નવજીવન ન્યૂઝ. ભરૂચ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી દ્વારા સતત ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘેરવા માટે દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય માણસના બજેટ ઉપર બોજો આવી ગયો છે. તાજેતરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા GST નાખવામાં આવ્યો છે. વધતી જતી આ મોંઘવારીના વિરોધમાં આજે AAP દ્વારા ભરૂચમાં પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આજે ભરૂચમાં પાંચબત્તી ખાતે 25 ફાંસીના ફંદા બનાવીને ભરૂચ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગેસ, વીજળી, અનાજ, કઠોળ અને પેટ્રોલ-ડીઝલ સહિતના પ્લે કાર્ડ સાથે મોંઘવારીને ફાંસી આપતો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગરીમાં ગુજરાતની પ્રજા પીસાઈ રહી છે તેવા નારા અને પ્લે કાર્ડ સાથે ભરૂચમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ AAPના આગેવાન આકાશ મોદીએ જણાવ્યું હતું કે, “ભાજપ સરકારના રાજમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે આજે અમે વિરોધ નોંધાવ્યો છે. ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં અને નેતૃત્વ વિહીન વિપક્ષ કોંગ્રેસના કારણે ગુજરાતની પ્રજા પીસાઈ રહી છે, ત્યારે ગુજરાતની જનતા માટે આપ જ એક વિકલ્પ છે. ભાજપ સરકારના અન્યાય અને શોષણ સામે વિરોધ ઉઠાવતા આ સરકાર અંગ્રેજોને પણ શરમાવે તે રીતે દબાવી દઈ જોર જુલમ કરી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.”
ભરૂચ AAPના પ્રમુખ ઉર્વી વાલાણીએ આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, “તમામ ચીજવસ્તુઓ મોંઘી થતા લોકોનું જીવવું શુ મરવું પણ મુશ્કેલ બની ગયું છે, ત્યારે રાજ્યમાં આ અસ્થિરતાઓને દૂર કરવા આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસના પર્યાય રૂપે ઉતરી છે.” પાંચબત્તી ખાતે ફાંસીના ફાંદા બનાવી આપના વિરોધ પ્રદર્શનને લઈ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પોલીસે 7 આપ આગેવાનો ઊર્મિ પટેલ, આકાશ મોદી, તેજસ પટેલ, અભિલેશ ગોહિલ, પિયુષ પટેલ, ગોપાલ રાણાની અટકાયત કરી હતી.








