નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ થોકબંધ રમાઈ રહેલાં ક્રિકેટમાં હવે નવું શું હોય? રોજેરોજ વિશ્વના કોઈ પણ ખૂણે આંતરાષ્ટ્રિય મેચ રમાય છે. ટ્વેન્ટી20ની ટુર્નામેન્ટનો સતત ચાલતી રહે છે. આટલાં બધાં ક્રિકેટરોમાં કોઈ એક ખેલાડી પોતાની રમતથી સતત ચર્ચા જગાવી રાખી શકે તો તે અવિશ્વસનીય છે. હાલમાં જે ભારતીય ખેલાડીનું નામ આ રીતે દેશ-દુનિયામાં ચર્ચાઈ રહ્યું છે, તે છે સૂર્યકુમાર યાદવ. અત્યાર સુધી ઇન્ડિયન ટીમ વતી સચિન તેન્ડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને વિરાટ કોહલી જેવાં દિગ્ગજો બેટ્સમેનોએ લાંબી કારકિર્દીમાં ધુંઆધાર બેટિંગ કરીને ક્રિકેટજગતના સિતારા બન્યાં. પણ સૂર્યકુમારે ખૂબ ટૂંકાગાળામાં નોખો તરી આવે તેવો બેટ્સમેન બન્યો છે. જે સ્પીડે તેના બેટમાંથી રન આવી રહ્યાં છે તેને લઈને દુનિયાના ક્રિકેટ એક્સપર્ટ્સ તેની વાહવાહી કરતાં થાકતાં નથી. સતત ટોપ સ્કોર અને ઊંચા સ્ટ્રાઇક રેટ સાથે તે સૌથી ફાસ્ટેટ 1000 રન બનાવનાર ક્રિકેટર બન્યો છે! આ રેકોર્ડ અગાઉ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલના નામે હતો. મેક્સવેલે 604 બોલમાં 1000 રન પૂર્ણ કર્યા હતા. સૂર્યકુમારે તે માટે માત્ર 574 બોલ લીધા છે.

સૂર્યકુમાર અશોક યાદવ મૂળે આ ખેલાડી ઉત્તર પ્રદેશના ગાઝીપુરનો. પણ તેની ક્રિકેટ કારકિર્દી મુંબઈથી શરૂ થઈ. તેની ઇન્ટરનેશનલ ક્રિકેટની કારકિર્દીને હજુ માંડ પોણા બે વર્ષ થયા છે. અને હજુ તે 13 વનડે રમ્યો છે અને 33 ટ્વેન્ટી20. ઇન્ટરનેશન ક્રિકેટમાં તેના કુલ રન દોઢ હજાર પણ નથી પહોંચ્યો, પરંતુ તેનું નામ અત્યારે ટોપ ઇન્ટરનેશનલ ક્રિકેટરોમાં બોલાય છે. અને આઈસીસી ટ્વેન્ટી20 ક્રિકેટ રેન્કિંગમાં અત્યારે તે બીજા ક્રમાંકે પહોંચી ચૂક્યો છે. સૂર્યકુમારની ડોમેસ્ટિક ક્રિકેટની શરૂઆત 2010માં થઈ અને પહેલાં જ મેચથી તેણે મુંબઈ ટીમમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી દીધું અને 2020માં તે મુંબઈ ટીમનો કેપ્ટનેય બન્યો. જોકે તેમ છતાં સૂર્યકુમારનું ટેલેન્ટ પારખી શકાયું તે આઇપીએલમાં. 2012ના સિઝનમાં તો મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી વેળાએ તે કોઈ પણ સ્કોર વિના આઉટ થયો. અને ત્યાર પછી સૂર્યકુમારનું નામ ઝળક્યું તે 2014ની આઇપીએલમાં જ્યારે કોલકત્તા નાઇટ રાઇટર્સે તેને પોતાની ટીમમાં સમાવ્યો અને ઇડન ગાર્ડનમાં મુંબઈ ઇન્ડિયન સામે સૂર્યકુમારે 20 બોલમાં 46 રન ફટકાર્યા. 2018માં મુંબઈ ઇન્ડિયન્સે સૂર્યકુમાર સાથે 3.2 કરોડનો કરાર કર્યો અને 2022માં તો આ રકમ આઠ કરોડ સુધી પહોંચી. આઇપીએલમાં અત્યાર સુધી તે 123 મેચ રમી ચૂક્યો છે અને તેની એવરેજ ત્રીસની છે અને સ્ટ્રાઇક રેટ 136નો. સોળ વાર તે પચાસ રન ફટકારી ચૂક્યો છે.
