નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ મહેસાણા જિલ્લાના કડીમાં ધોળા દિવસે યુવકને જાહેરમાં છરીના ઘા મારવામાં આવ્યા છે. કડીના અલ મરિયમ રેસીડેન્સીમાં ઘર આગળ જગ્યાના ઉપયોગ બાબતે ચાલી રહેલી અંગત અદાવાતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, કડીમાં આવેલા અલ -મરિયમ રેસીડેન્સી જે હોળી ચકલા પાસે આવેલી છે. ત્યાં ઘાંચી બિલાલ ગુલામરસુલ(ઉ.45) પરીવાર સાથે રહે છે અને રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાત ચલાવે છે. તેમના ઘરની બાજુમાં રહેલા પાડોશી સાથે જગ્યા વાપરવા બાબતે છેલ્લા ઘણાં સમયથી તકરાર ચાલી રહી હતી. આ અદાવદમાં એક દિવસ અગાઉ રાત્રે ઝગડો થયો હતો. આ દરમિયાન આસપાસના લોકોએ મામલો થાળે પાડ્યો હતો.
આરોપી દ્વારા રાત્રે થયેલા ઝગડાને ધ્યાનમાં રાખી ગઈકાલે સવારના સમયે કડી ચબુતરા ચોક પાસે બિલાલ ઘાંચી અને તેમના પુત્ર રીક્ષા લઇને જઈ રહ્યા હતા ત્યારે તેમને ઉભા રાખી તમને મારી નાખવાના છે તેમ કહી ગડદા પાટુનો માર માર્યો હતો. આરોપીએ બિલાલને ગુપ્ત ભાગે છરીના ઘા માર્યા હતા. બિલાલને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ભાગ્યોદય હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મુતકના પુત્ર અલ્ફાઝ ઘાંચીએ આરોપી ફિરોજ ફકીમહમ્મદ ઘાંચી અને ઘાંચી અમ્માર ઈસબ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસ દ્વારા IPC – 302,323,504,506(2),114 મુજબ ગુનો દાખલ કરી આરોપીની ઘરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.








