Monday, May 11, 2026
HomeGujaratરાજકોટ CPએ ઓનલાઈન FIR કરવા અંગેની માહિતી આપી, અમિત શાહ 23 જુલાઇએ...

રાજકોટ CPએ ઓનલાઈન FIR કરવા અંગેની માહિતી આપી, અમિત શાહ 23 જુલાઇએ શરૂ કરાવશે આ સેવા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં હવે ડિજિટલ યુગમાં પોલીસ પણ ડિજિટલ બની રહી છે. ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં હવે કોઈ પણ નાગરિક વાહન ચોરી અથવા મોબાઈલ ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી 23 જુલાઇના રોજ ગુજરાત આવી રહ્યા છે તે દરમિયાન તેમણે કેટલીક યોજનાની શરૂઆત કરાવશે. જેમાં ઇ-FIR મહત્વની જાહેરાત માનવામાં આવી રહી છે. આજે 21 જૂલાઈના રોજ રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવે E-FIR પ્રોજેક્ટની માહિતી આપી હતી.

રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, “નાગરિકોને મોબાઈલ અને વાહન ચોરીની ફરિયાદ કરવા માટે હવે પોલીસ સ્ટેશન નહીં જવું પડે. નાગરિકો પોતાના મોબાઈલમાં સિટિઝન ફર્સ્ટ એપ અથવા સિટિઝન પોર્ટલ પરથી જ ફરિયાદ નોંધાવી શકે છે. વાહન કે મોબાઈલ ચોરી સમયે નાગરિકો ઉપરોક્ત એપ્લિકશન અથવા વેબસાઈટ પર જઈ પોતાના નંબર અને વિગતનો ભરી લોગ ઈન કરીને ફરિયાદ નોંધાવી શકે છે. મહત્વની વાત છે કે ઓનલાઈન FIR નોંધતાની સાથે જ ફરિયાદીને રજીસ્ટર નંબર પર કાર્યવાહીની તબક્કાવાર માહિતી મેસેજથી મળતી થશે. સાથે જ ચોરી થયેલા મુદ્દામાલ મેળવવા માટે પણ ફરિયાદીને કોર્ટના ધક્કા ખાવામાંથી પોલીસ પહેલેથી જ કલમ CRPCની 102ની જોગવાઈથી મળેલો પાવર ઉપયોગ કરી મુક્તિ આપશે.”

- Advertisement -

E-FIRમાં ફરિયાદ થતાની સાથે જ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીના નામ સહિતની વિગતો ફરિયાદીને મોકલી દેવામાં આવશે. ફરિયાદીના જણાવ્યા મુજબ ગુનાના સ્થળ લાગુ પડતા પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં નહીં હોય તો તે ફરિયાદ લાગુ પડતા ક્ષેત્રમાં મોકલી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરે જણાવ્યા અનુસાર ફરિયાદ થયાના 48 કલાકમાં જ ફરિયાદીની વિગતો ચકાસી ગુનો બને છે કે કેમ તે તપાસી તપાસ અધિકારીને નિર્ણય કરવાનો રહેશે. જો 72 કલાકમા ફરિયાદનો નિકાલ નહીં થાય તેવા કિસ્સામાં તે પેન્ડિંગ ફરિયાદનો મેસેજ ચોથા દિવસે નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમશનરને જશે. જો આ અધિકારીઓ પણ તેનો નિકાલ 24 કલાકમાં નહીં કરે તો પેન્ડિંગ ફરિયાદનો મેસેજ પોલીસ કમિશનર કે પોલીસ અધિકક્ષને જશે અને 5 દિવસ (120 કલાકમાં) જો નિર્ણય નહીં થાય તેવા કિસ્સામાં પોલીસ અધિકક્ષ કે નાયબ પોલીસ કમિશનર જે તે અધિકારીની જવાબદારી નક્કી કરી શિક્ષાત્મક પગલા ભરશે.



સૌથી મોટી અને રાહતની વાત છે કે, E-FIRથી ફરિયાદ નોંધાવ્યા બાદ ઈ-ગુજકોપમાં FIR દાખલ થયાના 30 દિવસમાં કેસની ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવશે તેમજ આ FIRની કોપી નાગરિકો સિટિઝન પોર્ટલ પરથી મેળવી શકશે. 30 દિવસમાં ચાર્જશીટ નહીં થાય તે કિસ્સામાં પણ ઉચ્ચ અધિકારીને તેની માહિતી મેસેજ મારફતે થઈ જશે.

- Advertisement -

લોકોને વાહન કે મોબાઈલ ચોરીના કિસ્સામાં પોલીસ ફરિયાદની જરૂર હોય છે ત્યારે મોટાભાગના લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હતો. પરંતુ E-FIRના શરૂ થયા બાદ ફરિયાદીએ વિમા કંપનીની પોલીસી સહિતની વિગતો આપી હશે તો સીધા જ કંપનીમાં ક્લેમ માટે તૈયાર ડોક્યુમેન્ટ મળી શકે છે. FIRની માહિતી વિમા કંપનીને મોકલી દેવામાં આવશે જેથી ક્લેઈમ મંજૂર કરાવવામાં પણ મુશ્કેલી નહીં થાય તેવી આશા રાખી શકાય છે.



ઓનલાઈન FIR નોંધાવવામાં જો કોઈ મુશ્કેલી પડે તો વેબાસાઈટ કે એપ્લિકેશનમાં જણાવ્યા મુજબના કોલ સેન્ટર પર કોલ કરી શકાય છે. સાથે જ નાગરિકો ચાહે તો ઓફલાઈન FIR પણ દાખલ કરાવી શકે છે જે માટે પોલીસ સ્ટેશનને રાબેતા મુજબ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા કરવાની રહેશે તેમાં આનાકાની નહીં કરી શકાય. ટૂંકમાં નાગરિકો ઓફલાઈન કે ઓનલાઈન કોઈ પણ માધ્યમથી ફરિયાદ દાખલ કરી શકે છે, પરંતુ મોટા ભાગે લોકો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનું પસંદ કરતા નથી માટે ઓનલાઈન જ FIR દાખલ કરવાની પ્રક્રિયા કરશે તેવું જણાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular