પ્રશાંત દયાળ (નવજીવન ન્યુઝ. અમદાવાદ ): આપણે નાહકનું આપણા કુળ, શિક્ષણ અને સંપત્તીનું અભિમાન કરીએ છીએ. બીજી તરફ દલિત મુસ્લિમ, આદિવાસી દૈવીપુજક જ્ઞાતિને આપણી કરતા ઉતરતી જ્ઞાતિ માની છીએ. હું બ્રાહ્મણના ઘરે જન્મયો તેમાં મારુ કોઈ યોગદાન નથી, કોઈ દલિત-આદિવાસી પરિવારમાં જન્મયો તેમાં તેમનો કોઈ ગુનો નથી કારણ કયા જન્મ લેવો છે તેવુ ઈશ્વર જન્મ આપતા પહેલા પુછતો નથી. જેઓ બ્રાહ્મણ-પટેલ અને વણિક જેવી સવર્ણ જ્ઞાતિમાં જન્મયા છે તેના કારણે આપણે વારસામાં સગવડ અને તક મળી છે, જયારે બીજી તરફ આપણે જેમને પછાત અને અશિક્ષીત માની છે તેમના જીવનમાં અગવડનો પાર નથી. એટલુ જ નહી તેઓ ચોક્કસ જ્ઞાતિમાં જન્મયા હોવાને કારણે સમાજમાં તેમની તરફ જાહેરમાં અને ખાનગીમાં ઘૃણા પણ છે.
આપણે ત્યાં સુખનો માપદંડ પૈસા છે. સ્વભાવીક છે જેને આપણે ઉચ્ચ જ્ઞાતિ ગણીએ તેમની પાસે સરખામણીમાં પછાત જ્ઞાતિ કરતા પૈસા વધારે છે, પણ જેમની પાસે પૈસા છે તેઓ સુખી છે તેવુ પણ નથી, પરંતુ માણસ તરીકે કોણ મોટો તેવો પ્રશ્ન પુછવામાં આવે તો સરેરાશ પછાત જ્ઞાતિનું પલડુ કાયમ જ ભારે રહ્યુ છે. અમદાવાદમાં શહેરમાં 17 નાના મોટા વૃધ્ધાશ્રમો ચાલે છે. આ વૃધ્ધાશ્રમોમાં નવજીવન ન્યુઝ (Navajivan News)ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે ત્યારે આધાતજનક હકિકત સામે આવી હતી. આ તમામ 17 વૃધ્ધાશ્રમોમાં રહેતા વડિલોની જ્ઞાતિ બ્રાહ્મણ પટેલ વણિક છે, એક પણ વૃધ્ધાશ્રમમાં દલિત-મુસ્લિમ દૈવીપુજક અને આદિવાસી વડિલ નથી. ભાજપના સાંસદ અને હિરામણી ટ્રસ્ટના ટ્રસ્ટી નરહરિ અમીન (Trustee of Hiramani Trust Narhari Amin) પણ અમદાવાદના એસજી હાઈવે ઉપર વડિલોની સેવા માટે એક વૃધ્ધાશ્રમ ચલાવે છે. તેમને જ્યારે આ અંગે પુછવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યુ કે તેમના વૃધ્ધાશ્રમમાં કોઈ જ્ઞાતિ બાધ નથી આમ છતાં તેમના વૃધ્ધાશ્રમમાં એક પણ દલિત-મુસ્લિમ-આદિવાસી કે મુસ્લીમ વડીલ નથી.
હીરામણી વૃધ્ધાશ્રમની સીઓ ભગવતભાઈ અમીન (CEO Bhagwatbhai Amin) આ સ્થિતિ અંગે ચર્ચા કરતા કહે છે, “વૃધ્ધાશ્રમ હોવા તે સારી બાબત નથી, પરંતુ બદલાઈ રહેલી જીવન શૈલીને કારણે ઘરમાં વૃધ્ધો અને સંતાનો વચ્ચે થતાં અને સતત વધી રહેલા ઘર્ષણને કારણે વડિલો વૃધ્ધાશ્રમમાં આવે છે.” ભગવતભાઈ વધુમાં કહે છે, “મારો અભ્યાસ કહે છે એક પણ વૃધ્ધાશ્રમમાં મેં દલિત-મુસ્લિમ-આદિવાસી-ઠાકોર અને રબારી વડિલોને જોયા નથી. તેનું કારણ એવુ છે કે આ જ્ઞાતિમાં હજી સંયુકત કુટુંબની પ્રથા જીવંત છે. આ ઉપરાંત સમાજનો પણ દાબ છે વડિલોને વૃધ્ધાશ્રમમાં મુકી શકાય નહીં, સાથે સમાજ શુ કહેશે તેવી ચીતાં પણ હોય છે જ્યારે બીજી તરફ જેઓ હાલમાં વૃધ્ધાશ્રમાં રહે છે તેમાં પહેલા ક્રમે બ્રાહ્મણ, બીજા ક્રમે વણિક અને ત્રીજા ક્રમે પટેલનો આવે છે.”
ભગવતભાઈ કહે છે, “દરેક વખતે સંતાનનો જ વાંક હોય છે તેવુ પણ નથી. વર્ષો સુધી ઘરમાં જેમનો એકાધિકાર રહ્યો છે તેવા વડિલો સંતાનો મોટા થયા પછી પોતે બદલાવવા માગતા નથી. જેના કારણે ઘર્ષણ થાય છે આખરે તેઓ વૃધ્ધાશ્રમમાં રહેવા આવે છે.” વર્ષો સુધી ગ્રામીણ પત્રકારત્વ કરતા અને હાલમાં વ્યારા પાસે આવેલા ઉનાઈમાં રહેતા સિનિયર પત્રકાર અને અભ્યાસુ વિજયસિંહ પરમાર કહે છે, “હું આદિવાસી પટ્ટામાં રહુ છુ, મેં આદિવાસી વિસ્તારમાં એક પણ વૃધ્ધાશ્રમ જોયુ નથી. વૃધ્ધાશ્રમનો જન્મ કહેવાતા ઉચ્ચવર્ણની માનસીકતામાંથી થયો છે. સ્ત્રી સમાનતાની જ્યારે વાત થાય ત્યારે આદીવાસી-દલિતને તેની જરૂર જ નથી કારણ આ જ્ઞાતિમાં તો સ્ત્રીઓ અને પુરૂષો સમાન છે. સ્ત્રી સમાનતાનું શિક્ષણ અને જરૂરીયાત શહેરોમાં છે, કારણ હજી આપણે દિકરા અને દિકરીમાં ભેદ રાખીએ છીએ.”
વિજયસિંહ કહે છે થોડા આકરા શબ્દોમાં કહે છે, “વૃધ્ધાશ્રમ શહેરોમાં છે તેનું કારણ સવર્ણની સમાજ વ્યવસ્થા છે, એક ઉમંર પછી માતા-પિતાને આર્થિક ભારણ ગણવામાં આવે છે જેના કારણે તેમને વૃધ્ધાશ્રમમાં છોડી દેવામાં આવે છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.