Sunday, November 2, 2025
HomeGeneralPlane Crash: મૃતદેહો ઘર સુધી પહોંચાડવાની તૈયારી, મૃતકના પરિવારોએ આ ડોક્યુમેન્ટ્સ સાથે...

Plane Crash: મૃતદેહો ઘર સુધી પહોંચાડવાની તૈયારી, મૃતકના પરિવારોએ આ ડોક્યુમેન્ટ્સ સાથે લાવવા જરૂરી

- Advertisement -
  • સિવિલ હોસ્પિટલ દ્વારા PM રિપોર્ટ અને ડેથ સર્ટિફિકેટ સહિતના તમામ કાયદાકીય દસ્તાવેજોની ફાઈલ તૈયાર અપાશે
  • મૃતદેહને બાય એર લઈ જવા માટે એર ઇન્ડિયા મદદ કરશે – ફ્લાઇટના સમય બાબતે હોસ્પિટલ સાથે અગાઉથી સંકલન કરવું
  • કુલ 11 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, એક પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો કુલ 11 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, એક પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો
  • દરેક મૃતકના પરિવાર માટે અધિકારી, પોલીસ અને કાઉન્સેલરની ખાસ ટીમ ફાળવાઈદરેક મૃતકના પરિવાર માટે અધિકારી, પોલીસ અને કાઉન્સેલરની ખાસ ટીમ ફાળવાઈ
  • પાર્થિવ દેહ ઘરે પહોચતા જ તલાટી દ્વારા તાત્કાલિક પેઢીનામું કાઢી અપાશે
  • 11 વિદેશી મૂળના નાગરિકોના પરિવારનો સંપર્ક, બ્રિટિશ સરકાર સાથે સંકલન; દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિની તબિયત સ્થિર

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ ખાતે થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે સરકારી તંત્ર ભલે સત્તાવાર રીતે જાણકારીઓ આપતું નથી પરંતુ હજુ એટલી માનવતા તો છે કે મૃતકોના પરિવારજનોને વધુ પરેશાનીનો ભોગ ના બનવો પડે તે માટે તંત્રએ ઘણી તૈયારીઓ કરી લીધી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનો પ્રત્યે સિવિલ હોસ્પિટલ તંત્ર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ફોરેન્સીક વિભાગના અધિકારી અને સિવિલ હોસ્પિટલના સૂપરિનટેન્ડન્ટે આ અંગે કોઈ પ્રેસ વાર્તા કરી નથી પરંતુ સત્તાવાર વીડિયો જાહેર કર્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સૂપરિનટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, પ્લેન દુર્ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે 250 જેટલા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને સેવાભાવી સંસ્થાના કાર્યકરોની ટીમે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તોને ‘ગોલ્ડન અવર્સ’માં શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી હતી. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના સતત માર્ગદર્શન અને સંકલનને પરિણામે, તમામ ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર આપી શકાઈ છે. આ ઉપરાંત, DNA સેમ્પલ મેચિંગ જેવી સંવેદનશીલ કાર્યવાહી પણ ખૂબ જ સારી રીતે પાર પાડવામાં આવી રહી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના સહયોગ અને સંકલનને કારણે DNA સેમ્પલ મેચિંગની કાર્યવાહી અત્યંત ઝડપથી આગળ વધી રહી છે. જેના પરિણામે 9 DNA સેમ્પલ સફળતાપૂર્વક મેચ કરવામાં આવ્યા છે, અને તેમાંથી એક મૃતદેહની ઓળખ કરીને તેમના પરિજનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે.

- Advertisement -

કેવી તૈયારીઓ કરાઈ?
તેમણે કહ્યું કે, DNA મેચિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવાની પ્રક્રિયા નીચે મુજબ હાથ ધરવામાં આવશે, જેની સર્વે સંબંધિતોને નોંધ લેવા વિનંતી છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકના જે સગાએ DNA સેમ્પલ આપ્યા છે, તેમને તેમના દ્વારા નોંધાવવામાં આવેલા મોબાઇલ નંબર પર ફોન કરીને સંપર્ક કરવામાં આવશે. પરિજનોને વિનંતી છે કે, તેઓ ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાને લે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નંબરો નીચે મુજબ છે, જેનો ઉપયોગ પરિજનોનો સંપર્ક કરવા માટે કરવામાં આવી રહ્યો છે: 9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875.

પાર્થિવ દેહ સ્વીકારવા કોણે આવવું?
– શક્ય હોય ત્યાં સુધી, જે નજીકના સગાએ DNA સેમ્પલ આપેલ છે, તેમણે પોતે આવવું તે અત્યંત ઇચ્છનીય છે. જો તેઓ આવી શકે તેમ ન હોય, તો મૃતકના અન્ય કોઈ નજીકના કુટુંબીજન આવી શકે છે.
– પાર્થિવ દેહ સ્વીકારવા આવનાર સગાએ પોતાની અને મૃતકની ઓળખ સ્થાપિત કરવા માટે નીચે મુજબના દસ્તાવેજો સાથે લાવવાના રહેશે.
– આવનાર સગા એ પોતાનું આધાર કાર્ડ અથવા સરકાર દ્વારા માન્ય અન્ય કોઈ ફોટો ઓળખપત્ર (અસલ) સાથે રાખવું.
મૃતકનું ઓળખપત્ર: મૃતકનું આધાર કાર્ડ, પાસપોર્ટ, અથવા વોટર આઇડી કાર્ડ (અસલ અથવા નકલ) સાથે રાખવા.
મૃતક સાથેનું સગપણ સાબિત કરતો દસ્તાવેજ સાથે રાખવો
– DNA સેમ્પલ આપતી વખતે નોંધાવેલો મોબાઇલ નંબર સાથે રાખવો.
– મૃતકનો પાર્થિવ દેહ લેવા નજીકના સગામાની વ્યક્તિ પોતે ન આવી શકે અને અન્ય કોઈને મોકલે તો ઓથોરિટી લેટર સાથે મોકલવો

