નરહરિ બ્રિજ પર ‘મગર-વૉક’થી ફફડાટ, વિશ્વામિત્રીના રાજાએ રસ્તો માથે લેતા મચી ભાગદોડ; રેસ્ક્યૂ ટીમે મહામુસીબતે કાબૂમાં લીધો
વડોદરા: સંસ્કારી નગરીના રસ્તા પર જ્યારે વિશ્વામિત્રીનો ‘રાજા’ પોતે પેટ્રોલિંગ પર નીકળે, ત્યારે વાતાવરણ કેવું હોય? આમ તો અગાઉ જ્યારે રિલની દુનિયા નહોતી ત્યારે લોકો દૂર થઈ જતા, વનવિભાગ કે વન્ય પ્રાણીઓના એક્સપર્ટને રેસ્ક્યૂ કરવાનું મોકળું મેદાન આપતા. હવે તો રિલ બનાવવાના ચક્કરમાં લોકો મગરના મોંઢાની નજીક જતા પણ ડરતા નથી. બુધવારે રાત્રે આ વિસ્તારના વડોદરાવાસીઓએ આનો જીવંત અનુભવ કરાવ્યો. શહેરના નરહરિ બ્રિજ રોડ પર અચાનક 8 ફૂટ લાંબો મહાકાય મગર રસ્તા વચ્ચે આવી ગયો અને જાણે આખા રસ્તા પર પોતાનો કબજો જમાવી દીધો. આ ‘શહેરના સિકંદર’ને જોઈને વાહનચાલકોના રૂંવાડા ઊભા થવાનું તો દૂર રહ્યું પોતાની ગાડીઓ, બાઇક બધું જ રસ્તા પર છોડીને તેની નજીક મોબાઈલના વીડિયો રેકોર્ડિંગ સ્ટાર્ટ કરીને જવા લાગ્યા. લોકો વચ્ચે હું પહેલા વીડિયો લઉ પહેલા લઉં તેની રીતસરની પડાપડી જોવા મળી હતી.
રોડ પર ‘વિશ્વામિત્રીના રાજા’નો દબદબો
ઘટના શહેરના કમિશનર બંગલાની પાછળ આવેલા નરહરિ બ્રિજની છે. રાત્રિના અંધારામાં, વિશ્વામિત્રી નદીમાંથી નીકળીને આ 8 ફૂટનો મહાકાય મગર બેફીકરાઈથી રસ્તા પર ફરવા લાગ્યો. થોડી જ વારમાં લોકોએ ભય અને અફરાતફરીનો માહોલ સર્જી દીધો. ભય મગર માટે અને અફરાતફરી લોકો માટે. મગર કદાચ ડરી ગયો પણ લોકો તેને શૂટ કરવા માટે અફરાતફરી મચાવવા લાગ્યા. મગરને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા. તેનું રેસ્ક્યૂ થતું હતું ત્યારે તો રીતસર લોકો એટલા નજીક જતા રહ્યા હતા કે ન કરે નારાયણને જો મગર રેસ્ક્યૂ કરનારના હાથથી છટકે તો તુરંત કોઈનું આવી બને. જોકે કેટલાક લોકો સમજુ પણ દેખાયા હતા તેઓ દૂર ઉભા રહીને આ રોમાંચક અને ભયાવહ દ્રશ્યને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું. કોઈ મોબાઈલમાં કંડાર્યા વગર નરી આંખે દ્રશ્યને જોઈ ત્યાંથી જતા પણ રહ્યા હતા. કોઈ તો વાહન પણ ઊભું રાખ્યા વગર ત્યાંથી નીકળી ગયા હતા.
રેસ્ક્યૂ ટીમને પરસેવો વળી ગયો
ઘટનાની જાણ થતાં જ વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટીમ અને વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. પરંતુ ત્યાં સુધીમાં મગરને જોવા માટે એટલી ભીડ જમા થઈ ગઈ હતી કે રેસ્ક્યૂ ઓપરેશન કરવું પણ મુશ્કેલ બની ગયું. એક તરફ મહાકાય મગરનો ગુસ્સો અને બીજી તરફ લોકોની ભીડ, આ બેવડા પડકાર વચ્ચે રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત અને સમજદારીપૂર્વક ઓપરેશન પાર પાડ્યું. મહામુસીબતે મગરને કાબૂમાં લઈને પાંજરામાં પૂરી વન વિભાગને સોંપવામાં આવ્યો.
જાણો: મગર કેમ શહેર તરફ આવે છે અને શું સાવચેતી રાખવી?
