જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ જેવા સ્માર્ટસિટીમાં 28 વર્ષથી રહ્યા બાદ ક્યારેય મેં એવું સપને પણ વિચાર્યું ન હતું કે મારે એક રાત રસ્તા પરના ટ્રાફિક વચ્ચે વિતાવવી પડશે, પરંતુ ગઈકાલે અમદાવાદ માફ કરશો સ્માર્ટસિટી અમદાવાદમાં વરસાદ પછી સર્જાયેલી સ્થિતિમાં જે વિચાર્યું ન હતું, જે જોયું ન હતું, તેવા કેટલાય અનુભવોમાંથી પસાર થવું પડ્યું કદાચ હું એકલો જ નહીં અમદાવાદના ઘણા લોકોએ આ અનુભવ્યું હશે તેવું મારું માનવું છે કારણ કે તેઓ પણ મારી સાથે ટ્રાફિક જામ ધરાવતા રસ્તાઓ પર ફસાયા હતા. હું સાંજના સાત વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી ટ્રાફિક જામમાં રહ્યો અહીં તેની વાત કરવા જઈ રહ્યો છું.
રવિવારનો દિવસ હોવાથી આજે ઘરે બહેન તેમની મનપસંદ એવી પાણીપૂરી બનાવવાનો પ્લાન કર્યો હતો. ઘણા દિવસથી પાણીપુરી ખાધી ન હોવાના કારણે આજે તો બરાબરની બેટિંગ કરવાનો ઇરાદો હતો. એવામાં સાંજે 7 વાગતા એક જરૂરી ફોન આવી જતાં વસ્ત્રાપુર જવાનું થયું. ઝરમર વરસાદ વરસતા મેં ગાડી લઈને જવાનું નક્કી કર્યું. રસ્તામાં ક્યાંક ધીમો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો હતો. વસ્ત્રાપુરથી કામ પૂરું કર્યા બાદ 8:30 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરવા નીકળ્યો. આ સમય દરમિયાન વરસાદ પવન સાથે ખૂબ ઝડપી વરસી રહ્યો હતો. વરસાદના છાંટા જે રીતે ગાડી પર પડી રહ્યા હતા તેનો અવાજ ગાડીની અંદર સંભળાઈ રહ્યો હતો. મેં વરસાદની ગંભીરતા લઈને જેટલું શક્ય થાય તેટલું જલ્દી ઘરે જવાનો નિર્ણય મગજમાં કર્યો, પણ આ સ્માર્ટ શહેર મારા કરતાં વધુ સ્માર્ટનેશ બતાવી ગયું.

વસ્ત્રાપૂરથી નેહરુનગર સુધી અંદાજિત 15 મિનિટ જેટલા સમયમાં પહોંચ્યો હતો. જ્યાં રસ્તામાં સામન્ય ટ્રાફિક હતો અને પાણીનો ભરાવો એટલો બધો ન હતો, પરંતુ જેવું નહેરુનગર ચાર રસ્તા પાર કર્યા અને મુસીબતો જાણે કે મારી રાહ જોઈ રહી હતી. નહેરુનગર ચાર રસ્તા ક્રોસ કરીને માણેકબાગ તરફ આગળ જવા માટે નીકળ્યો ત્યાં તો રસ્તાઓ પર વાહનોની હારમાળા ખડકાએલી હતી. માંડ 10થી 15 મિનિટમાં એકથી બે ઇંચ જેટલી ગાડી આગળ જાય તેવી પરિસ્થિતી હતી. આ ટ્રાફિક આગળ ભલભલો ટ્રાફિક જામ પણ ટૂંકો પડી જાય તેમ હતો. ટ્રાફિક જામમાં ઘડિયાળના કાંટાની જેમ અમે આગળ વધતા હતા (ભાઈ સેકન્ડ કાંટાની જેમ નહીં કલાકના કાંટાની જેમ) સમય ટ્રાફિકમાં ક્યાં પસાર થઈ રહ્યો હતો તેનું કોઈ ભાન જ ન હતું. તેવામાં ઘરેથી ફોન આવ્યો કેટલી વાર છે જમવામાં બધા તારી રાહ જોઈ રહ્યા છે. 10 વાગ્યા હવે ભૂખ લાગી છે જલ્દી આવી જા વરસાદ પણ બહુ પડે છે. મેં કહ્યું ટ્રાફિકમાં ફસાયો છું થોડીક વારમાં ઘરે આવી જઈશ અને ફોન કટ કર્યો.
