નવજીવન ન્યૂઝ. મોરબી: દેશમાં આજે આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત અને દેશના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા અવનવી રીતે આઝાદીના આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબીના એક કલાકારે પોતાની અનોખી કળા દ્વારા દેશભક્તિ વ્યક્ત કરી હતી. આ કલાકાર પેન્સિલની લીડ ઉપર કોતરણી કરીને વિવિધ આકૃતિઓ બનાવે છે. આજે તેમણે પોતાની કળા દ્વારા ભારતની આઝાદીની ઉજવણી કરી હતી.
આઝાદીના 75મા વર્ષની ઉજવણી નિમેત્તે પ્રધાનસેવક નરેન્દ્ર મોદી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની જાહેરાત કરવામાં આવી હતી અને આ મહોત્સવ અંતર્ગત આખું વર્ષ આઝાદીના 75મા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. દેશના નાગરિકો પણ ઉમળકાભેર આ મહોત્સવમાં જોડાયા હતા અને આઝાદીની ઉજવણી કરી હતી. આ મહોત્સવની ઉજવણી કરવા માટે મોરબીના કમલેશ નગવાડીયાએ પોતાની અનોખી કળા પ્રદર્શિત કરીને ઉજવણી કરી હતી.
કમલેશ નગવાડીયાએ આઝાદીના આ પર્વની ઉજવણી માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો લોગો પેન્સીલની લીડ પર કંડાર્યો છે. દેશભક્ત યુવાને આઝાદીની 75મી વર્ષગાંઠની અનોખી કળાથી ઈસરોનું રોકેટ તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષનો લોગો કંડારી પોતાની કળાનો નમુનો રજૂ કર્યો હતો.