મગર શેડ્યૂલ-1 હેઠળ આવતું સંરક્ષિત પ્રાણી છે અને વિશ્વામિત્રી નદી તેનું કુદરતી ઘર છે. ઘણીવાર ખોરાકની શોધમાં કે દિશા ભૂલીને તે માનવવસ્તી તરફ આવી જાય છે. કે પોતાનો વિસ્તાર છોડી રોડ પર આવી જાય છે.
મગરના જડબામાંથી બચવું છે? તો વિશ્વામિત્રી કિનારે આ 5 ભૂલો ક્યારેય ન કરતા!
વિશ્વામિત્રીનો મગર શિકાર કરતા પહેલા સમજતો નથી કે કોણ છે. તે શાંત પાણીમાં છુપાયેલો એક શિકારી છે. તમારી નાની અમથી ભૂલ પણ જીવનની સૌથી મોટી ભૂલ બની શકે છે. આથી, જો તમે અથવા તમારા પ્રિયજનો નદી કિનારે જતા હોવ, તો આ વાતો મગજમાં ગાંઠ બાંધીને રાખજો.
1. હીરોગીરી ભારે પડશે: ‘અહીં મગર નથી’ એવું માનવાની ભૂલ
“અહીં ક્યાં મગર થોડો હશે?” – આ વાક્ય અનેક દુર્ઘટનાઓનું કારણ બન્યું છે. વિશ્વામિત્રીના કોઈપણ કિનારે મગર હોઈ શકે છે. પાણીમાં ઉતરવાની, નહાવાની કે છબછબિયાં કરવાની હિંમત કરવી એટલે સીધા મોતને ભેટવા બરાબર છે.
2. ‘એકલો જાને રે…’: આ ભજન નદી કિનારે ન ગવાય! અર્થ સમજાવું?
નદી કિનારે ક્યારેય એકલા-અટૂલા ન જશો. અચાનક હુમલો થાય તો મદદ માટે બૂમ પાડવા પણ કોઈ નહીં હોય. હંમેશા 2-3 લોકો સાથે જ જાઓ. અને જોખમ લેવા કરતાં ઘરેથી આવતા પાણીનો ઉપયોગ કરવો, મોટરથી ખેંચવું અરે ટેન્કર બોલાવી લેવું હજાર ગણું સારું.
3. પાલતુ પ્રાણીઓ પણ શિકાર બની શકે છે
તમે તમારા પાલતુ શ્વાન કે ઢોરને ખૂબ પ્રેમ કરો છો, પણ મગર માટે તે માત્ર એક શિકાર છે. તેમને પાણી પીવડાવવા માટે નદીના ઊંડા પાણી સુધી લઈ જવાનું જોખમ ન લેશો. કિનારા પર જ રહો, સુરક્ષિત રહો.
4. તમે પણ બનો ‘વોચડોગ’: જોખમ દેખાય તો જાણ કરો
જો તમારા વિસ્તારમાં નદી કિનારે મગરનું જોખમ હોય અને ત્યાં વન વિભાગનું કોઈ ચેતવણી બોર્ડ ન દેખાય, તો ચૂપ ન બેસો. તમે પણ એક જાગૃત નાગરિક તરીકે વન વિભાગને જાણ કરો. તમારી એક નાની પહેલ અનેક લોકોનો જીવ બચાવી શકે છે.
5. વરસાદી પાણીમાં તો વડોદરામાં જોખમ
વરસાદ પડે અને જો તમે વડોદરામાં હોવ તો તો તમારે પાણીની પણ ઘાત છે તેવું સમજીને ચાલવું. જ્યાં પાણી થોડું ઉંડું હોય, ડહોળાયેલું હોય એટલે કે તમે પાણીની અંદર સુધી જોઈ શકતા ના હોવ તો નિયમ નંબર 1 ને ફરી યાદ કરો. એટલે કે અહીં મગર થોડો હશે? તમે ત્યાં પણ સચેત રહેજો કારણ કે ઘણા એવા વીડિયો પણ તમે જોયા હશે કે સોસાયટીમાં ભરાયેલા પાણીમાં મગર કૂતરાનો શિકાર કરવાનો પ્રયત્ન કરતો હોય. લોકો જેમના ઘર કે ઘરની અંદર સુધી મગર પહોંચી ગયા છે તે લોકોને પણ સાંભળો તે લોકો તેમની સાથે ઘટેલી મગર સાથેની ઘટનાને સારી રીતે વર્ણવશે.








