દુનિયામાંથી જે ઘટનાઓ લુપ્ત થઈ રહી છે, તેમાંની એક સર્કસ પણ છે. એક સમય હતો જ્યારે મોટાં શહેરોમાં સર્કસ આવતાં, અને તેમાં શહેરીજનો ઉત્સાહથી ભાગ લેતા. મસમોટો ટેન્ટ, તેની ઉપર રંગબેરંગી વિવિધ લાઈટો, દેશ-વિદેશના કરતબી, ઘોડા-હાથી-વાઘ-સિંહના ખેલ અને જોકરોની ધિંગામસ્તીથી પૂરા પૈસા વસૂલ થાય એવું આ એન્ટરટેઇનમેન્ટ બની રહેતું. પરંતુ આજે નગરજનો વચ્ચે રૂબરૂ મનોરંજન પૂરી પાડતી ઘટના ખલાસ થઈ ચૂકી છે. હવે ક્યારેક જ આવતા સર્કસની દરિદ્રતા તેનાં ચિંથરેહાલ ટેન્ટમાં જોવા મળે છે, જ્યાં હવે કરતબીઓ તે છે, પણ પશુ-પ્રાણીઓની બાદબાકી થઈ ચૂકી છે. આ ઉપરાંત સર્કસને મરણતોલ ફટકો મારવાનું કામ આજના ડિજિટલ યુગે કર્યું છે, જેને હવે આપણાં આંખે જોવાના અને આપણને આશ્ચર્યની અનુભૂતિ કરાવનારાં ખેલને ખતમ કરી દીધું છે. સર્કસની દુનિયા ઓઝલ થઈ રહી છે, ત્યારે તેની વાત એ માટે માંડી કારણ કે પશ્ચિમ યુરોપમાં આવેલાં મોનેકો નામના દેશના મોન્ટે કાર્લોમાં સર્કસનો આંતરરાષ્ટ્રિય કક્ષાનો ઉત્સવનો આરંભ થયો છે. આ ઉત્સવની ઉજવણી વિશેષ એ અર્થમાં છે, કારણ કે અત્યારે સર્કસનું આપણે જે સ્વરૂપ જોઈ રહ્યાં છીએ, તેના જન્મને અઢી સદીનો સમય થઈ ચૂક્યો છે. અઢીસો વર્ષ અગાઉ પ્રથમ સર્કસની સ્થાપના કરનારા ફિલિપ્પ એશ્લે હતા, જેમણે લંડનમાં હાલમાં જોવા મળતાં સર્કસને પહેલીવાર ખુલ્લું મૂક્યું હતું. આટલી લાંબી સફર બાદ સર્કસના ઘણાં સ્વરૂપ બદલાયા, ઉતાર-ચઢાવ આવ્યાં, પરંતુ આજે 42 ફીટના ડાયામીટરની રિંગમાં ભજવાતી આખી કળા વિદાય લઈ રહી છે.
ભારતમાં અને અન્ય કેટલાંક દેશોમાં જ્યારે પરંપરાગત સર્કસને લઈને આશા દેખાતી નથી, ત્યારે મોનેકામાં તેની ઉજવણી રંગેચંગે થઈ રહી છે. સર્કસ માટે આ દેશ ભાવનાત્મક રીતે જોડાયેલો છે અને તે માટે જ અહીંયા સર્કસના શ્રેષ્ઠ પર્ફોમરને એવોર્ડથી સન્માનવામાં આવે છે. દરિયા કાંઠે વસેલા મોન્ટે કાર્લો શહેરમાં આયોજિત થયેલા આ સર્કસના પ્રથમ શોમાં જ અહીંના મોનેકાના શાહી પરિવારે ઉપસ્થિત રહીને સર્કસીઓને શુભેચ્છા પાઠવી હતી. અહીંયા રજૂ થયેલાં સર્કસમાં તેના તમામ રંગ જોવા મળે છે, કારણ કે મોન્ટે કાર્લોમાં આવનારાં આ સર્કસીઓ એવોર્ડ વિનર્સ રહ્યાં છે, તેઓ અદભુદ બેલેન્સિંગ એક્ટ દ્વારા લોકોને મનોરંજન કરાવી શકે છે, પેટ પકડીને હસાવે છે, હાથી-ઘોડા ઉપરાંત ઝેબ્રા-જિરાફ જેવાં પ્રાણીઓ સાથે ખેલ કરતાં જોવા મળે છે. બસો ડોલરથી મઝા માણી શકાતા આ સર્કસ ફેસ્ટિવલની ખાસિયત એ છે કે સામાન્ય રીતે જોવા મળતાં સર્કસીઓની સ્થિતિ અહીંયા નથી, તેઓ વર્લ્ડક્લાસ પર્ફોમન્સર્સ છે, સારી આવક રળે છે, બહેતર અવસ્થામાં રહે છે અને સર્કસ બહારની દુનિયા સાથે પણ તેઓ નાતો ધરાવે છે.
