અમદાવાદ શહેર જેટલું વિકસતું જઇ રહ્યું છે એટલા જ અકસ્માતના બનાવો પણ સતત વધી રહ્યા છે. અમદાવાદ જાણે ‘અકસ્માતવાદ’ બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. એક દિવસ પહેલા જ શહેરના શિવરંજની વિસ્તારમાં કાર રેસિંગના બનાવમાં મણિનગરના કાર ચાલક રોહન સોનીએ બાઇકસવાર બે યુવકો અકરમ કુરેશી અને અસ્ફાક અજમેરીને ટક્કર મારતા બંનેના મોત નિપજ્યા.
પોલીસે આરોપી રોહન સોનીની ધરપકડ કરી લીધી છે અને પોલીસ સમક્ષ રોહને સ્વીકાર્યું કે તેની કાર 80થી વધુની સ્પીડમાં દોડી રહી હતી. તપાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે આ કાર રોહનની માતા નિમિષાબેનના નામે રજીસ્ટર્ડ હતી અને અગાઉ ઓવરસ્પીડ સહિતના 6 મેમો આવી ચુક્યા છે. જેનો 7600 રુપિયાનો દંડ ભરવાનો પણ બાકી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા 20 દિવસમાં સનાથલ ટોલ નાકા, ઉસ્માનપુરા, હાંસોલ ચીકુવાડી, હાંસોલ રામજી મંદિર, ચાંદખેડા પોલીસ સ્ટેશન નજીક, દાસ્તાન સર્કલ, ભાડજ, શિલજ સર્કલ, જમાલપુર, પાલડી, સહિતન વિવિધ વિસ્તારમાં અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે.