્સિટી સ્તરે આંતરિક તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં ડીને તેમને જણાવ્યું છે કે વિદ્યાર્થિનીએ પોતાના એક ‘ટેસ્ટ’ની કોપીમાં પ્રોફેસરની નકલી સહી કરી હતી, જે બાબતે તેને ઠપકો આપવામાં આવ્યો હતો અને તેના પરિવારજનોને બોલાવીને આ વાત જણાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, કોલેજ પ્રશાસન આ મામલાની તપાસમાં પોલીસને સંપૂર્ણ મદદ કરશે.