પ્રશાંત દયાળ (દારૂબંધી ભાગ-6): ગુજરાતમાં એક પણ દારૂનો અડ્ડો એવો નથી કે પોલીસની જાણ બહાર ચાલી શકે, જૂજ કિસ્સામાં એવું બને કે બે-પાંચ દિવસ કોઈ દારૂનો અડ્ડો પોલીસની જાણ બહાર ચાલી જાય, પરંતુ 99 ટકા દારૂના ધંધા પોલીસની પૂર્વ મંજૂરીથી જ ચાલે છે. ગુજરાતમાં અનેક IPS અધિકારીઓ એવા છે કે જેઓ દારૂના જ નહીં, પરંતુ કોઈ પણ પ્રકારના બે નંબરના ધંધાની ઉપરની કમાણી લેતા નથી. છતાં ઉપરની કમાણી પોતાના તાબાના અધિકારીઓ લે ત્યારે તેમને રોકવા આ પ્રમાણિક અધિકારીઓને મોંઘું પડી શકે તેમ છે. ગુજરાત પોલીસની જે વર્તમાન વ્યવસ્થા છે અને ગુજરાતની જે કાયદો અને વ્યવસ્થાની સારી બાબત છે તેને જાળવી રાખવા દારૂની કમાણીના પૈસા બહુ મહત્વના છે.
મુંબઈ પોલીસ પછી ગુજરાત પોલીસનું નામ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અભિમાન પૂર્વક લઈ શકાય તેવી સ્થિતિ ગુજરાત પોલીસની છે. ખાસ કરીને વિવિધ પ્રકારની એજન્સીસ જ્યારે ઓર્ગેનાઇઝ્ડ ગેંગ સામે કામ કરે છે તેમના માટે દારૂમાંથી મળતી ઉપરની આવક તપાસના કામે બહુ મહત્વની સાબિત થાય છે. સામાન્ય છાપ એવી છે કે દારૂમાંથી મળતી આવક અધિકારીઓની ભાગબટાઈ થાય છે, પરંતુ વાસ્તવિકતા એવી છે કે ગુજરાતનાં અનેક IPS અધિકારીઓ દારૂની કમાણીથી પોતાને દૂર રાખવામા સફળ રહ્યા છે. આ પ્રમાણિક અધિકારીઓને ખબર છે કે તેમના તાબાના અધિકારીઓ દારૂના પૈસા લે છે, છતાં તેઓ તેમને નજરઅંદાજ એટલા માટે કરે છે કે રોજબરોજના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, રાજ્યમાં અને રાજ્યની બહાર તપાસ માટે જવા માટે જે ખર્ચ થાય છે તેની કોઈ જોગવાઈ રાજ્ય દ્વારા કરવામાં આવી નથી.
ક્રાઇમના વિશ્વમાં પોલીસને ક્યારે અને કેવી રીતે માહિતી મળશે તે નક્કી હોતું નથી. નિયમ પ્રમાણે તો રાજ્ય બહાર તપાસ માટે અને કોઈ આરોપીને પકડવા જતાં પહેલા DGP કચેરીની મંજૂરીની જરૂર હોય છે. DySPથી નીચેની કક્ષાના અધિકારીઓ હવાઈ માર્ગે મુસાફરી કરી શકતા નથી. આમ જો પોલીસ નિયમોને આધીન કામ કરવા જાય તો દસમાંથી નવ આરોપી તેમના હાથમાંથી છટકી જાય. હાલની સ્થિતિ એવી છે કે ગુજરાત અને ગુજરાતની બહાર જતી પોલીસ સ્વખર્ચે(દારૂના પૈસામાંથી થયેલી આવક) તપાસમાં જાય છે. ખાનગી વાહનો કે પછી હવાઈ માર્ગે તેઓ નિર્ધારિત સ્થળે પહોંચે છે. અનેક વખત સપ્તાહો સુધી તે શહેરમાં ધામાઓ નાખીને બેસી રહેવું પડે છે તેમાં પણ હજારો કે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. તપાસના કે આરોપીને પકડવા માટે થતો ખર્ચ પોલીસ અધિકારી લેવા જાય તો નિયમોના ગૂંચવાડામાં તે મળે જ નહીં.
આ એક કડવું સત્ય છે કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે કામ કરી પોલીસ પોતાના ખિસ્સાના ખર્ચે જેને લોકો બે નંબરની કમાણી કહે છે તેનો ઉપયોગ કરીને આરોપીને પકડે છે. આ તમામ બાબતોથી સિનિયર IPS ઓફિસર્સ વાકેફ છે. કોઈ એક પોલીસ ઈન્સ્પેક્ટરને પોતાનું પોલીસ સ્ટેશન ચલાવવા માટે પણ સરકારી વ્યવસ્થા ઉપરાંત મહિને ઓછામાં ઓછા 50 હજારથી એક લાખનો ખર્ચ થાય છે. જોકે તપાસના કામે હજારો અને લાખો રૂપિયા ખર્ચી નાખતા આ અધિકારી આ પૈસા ક્યાંથી લાવ્યા તેવું તેમને કોઈ સિનિયર ઓફિસર પૂછતાં નથી. એટલે જ પ્રમાણિક અધિકારીઓ માટે દારૂની પ્રવૃત્તિને નજરઅંદાજ કરવી અનિવાર્ય બની જાય છે.
(ખાસ નોંધ: ગુજરાતમાં ચાલતી દારૂની પ્રવૃત્તીની વ્યવસ્થા કેવી રીતે ચાલે છે તે દર્શાવવાનો પ્રયાસ છે ગુજરાત પોલીસના અનેક અધિકારીઓ પ્રમાણિકપણે પોતાનું કામ કરે છે અને ધંધાની કમાણીથી પોતાને દુર રાખી શક્યા છે એટલે કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં એક સંજોગ છે કે અહિયા ઉલ્લેખ હોદ્દા અથવા કચેરીમાં તેઓ કાર્યરત છે પણ તેઓ ધંધામાં સામેલ જ છે તેવુ કોઈ વાચકે માની લેવુ નહીં)