મોન્ટે કાર્લોના સર્કસનો ગ્રેટેસ્ટ ફેસ્ટિવલ કહેવાય છે અને અહીંયા વિશ્વના બહેતરીન સર્કસીઓ ભાગ લે છે, જેઓ મોટા ભાગે ક્લાઉન ડીઓર પુરસ્કારથી સન્માનિત હોય છે, આ સન્માનની ગણના સર્કસના સર્વોચ્ચ ખિતાબ તરીકે ગણના પામે છે. જોકે સર્કસની વર્તમાન સ્થિતિનું બૃહદ ચિત્ર અને મોન્ટે કાર્લોના સર્કસ ફેસ્ટિવલથી પૂરી સર્કસની દુનિયાને ઓળખી ન શકાય, તે માટે સર્કસને વધુ વિસ્તૃત રીતે જોવું પડે. તે માટે તેના ઇતિહાસથી વાત કરીએ.
સર્કસ જ્યાં આજે જીવંત છે ત્યાં તેને આપણે અત્યાધુનિક સ્વરૂપે જોઈએ છીએ, પરંતુ ઇ.સ.પૂર્વે સર્કસ કહી શકાય તેવાં ખેલ ગ્રીક દેશોમાં થતાં, ત્યાં પ્રાણીઓ સાથે ટ્રેઇન્ડ યોદ્ધાઓ લડતાં અને ઘોડા દોડ પણ થતી. આનાથી લોકોને મનોરંજન મળતું, પણ તેને સર્કસ ન કહી શકાય, તે એક માત્ર મેળાવડો હતો, જેમાં આજના સર્કસમાં ભજવાતાં કેટલાંક ખેલ જોવા મળતાં. આજનું સર્કસ વધુ ડિસિપ્લિન છે, તેમાં નિશ્ચિત સમયમાં અલગ-અલગ કરતબો દર્શાવવામાં આવે છે, તેમાં મનોરંજનના વધુને વધુ સાધનોને સમાવવાનો પ્રયાસ થાય છે. સર્કસના આ ખ્યાલને અમલમાં મૂકનારા ઇંગ્લેન્ડના ફિલિપ એસ્લે હતા, જેઓ સર્કસમાં સંગીત લઈ આવ્યા, પ્રાણીઓના વધુ ખેલ તેમણે ઉમેર્યા, તે સિવાય બેલેન્સિગ એક્ટના કરતબીઓ અને માઈમ એક્ટિંગ કરનારાં જોકર્સને પણ તેઓ પર્ફોમન્સ માટે એક ટેન્ટ નીચે લઈ આવ્યા. તે કાળે પણ છૂટાછવાયા રીતે આ બધા જ કરતબ થતાં હતાં, પરંતુ એસ્લે તેને એક પ્લેટફોર્મ પર લઈ આવ્યા. આ સિવાયની સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે અત્યાર સુધી આ તમામ કરતબ એક સીધા પ્લેટફોર્મ પર ભજવાતાં હતા, એસ્લે આ પૂરી વાત 42 ફીટ ડાયામીટરની રીંગમાં લઈ આવ્યા, જે આજે સર્કસનું દેખીતું લક્ષણ બની રહ્યું છે, એટલે કે સર્કસની મૂળભૂત ઓળખ બની રહી છે. એસ્લેનો આ પ્રયોગ એટલો સફળ રહ્યો કે તેમણે એક પછી એક પૂરા યુરોપની અઢાર જેટલાં જગ્યાએ કાયમી સર્કસ થાય તેવાં સ્થાન ઊભા કર્યાં, એસ્લેના સર્કસમાં ક્યારેય જંગલી પ્રાણીઓનો ઉપયોગ થયો નહોતો. પૂરા યુરોપની સર્કસની દુનિયા પર એસ્લેનો દબદબો રહ્યો હતો. આ જ ગાળામાં અમેરિકામાં પણ સર્કસનો જન્મ થયો અને અમેરિકાના એસ્લે બન્યા જોહન બિલ રિકેટ્ટ્સ. સર્કસ સાથેનો તેમનો નાતો ઇગ્લેન્ડથી જ બંધાયો હતો, પરંતુ ત્યાંથી સ્થળાંતર કરીને તેઓ અમેરિકા આવ્યા અને ફિલેડેલ્ફિયામાં પ્રથમ સર્કસ સ્થાપ્યું. આમ, યુરોપમાં સર્કસ આવ્યા બાદ પચ્ચીસ વર્ષમાં જ અમેરિકામાં પણ સર્કસ ધૂમ મચાવવા લાગ્યું હતું. અમેરિકાના સર્કસના શરૂઆતી કાળમાં અમેરિકાના મહાના રાજકીય નેતા જ્યોર્જ વોશિંગ્ટને પણ હાજરી આપી હતી. ઓગણીસમી સદીના શરૂઆતી ગાળામાં અમેરિકા-યુરોપના સર્કસીઓ એકબીજાના દેશોમાં પ્રવાસ કરીને તેને વધુ લોકપ્રિય બનાવતાં ગયા.
અમેરિકાના પગલે રશિયામાં પણ સર્કસ થાય તેવી માંગણી ઊઠી હતી, અને 1919માં રશિયાનું નેતૃત્વ કરનારાં લેનિન ખુદ સર્કસ દેશમાં શરૂ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેને પ્રોત્સાહન આપવા અર્થે તૈયારી બતાવી. આજે જે સર્કસ લોકોના આકર્ષણમાંથી બાદબાકી મેળવી ચૂક્યું છે, તેના માટે દેશની સર્વોચ્ચ સત્તાધારી વ્યક્તિ કશુંક નિવેદન આપતા હતા. બેશક, આ સમયની બલિહારી છે, પરંતુ તે પછીના દોઢસો વર્ષના ગાળા સુધી તો સર્કસ પૂરી દુનિયામાં એક લોકપ્રિય ઘટના બની રહી. અને તેના આધારે ઘણાં પુસ્તકો લખાયા, નાટકો થયા, ફિલ્મો બની, સિરિયલોએ બની. દૂરદર્શન પર નેવુંના ગાળામાં શાહરૂખ ખાનની સર્કસ ધારાવાહિક ટેલિકાસ્ટ થતી હતી. સર્કસની કંપનીઓ બની, સર્કસ પરિવાર બન્યા, જેમાંથી આજે પણ કેટલાંક બચ્યા છે. સર્કસની આ કંપનીઓ-પરિવારો મોટા ભાગે અમેરિકા, ઇંગ્લેડની અથવા યુરોપના અન્ય દેશોની છે. આ સિવાય આ યાદીમાં ઇઝરાયલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનાના સર્કસ છે. વિશ્વના જાણીતા સર્કસોમાં ભારતના જે સર્કસનો સમાવેશ થાય છે, તેમાં ગ્રેટ બોમ્બે સર્કસ, ગ્રેટ રોયલ સર્કસ અને જમ્બો સર્કસ છે. વિશ્વમાં પચાસથી વધુ મોટા સર્કસ છે અને તેમાંથી કેટલાંકનું અસ્તિત્વ કેમ ટક્યું કે મટ્યું છે તેની પણ પોતાની અલગ-અલગ કહાની છે.