સૂર્યકુમારની આરંભની કારકિર્દી જોઈએ તો તે એક એવરેજ ક્રિકેટર લાગે. મુંબઈ ક્રિકેટ ટીમમાં તેના પર અશિસ્ત અને અન્ય સાથે દુર્વ્યવહાર કરવાના આરોપ પણ લાગ્યા. મુંબઈ ટીમમાંથી નામ પણ કમી થયું, પણ પછી માફી માંગી ટીમમાં ફરી સ્થાન મેળવ્યું. આ ઘટના પહેલાંનો સૂર્યકુમારનો આઇપીએલનો રેકોર્ડ 2014થી 2017 દરમિયાનનો જોઈએ તો આ દરમિયાન થયેલી સિઝનના રન અનુક્રમે 164, 157, 182 અને 105 હતા. કોલકતા નાઇડ રાઇડર્સ વતી તેનો ચાર વર્ષનો આઇપીએલનો સ્કોર 608 માત્ર હતો. તેમાં ઉપર જણાવેલી તેવી બે-ચાર ધુંઆધાર ઇનિંગ રહી, પરંતુ તે પર્ફોમન્સમાં સાતત્ય નહોતું. પણ પછીના સિઝનમાં તે મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયો અને તેનો સ્કોર 2018 પછી થયેલી ત્રણ સિઝનનો 512, 424 અને 480 રહ્યો. આવું ટ્રાન્સફોર્મેશનનું કારણ સૂર્યકુમાર માત્ર ને માત્ર પ્રેક્ટિસને આપે છે.
સૂર્યકુમારના આ ટ્રાન્સફોર્મેશનમાં અગત્યની ભૂમિકા મુંબઈ ઇન્ડિયન્સના કોચ મહિલા જયવર્દનેય ભજવી છે. મહિલાએ પ્રેક્ટિસ દરમિયાન જોયું કે સૂર્યાકુમારમાં ગજબનો પાવર છે અને તેને ટોપ ઓર્ડરમાં રમાડવા માટે ટીમ મેનેજમેન્ટનું ધ્યાન દોર્યું. જયવર્દને જોયું કે તેની સ્કીલ, ટેકનિક અને રમતને જે રીતે તે જાણે છે તે પ્રમાણે તે ઓપનિંગ કરી શકે. કોચ તરીકે જયવર્દને જે ખાસ ઓબ્ઝર્વ કરે છે તે એ કે શરૂઆતમાં તે બોલની ગતિનો ઉપયોગ કરવા બેકફૂટ પર જઈને રમતો, પણ છેલ્લા 2-3 વર્ષથી તેણે પોતાની ટેકનિક સંપૂર્ણ રીતે બદલી કાઢી છે. હવે તે ફ્રન્ટ પર રમે છે અને ગ્રાઉન્ડ પર તે તમામ જગ્યાએ શોટ ફટકારી શકે છે. એટલે જ તેને ‘360 ડિગ્રી બેટ્સમેન’ નામ મળ્યું છે. અગાઉ આ નામ દક્ષિણ આફ્રિકાના ડિવિલિયર્સને મળી ચૂક્યું છે.

એક સમયે જે રીતે તમે ક્રિકેટ રમ્યાં હોય મતલબ કે તમારી નેચરલ ગેમ હોય તેને તમે બદલી શકતા નથી. કેટલીક વખત તો ખેલાડીઓનો સ્નાયુઓ તે જે રીતે રમવા ટેવાયેલાં હોય તે રીતે ઘડાઈ ચૂક્યા હોય છે. પણ સૂર્યાકુમારે આટલાં વર્ષો પછી પોતાની રમવાની શૈલી બદલી અને તે માટે જે કરવું પડે તે કર્યું. કારકિર્દીના એક પડાવે આવ્યાં પછી સામાન્ય રીતે કોઈ ખેલાડી આવું કરતાં નથી. મોટા ભાગે તેઓ જે પોતાની નેચરલ ગેમને જ અનુસરે છે. પણ સૂર્યાકુમારે નક્કી કર્યું કે તે પોતાની ગેમ બદલશે. આ વિશે સૂર્યાકુમાર કહે છે કે, હું પરિણામ વિશે ઝાઝું વિચારતો નથી. મારે તો માત્ર પ્રેક્ટિસ જ કરવાની હતી. મે એ રીતે ધીરે ધીરે સ્નાયુઓને ટ્રેનિંગ આપી.
