નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં કાયદાની પરિસ્થિતી લથડી રહી હોય તે પ્રકારના ગંભીર ગુના ભર બજારે સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક કિસ્સો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (home minister harsh sanghvi) ના શહેર સુરતમાં સામે આવ્યો છે. જેમાં સુરત કોર્ટની બહાર એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ હુમલો કરવા પાછળ ‘ખુન કા બદલા ખુન’ જેવો ઘાટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોર્ટ બહારના રસ્તે હુમલાની ઘટના સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના અઠવાલાઈન્સ કોર્ટ સામે આવેલા કેબલ બ્રિજ નીચેના રોડ પરથી એક યુવક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાઈક પર આવેલા કેટલાક લોકોએ ચાલતા જઈ રહેલા યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. હુમલો કરતા જ તે યુવક લોહીલુહાણ થઈ ગયો હતો અને રોડ પર લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. આ ઘટનામાં મોતને ભેટનાર શખ્સ હત્યાનો આરોપી હતો અને કોર્ટમાં આવ્યો હતો તેવી માહિતી મળી રહી છે.
હુમલા ઈજાગ્રસ્ત થતા યુવકને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પટિલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબીએ તેને મૃત જાહેર કર્યો હતો. હુમલાખોરો હુમલો કર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આસપાસના સી.સી.ટી.વી. કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી હતી. સાથે જ નાકાબંધી કરીને અજાણ્યા હુમલા ખોરોને ઝડપવા પ્રયત્ન શરૂ કર્યા હતા.
આ બનાવમાં મોતને ભેટનાર યુવકનું નામ સૂરજ યાદવ હોવાનું સામે આવ્યું છે. જે સુરતના સચિન વિસ્તારનો રહેવાસી છે. સુરજ સામે પણ અગાઉ હત્યાનો ગુનો નોંધાતા આજે તે કોર્ટમાં તારીખમાં હાજર રહેવા માટે આવ્યો હતો. તે દરમિયાન કોર્ટ બહારના રસ્તા પાસે તેને રહેંસી નાખવામાં આવ્યો હતો. જે સ્થળ પર હત્યા થઈ તેની સામે જ કોર્ટ આવેલું છે અને અહીં કાયમ ભારે ટ્રાફિક હોય છે. ઉપરાંત ઘટના સ્થળથી સુરત પોલીસ કમિશનર કચેર અને કલેક્ટર કચેરી થોડા મીટરના અંતર જ આવેલી છે. યુવક અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાથી ખુન કા બદલા ખુન જેવો ઘાટ સર્જાયો હોવ તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.








