નવજીવન ન્યૂઝ. સુરતઃ સ્પેશિયલ 26 ફિલ્મમાં ઈન્કમટેક્ષના નકલી અધિકારીઓ ખાનગી ટીમ રાખીને વેપારીઓને ત્યાં દરોડા પાડતા હોવાની સ્ટોરી આપ સૌએ જોઈ જ હશે. ત્યારે આ ફિલ્મને પણ ટક્કર મારે તેવી ઘટના સુરતમાં બની છે. જ્યાં એક GST અધિકારીએ ખાનગી ટીમ રાખીને વેપારીને ત્યાં રેડ પાડીને લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આખરે વેપારી છેતરાયો હોવાની જાણ થતાં જ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના પુણા મગોબ રોડ વિસ્તારમાં રહેતા 41 વર્ષીય ઘીરેન્દ્રસિંહ રાજપુરોહિત સુરતના વરાછા વિસ્તારમાં જૂની બોમ્બે માર્કેટમાં સાડીનો વેપાર કરે છે. તેમની દુકાનમાં 30 માર્ચે 3 લોકો જી.એસ.ટી. અધિકારી તરીકેની ઓળખ આપી રાકેશ શર્મા ઘુસી આવ્યો હતો. જેમાંથી 2 લોકો વેપારીને મળવા માટે ઉપર ગયા હતા. રેડ કરવા આવેલા અધિકારીઓના હાથમાં ભારત સરકારના સિમ્બોલવાળી ફાઈલ પણ હતી. આ અધિકારીઓએ વેપારીનો ફોન પણ મુકાવી દીધો હતો અને દુકાનના સી.સી.ટી.વી. પણ બંધ કરાવી દીધા હતા. અધિકારીએ જી.એસ.ટી.નું પંચનામું કરવાનું ચાલુ કરવા કહેતા જ વેપારી ડરી ગયો હતો.
આ અધિકારીઓએ વેપારીને કહ્યું હતું કે, “મારી પાસે તારા નામનું જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટનું વોરંટ છે. તારું 5 કરોડનું ટર્ન ઓવર છે. તું ચણિયા-ચોળીનો વેપાર કરે છે. તેમાં 12 ટકા જી.એસ.ટી. ભરવાનો આવે છે. અને તમે 7 ટકા જ જી.એસ.ટી. ભરો છો. જેથી 5 ટકા ડિફરન્સનો જી.એસ.ટી. રૂપિયા 80 લાખ ભરવો પડશે”.જોકે વેપારીએ અધિકારીને જણાવ્યું કે, તે રેગ્યુલર જી.એસ.ટી. ભરે છે. જોકે અધિકારીએ દુકાનને સીલ મારી દેવાની અને 10 વર્ષ જેલની ધમકી આપતા રૂપિયા 45 લાખમાં સેટલમેન્ટ કરવાની વાત કરીને રૂપિયા 15 લાખની માગણી કરી હતી. જેથી ડરી ગયેલા વેપારીએ રૂપિયા 7 લાખ દુકાનમાંથી અને રૂપિયા 5 લાખ ઘરેથી મંગાવીને રેડ કરવા આવેલા અધિકારીઓને આપ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગેની જાણ વેપારીએ તેમના CAને કરતા તેમણે કહ્યું હતું કે, “આ રીતે જી.એસ.ટી.ના અધિકારીઓ રૂપિયા ન લે.” જોકે વેપારી અને CAએ રેડ કરવા આવેલા અધિકારીઓ અંગે તપાસ કરતા રેડ કરવા આવેલી ઠગ ટોળકી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર બનાવ અંગે વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા રેડ કરવા આવેલા 3 અધિકારીઓમાંથી એક GSTનો અસલી અધિકારી હોવાનું સામે આવ્યું છે. વરાછા પોલીસે GST અધિકારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