જેમ જેમ માણેકબાગ તરફ હું આગળ જઈ રહ્યો હતો તેમ તેમ રસ્તા પર પાણીનું સ્તર વધી રહ્યું હતું. જેવો માણેકબાગ બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક પહોંચ્યો ત્યાં તો ગાડીમાં પણ પાણી આવવાનું શરૂ થઈ ગયું હતું. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. બીઆરટીએસની ઘણી બસ તેના રૂટમાં વારાફરતી થંભી રહી હતી. પાણી ભરવાના કારણે બસ આગળ ન જતાં મુસાફરો પણ ચાલતા આગળ જઈ રહ્યા હતા અને હું આ બધા દૃશ્ય ગાડીમાંથી જોઈ રહ્યો હતો અને વિચારતો હતો કે ક્યાંક હું પણ બસમાં હોત તો ચાલતી પકડી લીધી હોત, ક્યારે ઘર આવશે? ક્યારે ટ્રાફીકજામ અને ભરાયેલા પાણી ઉતરશે?.
રાત્રે 11 વાગે ટ્રાફિક વચ્ચે ગમેતેમ કરતાં કરતાં માણેકબાગ પહોંચ્યો. સામાન્ય દિવસોમાં નહેરુનગરથી માણેકબાગ સુધી પહોંચવામાં પાંચ મિનિટથી વધુ થતું ન્હોતું, કારણ માંડ દોઢેક કિલોમીટરનો રસ્તો હશે આ, આ બાજુ જ્યારે પણ બાજુમાંથી કોઈ બસ પસાર થતી તો પાણીના વહેણમાં મારી ગાડી પણ ફંગોળાઈ જતી હતી એવું પાણી ભરાયું હતું. એક ભાઈને તો યુટર્ન લગાવતા વખતે જ બસ પસાર થઈ તો યુ ટર્નને બદલે ફૂલ ટર્ન વાગી ગયો, આગળ અનેક ગાડીઓ બંધ થતી હું નજરે જોઈ રહ્યો હતો, ગાડીમાં પાણી જ પાણી થઈ ગયું હતું. આ સમયે ગાડી બંધના થાય એટલે હું સતત ભગવાનને મનમાં ને મનમાં પ્રાથના કરી રહ્યો હતો. ગાડી ચાર રસ્તાની વચ્ચોવચ ઊભી હતી. આગળ એક ખાનગી બસ બંધ પડી ગઈ હતી. જેને કેટલાક લોકો ધક્કા મારી રહ્યા હતા. સિટીને સ્માર્ટ કરવામાં એક માત્ર બસ પસાર કરવા માટે મોટો રસ્તો અને બીજા વાહનો માટે અલગ રસ્તો આ ગણીત હાલની સ્થિતિ માટે ખોટા સાબિત થઈ રહ્યા હતા.

એટલે મેં બીઆરટીએસના માર્ગમાંથી નીકળવાનું નક્કી કર્યું પરંતુ ત્યાં પણ એક બીઆરટીએસ બંધ પડેલી હતી. મારી ગાડીની પાછળ પણ કેટલીક ગાડીઓ હતી. હવે મારી જોડે પાછા વળવાનો પણ કોઈ રસ્તો ન હતો. ખાનગી બસને ધક્કોમારીને કેટલાક લોકોએ હટાવી. તેવામાં આગળ એક ભાઈ આવ્યા અને કહ્યું કે મારી ગાડીમાં એક વૃદ્ધ છે જે ચાલી શકે તેમ પણ નથી આગળ સુધી પ્લીઝ બેસાડી લો. મેં વાહન ચાલક અને તેમની સાથે રહેલા વૃદ્ધને ગાડીમાં બેસાડયા.
