પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાત કેડરના એક પ્રમાણિક આઈપીએસ સાથે વાત નીકળી ત્યારે તેમણે કહ્યું તમે મને પ્રમાણિક માનતો હશો પરંતુ હું પ્રમાણિક છું તેવું હું પોતાને કહી શકું નહીં કારણ મારી ઓફિસમાં તમે આવ્યા અથવા કોઈ મિત્ર આવે ત્યારે ચા-કોફી આવે છે તેનું બીલ તો હું આપતો નથી, આવી નાની નાની અનેક ઘટનાઓ છે જે મારા હોદ્દાને કારણે મને સહજ રીતે મળે છે. જેનો હું લાભ લઉં છું પણ તેના માટે હું પૈસા આપતો નથી. એટલે હું નખશીખ પ્રમાણિક છું તેવું હું પોતે માનતો નથી. આ વાત નીકળી ત્યારે મને ગૌતમ મહેતા યાદ આવી ગયા, ગુજરાતી પત્રકારો તેમને બાવા કહી સંબોધતા હતા, ખરેખરે તેઓ ગુજરાતી પત્રકારત્વના સાધુ હતા. માત્ર દેખાવમાં જ સાધુ નહીં પણ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અને ગુજરાત સમાચાર જેવા મોટા અખબારમાં કામ કરતા હોવા છતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા તેમની સ્પર્શી શકી નહીં. મોટા અખબારમાં કામ કરતા હોવા છતાં રાઈ જેટલો પણ ભાર નહીં.
ગૌતમ મહેતા (Gautam Mehta) ગુજરાતી પત્રકારત્વનો એવો હિસ્સો કે કોઈ દાવો કરી શકે નહીં કે ગૌતમભાઈ મારા મિત્ર. કારણ તેમણે પોતાના કામને જ પોતાનો મિત્ર માન્યો હતો અને બનાવ્યો હતો. હું 1988માં સમભાવ અખબારમાં જોડાયો ત્યારે મેં આધેડ ઉંમરની વ્યકિતને જોઈ કોઈને પુછ્યું ત્યારે તેમનો પરિચય મળ્યો કે તેમનું નામ મહેશ મસ્ત ફકીર છે, તેઓ બહુ મોટા લેખક છે એક જમાનો હતો જ્યારે મહેશ મસ્ત ફકીરની ‘પોકેટ’ બુક ધુમ મચાવતી હતી. બીજો એક પરિચીય મળ્યો કે તેઓ ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં ગૌતમ મહેતા છે તેમના પિતા છે. પછી થોડા વર્ષો પછી હું ક્રાઈમ રિપોર્ટીંગમાં આવ્યો અને ક્યારેક કોઈ ઘટના સ્થળે કે પછી ક્રાઈમ કોન્ફરન્સમાં એક દાઢીવાળો માણસ જેમનો પહેરવેશ લગભગ લઘરવગર જ હોય તેઓ મળી જાય. મેં કોઈને પુછ્યું આ કોણ છે ત્યારે પહેલો પરિચય મળ્યો ગૌતમ મહેતા ક્રાઈમ રિપોર્ટર (Crime Reporter) છે.
પ્રેસ કોન્ફરન્સમાં મોટા ભાગે પત્રકારો આવે ત્યારે સૌજન્યના ભાગ રૂપે ચા-પાણી અને કયારેક નાસ્તો કરતા પણ હોય. પણ કોઈ તેમની સામે પાણી પણ ધરે તો જાણે તેમનો સામે કોઈ બોમ્બ લઈ આવ્યું હોય તેમ તે પાછા હટી જાય. ધીરે ધીરે બધાને ખબર પડી કે ગૌતમભાઈને ચા તો ઠીક પણ પાણી અંગે પણ પુછી શકાય નહીં. ટાઈમ્સ ઓફ ઈન્ડીયા (Times Of India) સીટી એડીટર રાધા શર્મા જુના દિવસો યાદ કરતા કહે છે. “1998માં હું ટાઈમ્સ ઓફ,ઈન્ડીયામાં જુનિયર રિપોર્ટર તરીકે જોડાઈ, મેં ગૌતમ મહેતા વિશે સાંભળ્યું હતું પણ મેં તેમને પહેલી વખત જોયા. ત્યારે લાગ્યુ કે પત્રકારત્વની એવી વ્યકિત છે જાણે ન ભુતો ન ભવીષ્યતી.” રાધા કહે છે “ત્યારે મોડી રાત સુધી અખબારની કચેરીમાં પત્રકારોની હાજરી રહેતી. અમે બધા કામ પુરુ કરી નીકળી જતા પણ ગૌતમ મહેતા મધ્યરાત્રી સુધી ટાઈમ્સની ઓફિસમાં તમને અચુક હાજર મળે. માત્ર ક્રાઈમની ઘટના જ નહીં કોઈ પણ બીટની એવી ઘટના ના હોય કે જે ગૌતમભાઈ ચુકી જાય.”
રાધા શર્મા કહે છે “વર્ષો સુધી હું એવું માનતી હતી કે ગૌતમભાઈ પાણી પીતા નથી અને જમતા નથી તેમનો ખોરાક તેમના સમાચારો જ છે, કારણ તેમને કોઈએ પાણી પીતા અને કંઈ પણ ખાતા જોયા તો પણ વર્ષની બેસ્ટ સ્ટોરી બની જાય તેવી વાત હતી. ગૌતમ મહેતાએ એક લાંબો ગાળો ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં પસાર કર્યો. એક દિવસ તેમણે અચાનક રાજીનામુ આપ્યું બધાને આશ્ચર્ય થયું કે સમાચારનો સર્જક હવે શું કરશે કારણ પત્રકારત્વ વગર તો ગૌતમભાઈ જીવી શકે જ નહીં, પણ ક્રાઈમ રિપોર્ટીંગ છોડી તેમણે ન્યૂઝ ફોટોગ્રાફર (Photographer) તરીકે એક નવી સફર શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડીયા છોડી તેઓ ગુજરાત સમાચારમાં ફોટોગ્રાફર તરીકે જોડાયા હતા.” ગુજરાત પોલીસ અને ફાયર બીગ્રેડમાં કામ કરી ચુકેલા જુના કર્મચારીઓ કહે છે ” દિવસ હોય કે રાત દરેક કલાકે ગૌતમ મહેતાનો ફોન કંટ્રોલ રૂમમાં અચુક આવે કે છે કોઈ બનાવ? અનેક વખત એવું બને કે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા ગૌતમ મહેતા સ્થળ ઉપર હાજર હોય.”
ફોટોગ્રાફર્સ તેમની મઝાક કરતા પણ તેમાં સત્યતા હોવાનો અવકાશ વધારે છે. ફોટોગ્રાફર કહેતા કે રાતે બાવા દર કલાકનું એલાર્મ મુકી સુઈ જાય અને એલાર્મ વાગે એટલે તરત કંટ્રોલ રુમને ફોન કરે, એટલું જ નહીં તેઓ પથારીમાં પણ બુટ પહેરી સુઈ જાય. જો કંઈક બને તો બુટ પહેરવા જેટલો પણ સમય બગડવો જોઈ નહીં. તેમની પાસે વાહનમાં એક લ્યુના મોપેડ હતું. 1983માં વહેલી પરોઢે અમદાવાદના કોતરપુર વોટર વર્કસ પાસે એક પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 130 લોકોના મોત નિપજયા હતા. અમદાવાદ ફાયર બ્રીગેડ અને પોલીસ સ્થળ ઉપર પહોંચે તે પહેલા ગૌતમ મહેતા લ્યુના મોપેડ ઉપર ત્યાં પહોંચી ગયા હતા. તેમનું લ્યુના તેમની જીવન સંગીની હતી. માત્ર અમદાવાદમાં જ નહીં પણ સ્ટોરી મળે તેમ અને તે પ્રમાણેની જાણકારી મળે તો તેઓ લ્યુના ઉપર રાજસ્થાન સુધી પણ ગયા હોવાની ઘટનાના સાક્ષીઓ છે.
તેઓ ફોટોગ્રાફર તરીકે ગુજરાત સમચાર (Gujarat Samachar) માં જોડાયા તે જમાનમાં તેમને પીએફ અને ગ્રેજયુટીના આઠ -દસ લાખ રૂપિયા આવ્યા હતા. તે બધી જ રકમ તેમણે ગુજરાત સમાચારની ફોટોગ્રાફી પાછળ વાપરી નાખી. ગુજરાત સમાચારના સંચાલકો ત્યારે રિપોર્ટર અને ફોટોગ્રાફરને મોટર સાઈકલ આપતા હતા. પહેલા તો ગૌતમ મહેતાએ મોટર સાઈકલ લેવાનો ઈન્કાર કર્યો, કહ્યું મને અખબાર પગાર આપે છે તો હું તેમની મોટર સાઈકલ કેવી રીતે લઈ શકું જુના મિત્રોએ તેમને બહુ સમજાવ્યા કે તમારુ લ્યુના જુનુ થઈ ગયું, મોટર સાઈકલ લઈ લો. ત્યારે માંડ માંડ તૈયાર થયા. ત્રણ દાયકા કરતા વધુ તેમને ગુજરાત સમાચારમાં ફોટોગ્રાફર તરીકે કામ કર્યું પણ તેમની ઉપર આંગળી મુકી શકાય તેવી એક પણ ઘટના નથી તેમના મનમાં ક્યારેય અફસોસ ન્હોતો કે મારી કોઈએ કદર કરી નહીં કારણ તે ખરા અર્થમાં સાધુ હતા.
આજીવન એકલા રહેવાનો તેમણે નિર્ણય કર્યો હતો. તેઓ સારા તબલા વાદક પણ હતા. કયારેક મન થાકે તો તબલા વગાડી લેતા હતા. તેમના વ્યકિતગત જીવન અંગે કોઈની પાસે માહિતી નથી કારણ તેમણે કોઈને તેમની વ્યકિતગત જીંદગીમાં પ્રવેશ કરવા દીધો ન્હોતો. ગુજરાત સમાચારના ચીફ રિપોર્ટર કહે છે “ગૌતમભાઈ પોતાની ધુનમાં મસ્ત હતા. લાંબા સમયથી તેઓ બીમાર હતા. ઓફિસમાં આવી શકતા ન્હોતા, એટલે ગુજરાત સમાચાર તરફથી સૂચના હતી કે તબીયત સારી થાય નહીં ત્યાં સુધી કામની ચિંતા કરતા નહીં.” પણ મુકુંદ પંડયા કહે છે “ગૌતમભાઈ અવારનવાર ફોન કરી પુછતાં કે હું ક્યારથી ઓફીસ આવું, તેમને ઓફિસ આવવું હતું. પણ આજે સવારે સમાચાર મળ્યા કે ગૌતમ મહેતા અલવીદા કહી ગયા છે. ખરેખર ગૌતમ મહેતા હવે એક દંતકથા બની ગયા.