નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે તેમ છતાં ગુજરાતમાં દારૂની હેરફેરથી કોઈ અજાણ નથી. ગુજરાતમાં અવાર-નવાર દારૂ પકડવાના કેસ સામે આવે છે. થોડા સમય અગાઉ ગુજરાતમાં લઠ્ઠાકાંડના કારણે ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેને કારણે હવે પોલીસ પણ દારૂના ગુનામાં કડક વલણ અપનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે દારૂની હેરફેર કરતાં બુટલેગર માટે ગુજરાતમાં દારૂ લાવવો એ મુશ્કેલ બની રહ્યું છે, પરંતુ આ બુટલેગર પણ પોલીસથી બે ડગલાં આગળ ચાલે છે. અમદાવાદમા એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ પોલીસના કપડાં પહેરીને દારૂની હેરફેર કરતો હતો, જેની હાલ અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, અમદાવાદનાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીને બાતમી મળી હતી કે એક વ્યક્તિ પોલીસના કપડાં પહેરીને દારૂની હેરફેર કરી રહ્યો છે. ત્યારે ચાંદખેડા પોલીસ દ્વારા બાતમીની જગ્યા ઉપર વોચ ગોઠવી હતી અને પોલીસ જેવા કપડામાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાતા ચાંદખેડા પોલીસે તેની તલાશી લીધી હતી, જેમાં આ વ્યક્તિ પાસેથી 28 જેટલી દારૂની બોટલ મળી આવી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી દારૂ લઈને આવે તે સમયે રસ્તામાં કોઈ હેરાનગતિ ન થાય અને પોલીસ પકડી ન લે તેના માટે તેમજ હોટલમાં રોકાવવા માટે આ વ્યક્તિ રાજસ્થાન પોલીસનો ડ્રેસ તેની સાથે રાખતો હતો. સમગ્ર બાબતને લઈને ચાંદખેડા પોલીસ દ્વારા અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધીને નકલી પોલીસ બનેલા બુટલેગરની ધરપકડ કર્યા બાદ આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આરોપીનું નામ મંગલસિંહ રાવત છે, આરોપી પોતાને રાજસ્થાન પોલીસનો હિસ્સો હોવાનું જણાવી રહ્યો હતો, પરંતુ જ્યારે અમદાવાદ પોલીસે તેની પાસે આઇડી કાર્ડ માગ્યું ત્યારે તેની પોલ ખુલ્લી પડી હતી. ત્યાર બાદ તેણે પોલીસ આગળ કબૂલાત કરી હતી કે તે પોતે પોલીસમાં ફરજ બજાવતો નથી પણ દારૂની હેરફેરમાં કોઈ હેરાનગતી ન થાય માટે પોલીસ હોવાનો વ્યંગ કરે છે.