આગળ બંધ બસ હટતા જ મેં તે રસ્તા તરફ જવાનું વિચાર્યું, ગાડીમાં બોનેટ સુધી પાણી આવી ગયું હતું અને અનેક પ્રકારના અવાજ આવવા લાગ્યા હતા. ક્લચ પર સતત પગ મુકીને પગ પણ હવે ધ્રૂજવા લાગ્યા હતા. પત્રકારત્વના ક્ષેત્રમાં આવ્યા બાદ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવાની હવે ટેવ પડી ગઈ હતી પરંતુ આ વખતની મુશ્કેલી કંઈક અલગ જ લાગી રહી હતી. જ્યાં ફોર્ચ્યૂર્નર જેવી મોટી ગાડીઓ બંધ થઈ ગઈ હતી. તેવા રસ્તા પરથી ગાડી માંડ માંડ ધરણીધર ઓવરબ્રિજ સુધી પહોંચી. હું હજી પણ આને ઈશ્વરનો ચમત્કાર જ માનું છું, ઓવરબ્રિજ પર ગાડીઓને સાઈડમાં રાખીને અસંખ્ય લોકો ઊભા હતા. મેં પણ સાઈડમાં ઊભી રાખીને બહાર નીકળીને પહેલા મનને શાંત કર્યું. એટલામાં એક બસ પસાર થતાં તેને હાથ થંભાવીને ઊભી રાખી અને મારી સાથે રહેલા વૃદ્ધ અને બીજા એક વ્યક્તિને તેમાં બેસાડી દીધા. હવે હું પ્લાસ્ટિકના ગ્લાસ વડે કારમાં ભરાઈ ગયેલું પાણી કાઢતો હતો. આજુ બાજુ વરસાદનું ઘણું પાણી હતું પણ થાક્યો એવો હતો કે પીવાના પાણીના ફાંફા પડી ગયા હતા. 1 કલાકની મહેનત બાદ શક્ય બને એટલું પાણી કાઢી બ્રિજ પર જ ગાડી મૂકીને ચાલતા આગળના રસ્તા પર ભરાયેલા પાણીનો તાગ મેળવવા ચાલતો નીકળ્યો. ધરણીધર તરફના પુલના છેડે પણ એટલું પાણી હતું જેટલું માણેકબાગ હતું. મેં મદદ માટે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરવા માટેનું વિચાર્યું પણ આગળના રસ્તા પાસે એક પોલીસની ગાડી ઊભી હોવાથી વિચાર ટાળી દીધો.
ત્યાં ઉભેલા લોકો સાથે વાતચીત કરીને ફોટો અને વીડીયો લેવાનું શરૂ કરી રિપોર્ટિંગ ચાલુ કર્યું. બ્રિજની નીચેના રોડ પર વાહનો પાણીમાં તણાઇ જતાં ત્યાં જ વાહન મૂકીને વાહનચાલકો નીકળી ગયા હતા. એટલામાં ધરણીધર સાઈડથી એક એમ્બુલન્સ સાઇરન મારતી આવી રહી હતી. પરંતુ પાણી ભરાયા હોવાના કારણે થોડી વાર તે ત્યાં જ થંભી ગઈ અને પાછી જતી રહી. અનેક ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાણીમાંથી નીકળવાનો સાહસ કરી રહ્યા હતા અને બધાના વાહનો પાણીમાં જેમ જીવ છોડી દેતા હોય તેમ બંધ પડી રહ્યા હતા. ધક્કો મારીને બ્રિજની ઉપર ઉંચાઈ વાડી જગ્યાએ લાવવાનો પ્રયન્ત કરી રહ્યા હતા. મેં રિપોર્ટિંગ કરવાનું બંધ કરીને પાણીમાં ફસાયેલા વાહન ચાલકોને મદદ કરવાનું નક્કી કરી ગાડીઓને ધક્કા મારવાનું શરૂ કર્યું. ટુ વ્હીલર વાહનોમાં દેશી જુગાડ કરી આગળના ટાયરને ફૂટપાટ પર ચઢાવી ઊંચી કરીને સાઈલેન્શરમાંથી પાણી કાઢીને ચાલુ કરવાનો પ્રયત્ન કરતાં કેટલાક વાહનો ચાલુ થઈ ગયા.

