Friday, June 26, 2026
HomeGujaratઅદાણી CNG ગેસમાં 2 દિવસમાં બીજીવાર ભાવ વધારો, નવો ભાવ આજથી અમલમાં

અદાણી CNG ગેસમાં 2 દિવસમાં બીજીવાર ભાવ વધારો, નવો ભાવ આજથી અમલમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: મોંઘવારીનો બોજ સહન કરી રહેલી જનતા પર વધુ એક નહીં પણ ફટકા પર ફટકો ચાલુ થયો છે. ગુજરાતમાં ગેસની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં આજે ફરી અદાણી CNG ગેસમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. બે દિવસ બીજી વાર અદાણી CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 2 ઓગસ્ટએ 1.99 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી 1.49 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 2 દિવસમાં પ્રતિ કિલો CNG ગેસના ભાવમાં રૂ. 3.48નો વધારો થયો છે. CNGના ભાવ વધારાથી સામાન્ય માણસ મજબૂર બન્યો છે.

ગુજરાતની જનતા માટે હવે CNG, પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલ સહિતની જરૂરિયાતની વસ્તુઓમાં સતત થતો ભાવ વધારો માથાનો દુખાવો બન્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે બે પૈસા બચાવવા માટે જે લોકોએ વાહનોમાં CNG કીટ નખાવી હતી, અથવા CNG વાહન વસાવ્યું હતું તેમના રાતાપાણી રોવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં અદાણી CNG ગેસમાં ભાવ વધારાના કારણે નવો ભાવ 87.38 રૂપિયા પર પહોંચી ગયો છે. એક મહિના અગાઉ CNGના ભાવમાં 1.31 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ મહિનાની શરૂઆતમાં જ બે વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે રીતે CNG ગેસમાં ભાવ વધારો થઈ રહ્યો છે તે જોતાં આવનાર દિવસમાં CNGનો ભાવ પેટ્રોલ ડીઝલને પણ આંબી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -

ગુજરાતમાં CNGનો ભાવ એક વર્ષ અગાઉ 52 રૂપિયાની આસપાસમાં હતો. જો કે એક વર્ષમાં જ 35 રૂપિયા જેટલો ભાવ CNG ગેસમાં વધી ગયો છે. ગુજરાતની સામાન્ય જનતાને જૂનો ભાવ પાછો ક્યારે આવશે તેના સપના જ જોવાના રહ્યા છે. જોકે ચૂંટણી સમય નજીક આવી રહ્યો છે ત્યારે પ્રજાને ખુશ કરવા ફરી સામાન્ય ભાવ ઘટાડો થાય અને જનતા પાછી ખુશ પણ થઈ જાય તો નવાઈ નહીં. ગુજરાતમાં CNGના ભાવ વધારાના કારણે સીધી અસર રિક્ષા ચાલકોને પડી રહી છે. જોકે એક મહિના અગાઉ જ રિક્ષા ચાલકોએ CNGના ભાવ વધારાનો ઉગ્ર વિરોધ કરતાં સરકાર તરફથી રિક્ષાના સામાન્ય ભાડામાં વધારો કરી આપતા શાંત પડ્યા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular