તોફીક ઘાંચી (નવજીવન ન્યૂઝ, અમદાવાદ): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાતની ઘડી ગણાય રહી છે. ત્યારે રાજકીય પક્ષો વચનો અને કરેલ કામો લઇ ગુજરાતની જનતા સુધી યાત્રાના માધ્યમથી પહોંચવાનો પ્રયાસ કરી મતદારોને રીઝવવાની કોશિશ કરી રહી છે. ગુજરાતમાં ત્રીપાંખીયો ચૂંટણી (Gujarat Election 2022) જંગ થવા જઈ રહ્યો છે. ત્યારે ત્રણેય પક્ષ મતદારોને પોતાની તરફેણમાં લેવા પ્રયાસ કરી રહ્યાં છે.
આજરોજ અમદાવાદના પાલડી ખાતે સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (Gujarat Congress) કાર્યાલય ખાતે રાજીવગાંધી ભવનમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતિ છે, કે જેઓ આખા દેશના બગીચાને મજાનો કરનાર, 562 રજવાડાને એક કરનાર અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારની 30 ઓક્ટોબરના રોજ પુણ્યતિથિ છે. આ બન્ને મહાનુભાવો કોંગ્રેસના નેતા હતા તેમના આ દિવસોમાં ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં 5 જગ્યા પરથી સંકલ્પ યાત્રાનો શુભારંભ કરશે.
કોણ ક્યાંથી કરાવશે યાત્રાનો પ્રારંભ ?
સંકલ્પ યાત્રાનાં આયોજન બાબતે જગદીશ ઠાકોરે વધુ વિગત આપતા જણાવ્યું કે, સંકલ્પ યાત્રાની શરૂઆત વડગામથી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કરાવશે. બીજી યાત્રાની શરૂઆત દિગ્વિજયસિંહ કરાવશે. સચિન પાયલોટ ફાગવેલ મધ્ય ગુજરાતથી કરાવશે અને દક્ષિણથી પવન ખેડા સહીત નેતાઓ યાત્રાની શરૂઆત કરાવશે.
5432 કિલોમીટરનું અંતર કાપશે
ગુજરાતમાં આ યાત્રા 5432 km નું અંતર કાપી સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં અને 182 વિધાનસભામાં ફરશે. જેમાં 145 જાહેર સભા થશે, 32 જેટલાં સ્વાગત પોઇન્ટ નક્કી કરેલ છે. આ યાત્રામાં મહાનગરો અને નગરપાલિકામાં 95 થી વધુ રેલી કરી લોકો સુધી કોંગ્રેસ આપેલા વચનો સાથે પહોંચશે અને મતદારો સુધી પોતાની વાત પહોંચાડશે.
સંકલ્પ યાત્રાની શરૂઆતથી પૂર્ણ થાય ત્યાં સુધી દસ લાખ થી વધુ કાર્યકર્તા સીધી કે સોશ્યિલ મીડિયાનાં માધ્યમથી આડકતરી રીતે જોડાશે. આ યાત્રા દરમ્યાન અલગ-અલગ સામાજિક આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત લોકો, ડોક્ટર, એન્જીનીયર તેમજ વિવિધ પછાત સમાજોને જોડાવાનું કામ થશે. વર્તમાન સમયમાં જે અસહ્ય મોંઘવારી અને લોકોને ભાજપ સરકારે આપેલા વાયદા મુખ્ય મુદ્દો રહેશે. સરકાર વહીવટીમાં જે પ્રકારે ફેલ ગઈ છે,કર્મચારી જે પ્રકારે હેરાન થયા છે. ગુજરાતમાં ભયના વાતાવરણને મુક્ત બનાવવા માટે 125 વિધાનસભાની સીટો જીતવાની તૈયારી સાથે 31 ઓક્ટોબરથી યાત્રા ચાલુ થશે.
શું બોલ્યા સિધ્ધાર્થ પટેલ !
સિદ્ધાર્થ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસની વિચારઘારા લોકો સુધી પહોંચે, દરેક નાગરિકનો વિકાસ થાય. કોંગ્રેસે આપેલા વચનો જેવા કે રાજ્યનાં દરેક લોકોને દસ લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે, દવાઓ તદ્દન મફત તેમજ મોટા ઓપરેશન હૃદય, કિડની, ટ્રાન્સપ્લાન્ટ મફત કરવામાં આવશે, ગેસનાં બાટલા 500 રૂપિયામાં આપવામાં આવશે, મફત શિક્ષક, બેરોજગારી ભથું, 300 યુનિટ મફત વીજળી સહીત કરેલ જાહેરાતનો યાત્રા દરમ્યાન પહોંચાડીશું. વધુ સરકાર પર ડ્રગ્સ મામલે પ્રહાર કરતા કહ્યું કે નાના પેડલરોને સરકાર પકડે છે પણ મોટા માથા સામે કોઈ કાર્યવાહી થતી નથી અમે સરકાર માં આવતા તમામ મોટા માથાને જેલ ભેગા કરીશું. 27 વર્ષમાં ભાજપ સરકારમાં થયેલા અનેક કૌભાંડોની તપાસ કરી જેલ ભેગા કરીશું.








