નવજીવન ન્યૂઝ. આણંદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસ બાકી છે, આજે બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે તેવામાં કોંગ્રેસ દ્વારા ગઈકાલે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવતા અનેક બેઠકો પર ભડકો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની ઉમેદવારોની યાદીમાં કેટલાક સિનિયર નેતાઓ કપાતાં નારાજગી સામે આવી છે. પેટલાદ બેઠક પર છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નિરંજન પટેલની ટિકિટ કપાઈ છે. તેમણે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી અને ધારાસભ્ય પદથી હાલ રાજીનામું ધરી દીધુ છે.
કોંગ્રેસે ગઈકાલ રાત્રે જાહેર કરેલી અંતિમ યાદીમાં નેતાઓના નામ કપાતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. અનેક બેઠકો પર નેતાઓએ પક્ષમાંથી રાજીનામા ધરી દીધા છે. ચૂંટણી સમયે ધડાધડી રાજીનામાં પડતા કોંગ્રેસ તૂટતી જોવા મળી રહી છે. આણંદની પેટલાદ બેઠકને લઈને કોંગ્રેસમાં કુકડુ ગુચવાયું હતું. જોકે ગઈકાલની યાદીમાં પેટલાદ બેઠક પરથી ડો પ્રકાશ પરમારને ટિકિટ આપવામાં આવી છે. ચાલુ ધારાસભ્યની ટિકિટ કપાતાં નારાજ નિરંજન પટેલએ રાજીનામું ધરી દીધું છે. નિરંજન પટેલ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. જોકે નિરંજન પટેલ દ્વારા હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વિધાનસભા ચૂંટણી ર૦રર માટે આણંદ જીલ્લાની ૧૧૩ પેટલાદ બેઠક ઉપર નવા સમીકરણ જોવા મળી રહ્યા છે. આ બેઠક ઉપર કોંગ્રેસના નિરંજન પટેલ છ વખત ધારાસભ્ય બન્યા છે. છતા તેઓના સ્થાને છેલ્લી ઘડીએ ડો. પ્રકાશ પરમારનું નામ જાહેર થતા અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. જ્યારે પેટલાદ બેઠક પરથી ભાજપે કમલેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. પેટલાદ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને નિરંજન પટેલનું વર્ચસ્વ છે. જોકે નામ જાહેર થાય તે પહેલા જ તેમની ટિકિટ કપાવાની તેમને ભાળ મળી ગઈ હોવાના કારણે છેલ્લા કેટલાક સમયથી તેમણે ભાજપમાં જોડાવાની ચર્ચાઓ પણ શરૂ થઈ હતી.








