પ્રશાંત દયાળ નવજીવન : તે મને મળવા નવજીવન આવી, તેનું નામ ડૉ નીલમ શર્મા, મધ્યમ કદ કાઠી, સહેજ શ્યામ વર્ણ, તેની આંખ ઉપર રહેલા ચશ્મામાંથી ચમકદાર આંખો જાણે દુનિયાને સમાવી લેવા માગતી હોય તેવુ લાગી રહ્યુ હતું, નીલમ મને મળવા આવી તે પહેલા મને તેના જીવનની સફરની આછી પાતળી ખબર મળી ગઈ હતી, પણ તારે તેના શબ્દોમાં તેની જીંદગી સાંભળવી હતી, તે મને પહેલી વખત મળી રહી હતી તેની બોડી લેગ્વેજમાં થોડો સંકોચ પણ હતો, મેં તેને કહ્યુ નીલમ ચાલ મને તારી વાત કહે, તેણે બાજુમાં બેઠેલા મારા મિત્ર બૈજુ સામે જોયુ અને પછી મારી સામે જોતા એક આછા સ્મીત સાથે પુછયુ કયાંથી શરૂ કરુ મારી વાત, તેણે એક નાનકડો શ્વાસ પોતાના ફેફસામાં ભર્યો અને વાતની શરૂઆત કરતા કહ્યુ આજે હું જે મુકામ ઉપર ઉભી છુ, તે માત્રને માત્ર મારી મમ્મીને કારણે છુ.
મારા પપ્પા મુળ ઉત્તર પ્રદેશના વતની અને મારી મા બંગાળી છે, મારી માતાનું પરિવાર ખુબ જ ગરીબ એટલે મારી મમ્મીનું લગ્ન થયુ ત્યારે તેની ઉમંર 13 વર્ષની હતી, પિતા રોજગારી માટે સુરત આવ્યા અને જેને અમે ઘર કહીએ છીએ તેવુ ઘરનું સરનામુ એટલે સુરતના ઓલ્ડ બોમ્બે માકેર્ટની સામેની ઝુપડપટ્ટીમાં અમારૂ એક ઝુપડુ છે, મારા પિતા ફળો વચેવાની લારી ત્યારે પણ ચલાવતા હતા અને આજે પણ ચલાવે છે, અમે ચાર ભાઈ બહેન, મારી એક મોટી બહેન અને પછી હું, મારા પછી બે નાના ભાઈઓ, મારા અને મારી બહેનના જન્મ પછી પપ્પાને રંજ હતો કે દિકરા જન્મયા હોત તો કેવુ સારૂ, આવે આજે પણ તેમને લાગે છે, એટલે મારા બે ભાઈઓનો જન્મ થયો.
મારી મમ્મી કોઈ દિવસ સ્કુલે ગઈ નથી, પણ ખબર નહીં તેને શિક્ષણની તાકાતની કયાંથી ખબર પડી, પપ્પા લારી ચલાવે અને અમે ઝુપડપટ્ટીમાં રહીએ એટલે અમારી માટે શિક્ષણ માટે મ્યુનિસિપાલટીની શાળા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો, પણ મારી મમ્મીને તે મંજુર ન્હોતુ, તે ભણેલી ન્હોતી, છતાં પગે ચાલી તે આખા સુરતમાં ફરતી અને તપાસ કરતી કે અમને શિક્ષણમાં મદદ કરે તેવી કોઈ સંસ્થા છે કે નહીં, કોઈએ તેને જાણકારી આપી કે અમદાવાદમાં વિસામો નામની એક સંસ્થા છે, તે મારા જેવા બાળકોને અમદાવાદમાં રાખી ભણાવે છે, પણ સંસ્થાનો નિયમ હતો કે બાળક છ વર્ષ કરતા નાનુ હોવુ જોઈએ, મારી મમ્મી મને અને મારા ભાઈને લઈ અમદાવાદ આવી ત્યારે હું સાડા પાંચ વર્ષની હતી, અમદાવાદ પહેલી વાર જોઈ રહી હતી, મને ડર ન્હોતો લાગતો કારણ મારી મમ્મી મારી સાથે હતી, આજે પણ મારી મમ્મી હોય ત્યાં હું પોતાને સેઈફ ફીલ કરૂ છુ.