સર્કસની ઇન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ધક્કો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લાગ્યો. બીજા વિશ્વયુદ્ધ બાદ સર્કસના ચાહકોની સંખ્યા સતત ઘટતી રહી, અને ત્યાર બાદ ટેલિવિઝને આવીને સર્કસના મનોરંજનના એકાધિકારમાં ભાગ પડાવ્યો, જે ભાગ વધતો જ ગયો. આ ઉપરાંત સર્કસની સૌથી વધુ આકર્ષક બાબત ખૂંખાર પ્રાણીઓને રીંગ માસ્ટર પોતાના કહ્યું કરાવે તે હતી, તેના પર પણ પ્રાણીઓના અધિકારો વિશે સજાગ એક્ટિવિસ્ટોએ સવાલ ઉઠાવ્યા, જેના કારણે સર્કસનું જાણે મહત્વનું અંગ કપાઈ ગયું. હવે તો પ્રાણીઓના અધિકાર પ્રત્યેની જાગ્રતતા ખૂબ વધી છે અને વેગેનીન્ગેન યુનિવર્સિટીએ તો આ અંગે એક તપાસ પણ કરી છે, જેમાં સર્કસોમાં કામ કરતાં પ્રાણીઓની સ્થિતિને લઈને એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં બહાર આવેલાં તારણો પ્રાણીઓની બદ્તર સ્થિતિ દર્શાવે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સર્કસમાં કામ કરનારાં સિત્તેર ટકાથી વધુ પશુ-પ્રાણીઓ તંદુરસ્ત હોતા નથી. સર્કસના સિંહોનો પંચાણું ટકાથી વધુ સમય પિંજરામાં જ જાય છે. સર્કસના હાથીઓને સરેરાશ દિવસના સત્તર કલાક સાંકળથી બાંધીને રાખવામાં આવે છે. અને તેને સરેરાશ દસ કલાક એકને એક રીતે કરતબ દાખવાના હોય છે. વાધ આગથી ડરે છે, પણ તેમ સુદ્ધા તેને જ્વલનશીલ રિંગમાંથી પસાર થવાની ટ્રેનિંગ લેવી પડે છે અને શો દરમિયાન તે કરીને દાખવું પણ પડે છે. આ ઉપરાંત એક અભ્યાસ મુજબ 1990 સાલથી સર્કસના સિંહોએ 123 કેસમાં સર્કસીઓ પર હૂમલો કર્યો છે. હાલમાં પણ ચીનમાં યોજાઈ રહેલાં એક સર્કસમાં ચાલુ શોએ વાઘ-સિંહે ઘોડા પર હૂમલો કરી દીધો હતો. સર્કસની પોલ ખોલતી આવી તો અનેક ઘટનાઓ યુટ્યુબ પર જોવા મળે છે.
ભારતમાં સર્કસના આણનારા વિષ્ણપંત ચાત્રે હતા, તેમણે પહેલાં વહેલાં કુર્દુવાડી રાજાની સમક્ષ સર્કસ પેશ કર્યું હતું. સર્કસને શરૂ કરનારા જેમ ચાત્રે હતા, એ જ રીતે ભારતીય સર્કસના પિતામહ તરીકે કિલેરી કુન્હીકાન્નન ઓળખાય છે. કેરલને સર્કસની ભૂમિ બનાવવા માટે કુન્હીકાન્નને ખૂબ મહેનત કરી હતી. આમ ઓગણીસમી સદી દરમિયાન ભારતમાં સર્કસનું ખાસ્સું ચલણ રહ્યું હતું, પણ આજે શહેરમાં હંગામી સમય માટે મનોરંજન કેન્દ્ર બનતાં સર્કસના ખેલનો કાયમ માટે પડદો પડી જાય તેવો સમય ચાલી રહ્યો છે.