ઇન્ટરનેશનલ સ્તરે તમે રમતાં હોવ ત્યારે તમારી મર્યાદા સામેની ટીમ ઝડપથી ઓળખી લે છે અને તે મર્યાદા પર એટેક છે. સૂર્યાકુમાર આ વાતને બખૂબી જાણતો હતો તેથી તેણે મેચના દરેક તબક્કામાં કેવી રીતે રમવું તેની પણ પ્રેક્ટિસ કરી. જેમ કે, ટોપ ઓર્ડરમાં રમવાનું થાય ત્યારે સ્પીન બોલિંગને પણ લાંબા સમય સુધી રમવી પડે. તો તે વખતે રન મારીને વિકેટ કેવી રીતે ટકાવવી અને તે સમય ધીરજથી કેવી રીતે પસાર કરવો તે પણ અગત્યનું હોય છે. તે માટે મુંબઈના લાલ માટી પર પોતાની પ્રેક્ટિસ વધારી, જ્યાં બોલ વધુ સ્પિન થાય છે. અને પ્રેક્ટિસનો સમય પણ બપોરના 12થી 3 રાખ્યો જ્યારે પિચ ખૂબ ડ્રાય હોય છે. આ રીતે પ્રેક્ટિસ કરીને તેણે પોતાની રમતને ઇમ્પ્રૂવ કરી.
આ રીતે ઓફ સાઇડમા શોટ ફટકારવાની નબળાઈને પણ પ્રેક્ટિસથી જ દૂર કરી. આ પ્રેક્ટિસમાં કેટલાક એવાં શોટને જન્મ આપ્યો કે હવે સૂર્યાકુમારના સ્પેશિયલ શોટ વિશે માત્ર એક્સપર્ટ લખી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં અભિષેક પુરોહિતે સૂર્યાકુમારના આવાં વિવિધ શોટ વિશે લખ્યું છે. જેમાં પહેલો શોટ છે તે ‘નટરાજ સ્વિપ ઑવર ફાઇન લેગ’. આ શોટ સૂર્યાકુમારે ઇંગ્લેન્ડના જોફરા આર્ચરની બોલિંગમાં માર્યો હતો. અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં ચોથી ઓવરમાં આ શોટ સૂર્યાએ માર્યો હતો. ગુડ લેન્થ બોલને તે ઝડપથી પારખીને જમણો પગ ગ્રાઉન્ડ પર રાખીને તે ડાબા પગને હવામાં રાખીને લેગ સાઇડમાં ફાઇન લેગથી સિક્સ ફટકારે છે. આ શોટ રમતી વેળાએ તે બોલની ગતિનો ભરપૂર ઉપયોગ કરે છે. આ શોટ ક્રિકેટરો રમે જ છે પણ ગુડલેન્થ પર આ શોટ રમવો અઘરો છે, જે સૂર્યાકુમાર આસાનીથી રમે છે. આ શોટ સૂર્યાકુમાર રબરના બોલથી હાર્ડ સર્ફેસ પર રમતી વેળાએ શીખ્યો છે. એવો જ બીજો શોટ છે ફ્લિક બિહાઇન્ડ સ્કેઅર. આ બંને શોટ સૂર્યાકુમાર ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ અને દક્ષિણ આફ્રિકાના એનરીચ નોર્ત્જે સામે રમ્યો છે. બંનેનું પરિણામ સિક્સ છે અને તેમાં લેગ સાઇડમાં સ્કેઅર વિસ્તારમાં તે ફ્લિકથી માત્ર સિક્સ ફટકારે છે.
સૂર્યાકુમારે જે સૌથી અદ્ભુત શોટ વિકસાવ્યો તે છે ‘રેમ્પ ઓવર વિકેટકિપર’. આ શોટ તે જોફરા આર્ચર અને વેસ્ટ ઇન્ડિઝના અલ્ઝારી જોસેફ સામે રમ્યો છે. આ શોટ રમતી વેળાએ જ્યારે ઓફ સાઇડમાં બોલ હોય અને થોડો તે ઊંચો હોય ત્યારે સૂર્યાકુમાર બોડીને ‘સી’ શેપ આપીને બોલની ગતિનો ઉપયોગ કરીને એ રીતે બોલને દિશા આપે છે કે બોલ વિકેટકિપર ઉપરથી સીધો જ બાઉન્ડરી પાર કરે છે. એ પ્રમાણે ‘હેલિકોપ્ટર વ્હીપ ઓવર વાઇડ લોન્ગ ઓન’ પણ અવિશ્વસનીય શોટ છે.
સૂર્યાકુમાર આ રીતે છેલ્લા સમયમાં અદ્ભુત રીતે ક્રિકેટ રમી રહ્યો છે અને આશા રાખીએ કે તેને લાંબા સમય સુધી આ જ રીતે રમતાં જોઈ શકીએ.