અમે વિસામો સંસ્થામાં આવ્યા, અહિયા એક ઔપચારીકતા હતી, બાળખને પ્રવેશ આપતા પહેલા તેઓ બાળકનુ માનસીક સ્તર તપાસે છે, મને અને મારા ભાઈને કેટલાંક સવાલો પુછયા, પછી પેલા અધિકારી કહ્યુ તમારા તો બંન્ને બાળકો હોંશીયાર છે, મેં પહેલી વખત મારી મમ્મીના ચહેરા ઉપર એક જુદો આનંદ જોયો, અધિકારી કહ્યુ સંસ્થાના નિયમ પ્રમાણે અમે એક પરિવારના એક જ બાળકને પ્રવેશ આપીએ છીએ, અમને લાગે છે તમારે દિકરાને અહિયા મુકવો જોઈએ જેથી કરી તે પગભર થાય એટલે તમારુ જીવન સ્તર સુધરે, મમ્મીએ મારા માથા ઉપર હાથ મુકતા કહ્યુ સાહેબ મારી નીલમને અહિયા રાખીશ, મને ત્યારે સમજાયુ નહીં કે મમ્મીએ ભાઈને બદલે મને મુકવાનો કેમ નિર્ણય કર્યો, પણ પછી મમ્મી અને ભાઈ સુરત પાછા ગયા પછી મને ખુબ ખરાબ લાગ્યુ કારણ હું એટલી નાની હતી કે મને મમ્મી અને ભાઈ બહેન સિવાય રહેવાની આદત જ ન્હોતી.
પણ મને વિસામોના સ્ટાફ સાચવી લીધી મને રોજ વિવિધ પ્રકારની તાલીમ અને રમતો રમડતા હતા, મને કેવી રીતે વાત કરવી, કેવો વ્યવહાર કરવો તેની સમજ આપતા હતાવિસામો દ્વારા મને અમદાવાદની આનંદીનિકેતન સ્કુલમાં એડીમશન અપાવવામાં આવ્યુ, અહિયા મોટા ભાગના બાળકો શ્રીમંત પરિવારમાંથી આવતા હતા,, મનમાં સંકોચ પણ હતો, પણ મેં પોતાને કહ્યુ હતું મારે ભણવુ છે, હું સ્કુલની તમામ હરિફાઈમાં અવ્વલ નંબર આવતી હતી, ત્યારે કેટલાંક વિધ્યાર્થીઓને મેં બોલતા સાંભળ્યા હતા કે આ ગરીબીની છોકરી આગળ જઈ શુ કરશે, મને ખરાબ લાગતુ, પણ ત્યારે મને જ ખબર ન્હોતી કે હું શુ કરીશ મારે તેમને શબ્દોમાં જવાબ આપવાનો ન્હોતો.. દસમાં ધોરણ પછી મારે સ્કુલ બદલવાની હતી, મને અમદાવાદની સંતકબીર સ્કુલમાં પ્રવેશ મળ્યો મેં 12 ધોરણ પાસ કરી નીટની પરિક્ષા આપી અને જામનગર ડેન્ટલ કોલેજમાં પ્રવેશ મળ્યો.
થોડા મહિના પહેલા મારૂ રીજલ્ટ આવવાનું હતું ત્યારે મને ખુબ ડર લાગી રહ્યો હતો. મેં રીજલ્ટ જોયુ અને હું પાસ થઈ ગઈ તેવી ખબર પડી ત્યારે મેં મારી જાતને કહ્યુ હવે તુ ડૉકટર નીલમ શર્મા છે, પણ મારી આંખો સજળ થઈ ગઈ, મારા નાનકડા ઘરમાં રહેલા મારા ઈશ્વર સામે હાથ જોડી તેનો આભાર માનતા કહ્યુ હવે મારે મારી બહેનનું લગ્ન કરાવી, મારા ભાઈનું શિક્ષણ પુરૂ કરીશ અને હવે મારા પપ્પાને લારી ખેંચવી પડશે પડશે નહીં, મેં પુછયુ હવે ડૉ નીલમ શર્મા કયાં રહેશે, તેણે ફરી એક સ્મીત આપતા કહ્યુ આજે પણ મને મારા છાપરાવાળા મકાનમાં જ સકુન મળે છે તે મને મારૂ પોતાનું લાગે છે, આગળ જતાં હું પાકી છત વાળુ મકાન લઈશ પણ મારી ઝુપડીને ભુલીશ નહીં, થોડુક રોકાઈ અને કહ્યુ મારી મમ્મીની સફર ઉપર મારે એક આત્મકથા લખવી છે કારણ મારી જીંદગીનો સુપર હિરો તો મારી મમ્મી જ છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.