નવજીવન ન્યૂઝ. સુરતઃ ટેક્નોલોજીનો વ્યાપ વધતા લોકો હવે ઓનલાઈન શોપિંગ તરફ વળ્યા છે. બીજીબાજુ ઓનલાઈન શોપિંગના નામે લોકોને છેતરવા કેટલીક ભેજાબાજ ટોળકી પણ સક્રિય થઈ છે. સુરત પોલીસે ઓનલાઈન પાર્સલ પહોંચાડતી કંપનીના કર્મચારી છેરપિંડી કરતા હોવાને લઈને પોલીસે 4 કંપનીના કર્મચારી અને બે અન્ય યુવકોની ધરપકડ કરી છે. MYNTRA કંપનીના કર્મચારી દ્વારા ગ્રાહકો દ્વારા રિટર્ન કરવામાં આવેલી પાર્સલમાંથી ઓરિજનલ વસ્તુને બદલીને હલકી ગુણવત્તાવાળી વસ્તુ મુકીને વેપારીને પરત મોકલી દેતા હતા.
સુરતના કતારગામ વિસ્તારમાં અને સારોલી રોડ પર આવેલી આશીર્વાદ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા અંબરીશ મિયાણી ઇન્ડોએરાડિઝાઈન નામથી ભાગીદારીથી કુર્તા, ડ્રેસ, કુર્તી વગેરેનું મેન્યુફેક્ચરિંગ કરીને ઓનલાઈન વેચાણનું કામ અલગ-અલગ કંપની દ્વારા કરતા હતા. જેમાંની એક કંપની MYNTRA હતી. તેઓ આ કંપની સાથે છેલ્લા ઘણા વર્ષોથી આ વેબસાઈડ પર તેમના માલનું ઓનલાઈન વેચાણ કરતાં હતા. ગ્રાહકોને પ્રોડક્ટ પસંદ ન આવે તો પરત કરવામાં આવતું હતું. પરંત કરેલા પ્રોડક્ટમાં MYNTRA કંપનીના કર્મી દ્વારા પાર્સલમાંથી ઓરિજનલ પ્રોડક્ટ કાઢી અને તેના બદલમાં હલકી ગુણવત્તાવાળી પ્રોડક્ટ રાખીને 15 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.
વેરાપીએ સમગ્ર બાબતે પુણા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા કંપનીના જ કર્મીની સંડોવણી હોવાની શંકા જતાં પોલીસે સુપર વાઈઝર દીપક રવીન્દ્ર પાટીલ, પીકઅપ બોય નીલેશ ઉર્ફે ભૂષણ સુરેશ પાટીલ, બાર કોડ સ્કેનર અઝહર કરીમખાન યુસુફખાન પઠાણ, પીકઅપ બોય સશાંક સુભાષ પાટીલ અને માલ વેચનાર એઝાઝ નાશીરખાન તથા મોહમદ જાવેદ સલીમ શેખની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, કંપનીના 4 કર્મચારીઓ ગ્રાહકો દ્વારા રિટર્ન કરવામાં આવેલા પાર્સલોમાંથી ઓરિજનલ પ્રોડક્ટ કાઢી અને તેના બદલમાં હલકી ગુણવત્તાવાળી પ્રોડક્ટ રાખીને વેપારીને પરત મોકલતા હતા જ્યારે ઓરિજનલ પ્રોડક્ટ એઝાઝ નાશીરખાન અને મોહમદ જાવેદ સલીમ શેખને વેચવા માટે આપી દેતા હતા.








