નવજીવન ન્યૂઝ (નવી દિલ્હી): યુદ્ધ દરમિયાન યુક્રેનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓએ MBBSના આગળના અભ્યાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એમની માગ એવી હતી કે, અમને ભારતની કોલેજ કે યુનિવર્સિટીમાં એડ્મિશન આપવામાં આવે. જેથી અમે આગળનો અભ્યાસ પૂરો કરી શકીએ. જેના જવાબમાં કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજૂ કરતા ગુરુવારે સોગંદનામું કરીને જણાવ્યુ હતું કે, આ સંજોગોમાં વિદ્યાર્થીને ભારતની મેડિકલ કોલેજમાં અધવચ્ચે પ્રવેશ આપવાનું કોઈ જ પ્રાવધાન નથી. જોકે આ કેસની આગામી સુનાવણી આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવશે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેનથી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓએ પરત આવ્યા હતા. જેમણે અધવચ્ચે જ ભણવાનું છોડવું પડ્યું અને ભારત પરત આવ્યા છે. તેમણે અહીં ભારતની મેડિકલ કોલેજોમાં એડ્મિશન મળે અને પોતાનું અધૂરું ભણતર પૂરું કરી શકે એ માટે સુપ્રીમ કોર્ટમાં અલગ અલગ અરજીઓ કરી હતી જેની સુનાવણી ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાની બેચમાં ચાલી રહી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે આ મુદ્દે જવાબ માગ્યો હતો.
વિદ્યાર્થીઓની અલગ અલગ અરજીના જવાબમાં ગુરુવારે કેન્દ્ર સરકારે કોર્ટમાં એફિડીવેટ રજૂ કર્યું હતું. જેમાં જણાવ્યુ હતું કે, NMC (National Medical Commission) તરફથી કોઈપણ ભારતીય મેડિકલ કોલેજમાં વિદેશમાં ભણીને આવેલા વિદ્યાર્થીને એડમિશન માટેની મંજૂરી નથી. કેન્દ્રએ સોગંદનામામાં એમ પણ જણાવ્યું હતું કે, Indian Medical Council અધિનિયમ 1956 અને National Medical Commission અધિનિયમ 2019 મુજબ કોઈ પણ ભારતીય મેડિકલ કોલેજમાં આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય એમ નથી.
જોકે કેન્દ્રએ એમ પણ જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કેન્દ્રએ MBBS પૂરું ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે ગત 6 સપ્ટેમ્બરે એક સાર્વજનિક નોટિસ જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, યુક્રેનની મેડિકલ કોલેજોની અનુમતિથી બાકી રહેલો અભ્યાસક્રમ અન્ય દેશોની મેડીકલ સંસ્થામાં વિદ્યાર્થીઓ પૂરો કરી શકે.