- Advertisement -

હોસ્પિટલ દ્વારા અપાનારા દસ્તાવેજો: પાર્થિવ દેહની સાથે જ, મૃતકના સ્વજનને પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ તેમજ અન્ય લીગલ કાર્યવાહી માટેના જરૂરી તમામ દસ્તાવેજો એક ફાઈલમાં તૈયાર કરીને હોસ્પિટલ તંત્ર દ્વારા સુપરત કરવામાં આવશે.

જો મૃતકની ઓળખ કે સગપણનો કોઈ પુરાવો ઉપલબ્ધ ન હોય, તો સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ આપના વિસ્તારની મામલતદાર, કલેક્ટર કે પ્રાંત અધિકારીની કચેરીનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવવું.

ઉપરોક્ત દસ્તાવેજો સાથે મૃતકના સગાઓએ સિવિલ હોસ્પિટલના D2 બ્લોકની ઓફિસ સામે બનાવેલ કંટ્રોલ રૂમ ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. જો હોસ્પિટલ પહોંચવામાં કોઈ મુશ્કેલી જણાય, તો જે નંબર પરથી આપને ફોન આવ્યો હતો, તે જ નંબર પર સંપર્ક કરવાથી સંપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે.

- Advertisement -

પાર્થિવ દેહના પરિવહન માટેની વ્યવસ્થા:

સ્થાનિક પરિવહન (બાય રોડ): જે પરિજનો પાર્થિવ દેહને બાય રોડ પોતાના નિવાસસ્થાને લઈ જવા ઈચ્છે છે, તેમના માટે સરકારી તંત્ર દ્વારા ઘર સુધી મૃતદેહ પહોંચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

જે પરિજનો પાર્થિવ દેહને અન્ય રાજ્ય કે દેશમાં હવાઈ માર્ગે લઈ જવા માંગતા હોય, તેમણે ફ્લાઇટના સમય અંગે અગાઉથી સંકલન કરવા વિનંતી છે. આ પ્રક્રિયામાં એર ઇન્ડિયા દ્વારા સંપૂર્ણ મદદ કરવામાં આવશે.

FSL ગાંધીનગરના ડિરેક્ટર એચ.પી.સંઘવીએ DNA પરીક્ષણની વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતકોની ઓળખ વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA સેમ્પલને મેચ કરાવીને કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર ખાતેની FSL તેમજ NFSUની પ્રયોગશાળામાં આ પેસેન્જરોના વારસદારો કે નજીકના પરિવારજનોના DNA સેમ્પલ લઈને મેચિંગની પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે.

તેમણે જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં DNA પરીક્ષણની ખૂબ સારી વ્યવસ્થા છે. DNA મેચિંગ પરીક્ષણ માટેની કિટ્સ સાથેની તમામ સાધન સુવિધાઓ પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. જેના પરિણામે લગભગ 36 DNAના નિષ્ણાંતો દ્વારા સતત 24 કલાક મેચિંગ માટેના પરીક્ષણો ચાલુ છે. પ્લેન જ્યારે ક્રેશ થાય છે, ત્યારે તેની અંદર ખૂબ મોટી જ્વાળાઓ ઉત્પન્ન થાય છે જેના કારણે તાપમાન ખૂબ જ વધી જતું હોય છે. આવા સંજોગોમાં અકસ્માતનો ભોગ બનેલા પેસેન્જરોના શરીરમાં રહેલા DNA કે જેના થકી ઓળખ કરવાની હોય છે, તે ખૂબ ઓછી માત્રામાં મળતા હોય છે. આ ઉપરાંત DNA સેમ્પલના પરીક્ષણની પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં થતી ખૂબ જટિલ પ્રકારની હોય છે. જેના કારણે મૃતકની ઓળખ કરવામાં સમય લાગતો હોય છે.

વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે, ઇન્ટરનેશનલ કંપનીઓ પણ આ દુઃખદ ઘટનામાં DNA પરીક્ષણ માટે મદદ કરવા તૈયાર છે. આ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના સેમ્પલ કલેક્ટ કરીને તેમના વાલી વારસદારો ને ફોર્મ ભરાવવામાં આવે છે, જેમાં મૃતકના માતા, પિતા, દીકરા, દીકરીના નામ સહિતની વિગતો નોંધવામાં આવે છે. DNA મેચિંગ માટે એક પાર્થિવ દેહમાંથી એકથી વધુ સેમ્પલ લેવામાં આવે છે. ઘણીવાર પૂરતી માત્રામાં DNA ન મળતા વારંવાર રીપીટ કરીને પણ એનાલિસિસ કરવામાં આવે છે. આમ આ જટિલ પ્રક્રિયામાં 36 થી 48 કલાક સુધી બેચવાઇઝ પરીક્ષણ કરવામાં આવે છે. જેમ જેમ DNA મેચિંગના પરિણામો આવતા તંત્રને તુરંત જાણ કરવામાં આવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular