પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના ખાડિયા વિસ્તારની હજીરાની પોળમાં મિલકતના વિવાદમાં કુખ્યાત મોન્ટુ નામદાર અને તેના સાગરિતોએ રાકેશ મહેતા નામના વ્યક્તિની ધોળા દિવસે હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટના જેમના નજરો સામે થઈ તેવા બે સાક્ષીઓના મેજીસ્ટ્રેટ સામે નિવેદન નોંધવામાં આવશે.
આ કેસના ફરિયાદી પવન ગાંધી અને આરોપી મોન્ટુ નામદાર વચ્ચે કૌટુંબીક વિવાદની સાથે મિલકતનો વિવાદ અને વર્ચસ્વની લડાઈ ચાલી રહી હતી. જેની હત્યા થઈ તે રાકેશ મહેતા પવન ગાંધીનો સમર્થક હતો અને રાકેશ મહેતાના ઈશારે જ પોતે પરેશાન થઈ રહ્યો છે તેવું મોન્ટું નામદારને લાગતા તેણે રાકેશ મહેતાની હત્યાની યોજના બનાવી હતી. રાકેશ મહેતાની હત્યા થઈ ત્યારે ઘટનાસ્થળ પર હાજર બે વ્યક્તિઓ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એસ જી દેસાઈને મળી આવી છે. આ સાક્ષીઓ નજરે જોનાર સાક્ષીઓ છે જેમના નિવેદન પોલીસે નોંધ્યા છે.
જોકે જ્યારે ટ્રાયલ શરૂ થશે ત્યારે આ સાક્ષીઓ ધાક-ધમકી અને દબાણને વશ થઈ પોતાનું નિવેદન ફેરવી તોડે તેવી પોલીસને આશંકા છે, જેના કારણે આ બંને સાક્ષીઓના નિવેદન સીઆરપીસી 164 પ્રમાણે મેજીસ્ટ્રેટની રૂબરુમાં થાય તે જરૂરી છે. ક્રાઈમ બ્રાન્ચ સોમવારના રોજ મેજીસ્ટ્રેટને અરજી આપી સાક્ષીઓના મેજીસ્ટ્રેટ સામે નિવેદન નોંધવાની વિનંતી કરશે. આ કેસના ફરાર આરોપીઓને શોધવા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રવાના થઈ ગઈ છે. સૂત્રોની જાણકારી પ્રમાણે બહુ જલદી ફરાર આરોપીઓ સુધી ક્રાઈમ બ્રાન્ચ પહોંચી જશે. સમગ્ર મામલો વિવાદાસ્પદ અને પેચીદો હોવાના કારણે ક્રાઈમ બ્રાન્ચ બારીકમાં બારીક બાબતની કાળજી લઈ રહી છે. ત્યારે આ કેસના ફરિયાદીને પોલીસ તપાસ સામે નારાજગી રહે નહીં અને અદાલતમાં કસુરવારને સજા થાય તે પ્રકારના દસ્તાવેજો, નિવેદનો અને ફોરેન્સીક પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના અમદાવાદના ખાડિયા પોલીસ મથકની હોવા છતા ખાડિયા સ્થિત ભાજપના એક સિનિયર નેતાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી આ મામલો ક્રાઈમ બ્રાન્ચને સોંપવાની વિનંતી કરતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સુપ્રત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે શનિવારના રોજ મોન્ટુ નામદારને કોર્ટ સામે રજુ કરી રિમાન્ડની માગણી કરતાં જણાવ્યું હતું કે, હત્યાનું કાવતરું ક્યાં ઘડાયું? હત્યા માટે ઉપયોગમાં લેવામાં આવેલું બેઝબોલ સ્ટીક માઉન્ટ આબુથી લાવ્યા હતા, હત્યા પછી મોન્ટુ પોતાના પ્રિન્સ ફાર્મ હાઉસ ખાતે જતો રહ્યો હતો અને ભાગેડુ આરોપીઓને શોધવા માટે મોન્ટુની જરૂર હોવાથી દસ દિવસના રિમાન્ડ આપવામાં આવે. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. મોન્ટુ નામદાર તરફથી એડવોકેસ શ્રીધર દેરાસરિયા હાજર રહ્યા હતા.
ડૉન મોન્ટુ નામદારનું આખરે ખાડીયામાં નીકળ્યું સરઘસઃ ક્રાઈમ બ્રાન્ચે કર્યું રિકન્સ્ટ્રક્શનઃ જાણો કેવી રીતે હત્યાને અંજામ આપ્યો

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): મિલ્કત અને વર્ચસ્વની લડાઈમાં ખાડીયાની હજીરાની પોળમાં ધોળા દિવસે રાકેશ મહેતાની હત્યા કરી ફરાર થયેલા મોન્ટુ નામદારને Montu Namdar ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. આ કેસની તપાસ ખાડીયા પોલીસ કરી રહી હતી, પણ ગાંધીનગરથી સૂચના મળતા તપાસ ક્રાઈમ બ્રાન્ચને Crime Branch સોંપી દેવામાં આવી હતી. શનિવારની ભરબપોરે ડેપ્યૂટી પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ DCP Sushil Agrawal અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એસ બી દેસાઈની હાજરીમાં મોન્ટુ નામદારને હજીરાની પોળમાં લાવી તેણે કઈ રીતે હત્યાને અંજામ આપ્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલા વચ્ચે મોન્ટુએ કઈ રીતે હત્યા કરી અને કેવી રીતે ભાગ્યો તેની જાણકારી પોલીસને આપી હતી. એક સમયમાં લોકો જેના નામથી ડરતા હતા તેવા મોન્ટુ નામદારને પોલીસ કમરમાંથી પકડી ખાડીયામાંથી નીકળી હતી. આમ મોન્ટુને જે ડર હતો કે ડીસીપી અગ્રવાલ ખાડીયામાં તેનું સરઘસ કાઢી આબરુ લેશે, આખરે તેવું જ થયું હતું.
પોતાના પિતરાઈ ભાઈ પવન ગાંધીને રાકેશ મહેતા જ મદદ કરે છે તેના ગુસ્સામાં રાકેશને પાઠ ભણાવવાની યોજના બનાવી હતી. મોન્ટુને હજીરાની પોળમાં લાવી ક્રાઈમ બ્રાન્ચ અને ડીસીપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, બનાવના દિવસે મોન્ટુ બેઝબોલની સ્ટીક લઈ પોતાની ઓફિસ બહાર બેઠો હતો ત્યાં તેના ત્રણ સાગરિતો પણ હતા, તે વખતે રાકેશ મહેતા તેના કોઈ મિત્ર સાથે મોટરસાઈકલ ઉપર ડબલ સવારી ઉપર નીકળ્યો હતો ત્યારે હજીરાનો પોળમાં ટ્રાફિક હોવાને કારણે રાકેશને રોકાવવુ પડ્યું હતું, આ તકનો લાભ લઈ મોન્ટુએ તેને સ્ટીક ફટકારતા તે જમીન ઉપર પટકાયો હતો. તેની સાથે રહેલા તેના મિત્રને મોન્ટુએ કહ્યું કે તારી સાથે કોઈ દુશ્મની નથી તુ બાજુ ઉપર આવી જા.
એટલે તે ખસી ગયો હતો ત્યાર બાદ જમીન ઉપર પટકાયેલા રાકેશ ઉપર મોન્ટુ અને તેના સાગરિતો તૂટી પડયા હતા. રાકેશ જમીન ઉપર પડયો પછી કેવી રીતે માર્યો? તે જાણવા ડીસીપી અગ્રવાલે એક પોલીસ જવાનને જમીન ઉપર સુવાડી દીધો અને મોન્ટુને લાકડી આપી કેવી રીતે માર્યો તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. રાકેશને અધમુવો કરી બધા ભાગી છુટયા હતા. મોન્ટુના સાગરિતો વિરૂધ્ધ દીશામાં ભાગ્યા હતા, જ્યારે મોન્ટુ પોતાની કારમાં બેસી ખાડીયા રાયપુર તરફ ભાગ્યો હતો. આથી પોલીસ તેને ચાલતા ખાડીયા સુધી લઈ ગઈ હતી. એક સમયના ડોનને પોલીસ આ રીતે રસ્તા ઉપર લઈ જઈ રહી હતી તે લોકો જોઈ રહ્યા હતા, પરંતુ મોન્ટુની રિકન્સ્ટ્રક્શનમાં પોલીસને એક મહત્વની જાણકારી મળી કે હત્યા વખતે રાકેશ સાથે કોઈ અન્ય માણસ પણ હતો. આ માણસ પોલીસ માટે મહત્વનો સાક્ષી બનશે કારણ નજરે જોનાર આ એક વ્યકિત પોલીસને હાથ લાગ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાયા પછી પોલીસ કમિશનર શ્રીવાસ્તવે આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ સાથે જ તપાસમાં રહેવાનો ડીસીપી સુશીલ અગ્રવાલને આદેશ આપ્યો હતો, જેના કારણે સમગ્ર રિકન્સ્ટ્રક્શન ડીસીપી અગ્રવાલ અને ખાડીયાના ઈન્સપેકટર ચૌધરી સહિત ખાડીયા પોલીસ અને એસઆરપી જવાનો વચ્ચે થયું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