ગાડીઓને સતત ધક્કાઓ મારીને હવે શરીરમાં થાકનો અનુભવ થઈ રહ્યો હતો. પાણીની તરસ અને ભૂખ પણ ખૂબ લાગી હતી છેલ્લા 6 કલાકથી પાણી જ પીધું ન હતું. આજુ બાજુ ઊભેલી કારમાં પાણી માગવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંયથી મળ્યું નહીં. એટ્લે ધરણીધર તરફ ચાલતો થયો કમર સુધી પાણીમાંથી બહાર નીકળ્યા પછી થોડી આગળ દુકોનો જોવા મળી પણ રાત્રે 1 વાગી ગયો હોવાથી દુકાનો બંધ હતી. આખરે એક દુકાનમાંથી પાણીની બોટલ અને નાસ્તાના પડિકા લીધા અને પાછો ગાડી પાર્ક કરી હતી તે તરફ ચાલતી પકડી. 5-10 રૂપિયાના પડીકાઓએ પણ ફાઈવસ્ટાર જેવી અનુભૂતિ આપી હતી. વરસાદના કારણે મોબાઈલ ગાડીમાં જ મૂક્યો હતો, આવીને ચેક કરતાં ઘરેથી એક ડઝન જેટલા ફોન આવી ગયા હતા. ઘરે વાત કરી અને વરસાદમાં ફસાયો છું અને હાલ સેફ જગ્યા પર છું ઘરે આવવામાં મોડુ થવાનું જણાવ્યું. નાસ્તો કર્યા પછી ગાડીમાં બેઠો રહ્યો તેટલા 2 વાગે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો. આગળના રસ્તા પર પાણી ઉતારવાની જે આશા હતી તે પાણીમાં જ વહી ગઈ એટ્લે મેં ગાડીમાં જ સૂઈ જવાનું નક્કી કર્યું. સવારે 5 વાગતા આંખ ખૂલતાં હવે કોઈ પણ પરિસ્થિતીમાં ઘર તરફ જવાનું નક્કી કરીને જેમ તેમ ઘરે પહોંચ્યો. સવારે પરિવાર સાથે વાત કરતાં જણાવ્યું તારી ચિંતામાં રાત્રે કોઈ જામ્યું જ નહીં પાણીપુરી એમની એમ જ પડી રહી અને બટાકા પણ રાહ જોઈ હવે ઉતરી ગયા હતા ટુંકમાં જમવા લાયક ન્હોતા.
વરસાદમાં જ્યાં લોકો આટલી મુશ્કેલીમાં હતા ત્યાં તંત્રના સહેબો રસ્તા પર જોવા મળ્યા ન્હોતા, મારા જેમ લગભગ મોટા ભાગના તમામ અમદાવાદી રાત્રે જે રીતે હેરાન થયા હતા હું માનું છું આ લગભગ તમામની એક જ જેવી કહાની હતી. તંત્રએ સ્માર્ટલી જે ઉચ્ચ કોટીના કામ કર્યા આ તેના પરિણામો ભોગવી રહ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796