વડોદરા: શહેરમાં વ્યાજખોરોની હેરાનગતિ નવી નથી રહી. પોલીસ તરફથી સતત લોકદરબાર યોજાઈ રહ્યો છે અને કડક કાર્યવાહીનો દાવો થાય છે, છતાં વ્યાજખોરોનો ત્રાસ ઓસરતો જોવા મળતો નથી. તાજેતરમાં માંજલપુર વિસ્તારમાંથી આવી જ એક હદ પાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માનસિક રીતે અસ્વસ્થ યુવકને ત્રણ મહિના સુધી ઘરમાં તાળું મારી પુરી રાખવામાં આવ્યો હોવાનો આરોપ થયો છે.
તુલસીઘામ ચાર રસ્તા નજીક રહેતી રમીલાબેન અને તેમના પુત્ર વિરુદ્ધ દુઃખદ ઘટના બની છે. ત્રણ વર્ષ પહેલા દીકરીના લગ્ન માટે તેમણે તરસાલી વિસ્તારમાં રહેતી શારદાબેન પાસેથી અંદાજે ₹70થી ₹80 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. શરૂઆતમાં વ્યાજ સમયસર ચુકવવામાં આવતું હતું, પરંતુ છેલ્લાં થોડાં મહિનાઓથી આ ચુકવણી ચાલુ રહી નથી.
આથી, રમીલાબેનના જણાવ્યા મુજબ, શારદાબેન અને તેમના પુત્ર દ્વારા તેમના પુત્રને ત્રણ મહિના અગાઉ ઘરમાં તાળું મારી પુરી દેવાયો હતો. રમીલાબેનનું કહેવું છે કે તેઓ જાળીમાંથી પોતાના પુત્રને ભોજન આપતા હતા, જ્યારે પોતે પાડોશીઓની મદદથી પોતાનું ગુજરાન ચલાવતા હતા.
રમીલાબેનના આરોપો મુજબ, તેઓએ અત્યાર સુધી ₹1.10 લાખ જેટલું વ્યાજ ચુકવી દીધું છે, છતાં શારદાબેન અને તેમના પુત્રએ માનસિક રીતે અસ્વસ્થ તેમના પુત્રને ઘરમાં તાળું મારી રાખ્યો. તેઓએ એવું પણ ઉમેર્યું કે જ્યારે તેઓ પોતાના બહેનના ઘરે ગયા ત્યારે તેમના ગેરહાજરીનો લાભ લઈ તેમના પુત્રને બંધ કરી દેવાયો હતો.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર વ્યાજખોરીના હિંસક અને અમાનવિય રૂપને આગળ લાવ્યું છે. હવે જોવું રહ્યું કે સ્થાનિક પોલીસ આ મામલે કઈ રીતે કાર્યવાહી કરે છે.








